12 ડિસેમ્બરના રોજ હેડ ક્લાર્કની લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. 6 દિવસ બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપર લીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે.
અંતે આ પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી યોજાશે. ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ કાયદેસર પગલાં લેવામાં આવશે. જો ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેને સસ્પેન્ડ કરાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર પરીક્ષા યોજાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરાઈ છે.
હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની નહિ થઇ શકે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી છૂટે નહીં. પેપર લીક કાંડનો મામલો ગરમાતા સરકાર એકદમ સક્રિય થઈ ગઈ છે અને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક મહત્વની મીટીંગ થઈ હતી.
આ બેઠકમાં પરીક્ષા રદ કરવા અને આરોપીઓ સામે કડક પગલાં લેવા આદેશ કરાયો હતો. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી ઉપરાંત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સહિતના હોદ્દેદારો હાજર રહ્યાં હતા.