ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ બદલ્યા બાદ નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોની ચર્ચાઓ વચ્ચે 24 કલાકથી ચાલતા સિનિયર મંત્રીઓમાં રોષ અને અનિશ્ચિતતાંના સૂર આજે સવારથી જ બદલાઈ ગયા હતા અને ભાજપમાં ઘીના ઠામમાં ઘી ઠરે એવો માહોલ જોવા મળ્યો હતો.
ગઈકાલે દિવસ દરમિયાનની અટકળો વિરોધ અને અફવાઓ બાદ મધરાતે ભાજપ હાઈકમાંડ અને ગુજરાત આવેલા હાઈકમાન્ડના દૂત સાથે સતત ચર્ચાઓ બાદ નારાજ મંત્રીઓને ચોખા શબ્દોમાં કહીં દેવાયું કે, ઉપરથી સાહેબનો આદેશ છે, ચૂપચાપ કામ કરો.
આ આદેશથી ગુજરાત ભાજપનો રોષ સવારથી શાંત થઈ ગયો હતો. ગુજરાતમાં વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળનું રાજીનામુ શનિવારે લઈ લેવામાં આવ્યા બાદ રવિવારે નવા મુખ્યમંત્રી તરીકે નવા નિશાળીયા એવા ભૂપેન્દ્ર પટેલને મુકવામાં આવતા સિનિયર મંત્રીઓમાં નારાજગી શરૂ થઈ હતી.
ત્યારબાદ મોડી સાંજે ભાજપે નારાજ પૂર્વ મંત્રીઓને સમજાવવા માટે વિજય રૂપાણીને જવાબદારી સોંપી હતી. તેમ છતા કેટલાક મંત્રીઓએ પોતાના સમાજ અને જ્ઞાતિના જોરે મંત્રીપદ મેળવવા માટે વડાપ્રધાન સુધી રજૂઆતો અને પત્રો લખ્યા હતા.
એટલું જ નહીં ભાજપના સિનિયર આગેવારો સમક્ષ ધમકીની ભાષામાં પણ રજૂઆતો કરી હતી. આ પહેલાં ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ અત્યંત ચોંકાવનારો રહ્યો હતો. નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક કાર્યક્રમ બદલાવવામાં આવ્યાં હતો.
જેને પગલે છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ કેન્સલ કરવું પડ્યું હતુ. જો કે હવે તેમને યેનકેન પ્રકારે છાનામાના બેસવાનો આદેશ આપી દેવાયો છે.