આ વર્ષે ન યોજાયો અંબાજીમાં ભાદરવી પુનમનો મેળો, માં અંબાના દર્શનાર્થે આવ્યા લાખો ભક્તો, સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત…

ભાદરવી પૂનમને લઈને માં અંબાજીમાં જાણે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. કોરોનાની ત્રીજી લહેરની તકેદારી લઇને પૂનમનો મહામેળો તો યોજાયો નથી, પરંતુ મા અંબાના દર્શનાર્થી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી પણ અંબાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે.

દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને મા અંબાના દર્શન કરી રહ્યાં છે. જ્યારે ભક્તોની સુરક્ષાને લઇ અંબાજીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. આજે ભાદરવી પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે.

યાત્રીઓની સુરક્ષાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની પ્રસાદ વિતરણની વ્યવસ્થા માટે પણ ત્રણ અલગ અલગ કાઉન્ટર ઉભા કરાયા છે. રવિવારે ચૌદશના દિવસે અંદાજે એક લાખથી વધુ ભકતોએ મા અંબાના ચરણોમાં પોતાનું શિશ ઝુકાવ્યું હતું.

મંદિર ટ્રસ્ટમાંથી માહિતી મળી હતિ કે, મેળાના પાંચ દિવસ દરમિયાન 3 લાખ 80 હજાર જેટલા પ્રસાદ પેકેટનું વિતરણ કરાયું છે. ભાદરવી પૂનમના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોની સલામતિ માટે પૂરતી જાળવણી રાખવામાં આવી છે.

આરોગ્ય સમિતિ ઈમરજન્સી સારવાર સમિતિ, વિદ્યુત પ્રવાહ સમિતિ, દૂધ અને ખાદ્ય સામગ્રી વિતરણ અને ચકાસણી સમિતિ, અંબાજી તરફના પ્રવેશમાર્ગ પરના નિયંત્રણ અને પાર્કિંગ સમિતિ, હોટલ અને ગેસ્ટ હાઉસ ધર્મશાળા તપાસણી, પ્રવાસી વ્યવસ્થાપન અને યાત્રાળુઓ આવાસ સમિતિ,

ગબ્બર ઉપર સંચાલન સમિતિ, રખડતા ઢોરોનું નિયંત્રણ, સ્વચ્છતા સમિતિ, રસ્તા મરામત સમિતિ, પાણી પુરવઠા સમિતિ, વીઆઈપી પ્રોટોકોલ અને લાઈઝન સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ, પ્રસાદ વ્યવસ્થા સમિતિ, ઈમરજન્સી રીસ્પોન્સ સમિતિ, વાહનોની ચકાસણી તથા પાસની સમિતિ, વિખુટા પડેલ બાળકો માટે હેલ્પ સેન્ટર એમ જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer