દેશમાં સૌપ્રથમ વાર ગુજરાત રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સર્વિસ લોકો માટે શરૂ કરાશે. આ માટે રાજ્ય સરકારે કેન્દ્રને દરખાસ્ત કરી દીધી છે. નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે મુખ્યમંત્રીના જૂના પ્લેનને એર એમ્બ્યુલન્સમાં લોકોની સેવા માટે ફેરવાશે.
108 દ્વારા મળતા કોલમાં કલાકનું ભાડું 50 હજાર, હોસ્પિટલો માટે 55 હજાર અને ખાનગી વ્યક્તિના કોલમાં એર એમ્બ્યુલન્સનું કલાકનું ભાડું 60 હજાર વસૂલવામાં આવશે.
પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ગુજરાતમાં હવાઈ સુવિધાનો વ્યાપ વધે એ માટે ગુજરાતે વિવિધ પ્રકારની દરખાસ્તો કરી હતી. જે અંતર્ગત સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ કે જેનો કોન્ટ્રેક્ટ પૂરો થતાં હવે ફરીથી ટેન્ડર શરૂ નખાશે.
આ સિવાય છ સ્થળે સી-પ્લેન સર્વિસ માટે સરવે કામગીરી હાથ ધરી હતિ. ગુજરાતને બે સી-પ્લેન માટે આર્થિક સહાય મળે એ માટે દરખાસ્ત મૂકાઇ છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતીથી સ્ટેચ્યૂ સુધી સવાર-સાંજ એમ કુલ બે ફ્લાઇટની સેવા શરૂ કરાશે.
ડીસા એર સ્ટ્રિપની જમીન સોંપણી માટે પણ દરખાસ્ત કરી છે એમ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી હેલિકોપ્ટરથી જોય રાઈડની મજા માણી શકશે.
આ જોય રાઈડમાં બેસી 7થી 10 મિનિટ રિવર ફ્રન્ટની આસપાસ નક્કી કરાયેલા રુટ પરથી અમદાવાદનો આકાશી નજારો જોઈ શકાશે. જેની વ્યક્તિદીઠ 2000 આસપાસ ટિકિટ રાખવામાં આવી છે.