આધ્યાત્મિક સાધના આપણા જીવનનો સૌથી મોટો પુરુષાર્થ છે

આધ્યાત્મિક સાધના આપણા જીવનનો સૌથી મોટો પુરુષાર્થ છે. એનાથી માનવ જીવનની ગરિમાનો બોધ થાય છે. સાધનાનું એક વિજ્ઞાન છે અને વિધાન પણ છે. સાધના સમયસાધ્ય છે અને કસ્ટસાધ્ય પણ છે, પરંતુ તેની ફળશ્રુતિ અદ્ભૂત અને શ્રેષ્ઠ હોય છે. અધ્યાત્મના માર્ગે વળેલા સાધક માટે પાથેયનું કામ કરે એવાં કેટલાક સોપાન તપાસીએ.

૧) સદ્ગુરુનું અવલંબન: ગુરુ ઇશ્વરનો પ્રતિનિધિ હોય છે. જે શિષ્યોના કલ્યાણ માટે ધરતી પર અવતરિત થાય છે. જેને સદ્ગુરુ મળી જાય તે ખરેખર સૌભાગ્ય શાળી છે. દીક્ષા આપતી વખતે ગુરુ જે માર્ગ બતાવે અને જે વ્રત- બંધનોનું પાલન કરવાનું કહે એ જ આધ્યાત્મિક વિકાસનો આધાર હોય છે. નિત્ય ઉપાસના કરવાથી એ સંબંધ પ્રગાઢ બને છે. સદ્ગુરુએ રચેલા કે બીજા આધ્યાત્મીક ગ્રંથોનું પારાયણ કરવાથી તેનો આત્માનિર્મળ, પવિત્ર અને તેજસ્વી બને છે. સાધના કરતી વખતે તેના સદ્વિચારો જ સાધકને બળ તથા એકાગ્રતા આપે છે. તેની સમસ્યાઓનું સમાધાન કરે છે અને આધ્યાત્મીક પ્રકાશ આપે છે. આપણે ગુરુની ચેતના સાથે જેટલા વધારે સમય સુધી જોડાયેલા રહીશું એટલો જ વિશેષલાભ પ્રાપ્ત થશે.

૨) ઇશ્વરમાં અવિચળ આસ્થા રાખો: ગુરુ જ આપણને ઇશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. આપણામાં ઇશ્વરને જાણવાની પ્રબળ ઇચ્છા હોવી જોઈએ. આપણી શ્રદ્ધા તથા ભક્તિના આધારે જ આપણે તેમની સાથે પ્રગાઢ સંબંધ જોડી શકીએ છીએ. સંસારના સંબંધો ભલે ગમે તેટલા પ્રિય તથા સાચા હોય, છતાં તેની એક મર્યાદા હોય છે. તે નશ્વર છે અને સમય અનુસાર બદલાતા રહે છે. ફક્ત ઇશ્વર જ શાશ્વત, નિત્ય તથા સત્ય છે. એમની સાથે આપણો જન્મજન્માંતરનો સંબંધ હોય છે. તાત્વિક રૂપે આપણે તેમનો જ એક અંશ છીએ.

આપણી આસ્થાનો આધાર તે શાશ્વત તત્વ જ હોવું જોઈએ. જેની સાથે આપણો સંબંધ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તૂટતો નથી શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે ગામડામાં ડાંગર છડતી વખતે સ્ત્રી પોતાના બાળકને પીઠ પાછળ બાંધી રાખે છે. તેનું ધ્યાન હંમેશા તેના બાળક ઉપર પણ રહે છે, એ જ રીતે સાંસારિક કાર્યો કરતી વખતે પણ આપણું ધ્યાન ઇશ્વર તથા સદ્ગુરુમાં જોડી રાખવાનો અભ્યાસ કરતા રહેવું જઈએ. 

૩) ઇશ્વર પ્રાપ્તિ માટે સાચો પ્રયાસ: ઇશ્વર પ્રત્યે હંમેશા એક વિશિષ્ટ ભાવ રાખો.ઇશ્વર આપણા માટે ફક્ત એક કલ્પના જ ન રહેવા જોઈએ, પરંતુ તેઓ આપણા જીવનનો એક ભાગ બની જવા જોઈએ. એ માટે નિરંતર પ્રયાસ કરતાં રહેવું જોઈએ. શ્રીરામ શર્મા આચાર્ય કહેતા હતા કે’ આપણે ઇશ્વર સાથે એવો સંબંધ રાખવો જોઈએ કે તેઓ ચરિત્ર બનીને આપણાં જીવનમાં ઉતરે.  તેઓ કહેતા હતા કે ‘ મારા ગુરુ, મારી ભગવાન એક બોડીગાર્ડની જેમ મારી આગળ પાછળ તથા મારી ચારે બાજુ નિરંતર રહે છે. સ્વામી વિવેકાનંદ નાસ્તિકમાંથી આસ્તિક બન્યા તે ઇશ્વરની નૈષ્ઠિક શોધનું જ પરિણામ હતું.

મહર્ષિ અરવિંદે પોતાની પત્ની મૃણાલિનીને લખેલા પત્ર મા ત્રણ પ્રકારના પાગલપનનું વર્ણન કર્યું હતું. એમાનું એક પાગલપણું એ હતું કે’ મને વિશ્વાસ છે કે ઇશ્વર છે. અને એક દિવસ હું તેમને મેળવીને જ જંપીશ.’ બધા જાણે છે કે આગળ જતા અલીપુર જેલ જ તેમનું સાધના સ્થળ બની ગયું હતું. અને ત્યાં એક વર્ષના નિવાસ દરમ્યાન જ તેમને ભગવાન શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થયો હતો. ભગવાને તેમને ભાવિ જીવન માટે આદેશ તથા માર્ગદર્શન આપ્યા હતા. સ્વામી વિવેકાનંદ પણ સૂક્ષ્મશરીરમાં આવીને તેમને ઉચ્ચ સ્તરની સાધનાનું માર્ગદર્શન આપતા હતા.

૪) મનની માયાથી સાવધાન રહો: મનનો સ્વભાવ તથા પ્રવૃત્તિ સુખ તથા વિષય વાસનાઓમાં રાચવાની છે. તે હંમેશા બહારનાં સુખોની શોધમાં રહે છે. મનની ચંચળતા વિશે બધા જાણે છે. સાંસારિક સુખના મૃગજળની પાછળ દોડતા રહેવું તે એની ખાસિયત છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે મનની સ્થિતિ એક વાંદરા જેવી છે. જે સ્વભાવથી ચંચળ છે. વળી કોઈએ એને દારૂ પિવડાવી દીધો હોય અને પાછું કોઈ વીંછીએ એને ડંખ મારી દીધો હોય. 

એમાંથી હજુ તે શાંત થયું નહોતું એટલામાં જ એક દાનવ એની પર સવાર થઈ ગયો. વાસનારૂપી શરાબ પીને મન ઉન્મત થઈ જાય છે. ઇર્ષ્યારૂપી વીંછીનો ડંખ તેને વધારે પાગલ બનાવી દે છે. વળી અહંકારરૂપી દાનવ જ્યારે તેના પર સવાર થઈ જાય છે ત્યારે મન કોઈને ગાંઠતુ નથી. આ સ્થિતિમાં મનનો નિગ્રહ કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. તેથી તેની માયાવી ચાલથી સતત સાવધાન રહો તથા તેને કાબૂમાં રાખીને દૃઢતાપૂર્વક તેની પર વિવેકરૂપી લગામ રાખો. મનને શિસ્તમાં અને કાબૂમાં રાખ્યા વગર અધ્યાત્મના માર્ગે આગળ વધવું મુશ્કેલ છે. 

૫) આત્મસમીક્ષા તથા ધ્યાન માટે થોડોક સમય કાઢો:- આધ્યત્મીક માર્ગે આગળ વધવા માટે થોડોક સમય આત્મચિંતન તથા આત્મસમીક્ષા માટે કાઢતા રહેવું જોઈએ. જો જીવનમાં અસ્તવ્યસ્તતા અને દોડાદોડી હોય તો અધ્યાત્મના માર્ગે ખાસ પ્રગતિ થઈ શક્તી નથી. મનની સ્થિરતા માટે એકાંત જરૂરી હોય છે. આત્મસમિક્ષાની સાથે મનન, ચિંતન તથા ધ્યાન માટે એકાંતમાં થોડોક સમય કાઢવો જોઈએ.

બહારની દુનિયાનું વધારે પડતું આકર્ષણ તથા સંબંધ યોગ્ય નથી. દરરોજ સવારે આત્મબોધ તથા રાત્રે સૂતી વખતે તત્વબોધની સાધના દ્વારા આત્મસમીક્ષા તથા આત્મસુધાર કરતા રહેવું જોઈએ. સાથે સાથે ધ્યાન માટે દરરોજ થોડો સમય કાઢવો જોઈએ. શરૂઆતમાં ધ્યાનમાં મન લાગતું નથી, પરંતુ નિરંતર અભ્યાસ કરવાથી ધીમે ધીમે વિચારોના તરંગો શાંત થવા લાગે છે. અને મન શાંત થાય છે તથા તે ધ્યાનમાં એકાગ્ર થતું જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer