જાણો દેવશયની એકાદશી વ્રત ની કથા અને તેનું મહત્વ

હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ અગિયારશથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. અને પછીના દિવસે એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે. દેવશયની એકાદશીની કથા નીચે પ્રમાણે છે.

સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો. આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી. પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાળ પડયો. લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો. સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી. બાળકોને ભૂખ્યા નિહાળી મા-બાપનું હૃદય દ્રવી ઊઠતું. કેટલાક લોકો ક્ષુધાદેવીના ખપ્પરમાં હોમાઈ ગયા. અનાજના એક-એક દાણા માટે લોકો વલખાં મારતાં. રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે, સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર છે. અન્નપૂર્ણાદેવી જરૂર રુઠયાં હોય એવું લાગે છે. તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ.

આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માંધાતાએ અષાઢ સુદ અગિયારશે દેવશયની એકાદશીનું વ્રત કરે છે. મુનિએ કહ્યું કે, “હે રાજન્! આ એકાદશી મનોવાંછિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે. લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે, માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ.

માંધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું. મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની, પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષવિભોર બની નાચી ઊઠયા! સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા. આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું. અનાજનો મબલખ પાક થયો. માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. અષાઢ સુદ અગિયારશ એ ‘શયની’ એકાદશી (દેવશયની) કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુશયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે.

દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ અગિયારશથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે. આથી માંધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગિરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું. ચાતુર્માસ દરમિયાન યોગાભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. જે વ્રતધારી ‘ॐ નમો નારાયણ’ મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તે પરમ ગતિને પામે છે.”

Leave a reply:

Your email address will not be published.

Site Footer