દશેરાનો પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ માટે ઐતિહાસિક દિવસ સાબિત થયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિયાદના 52 વર્ષીય અરૂણભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ તેમના અંગદાન માટેની તૈયારી દર્શાવી હતી.
અરૂણભાઇ પ્રજાપતિના અંગોના દાનને કારણે ગુજરાતમાં પ્રથમ વખત બંને હાથના દાન મેળવવામાં પણ સફળતા પ્રાપ્ત થઈ હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બંને ફેફસાનું પણ દાન મળ્યું હતું.
બ્રેઇનડેડ અરૂણભાઇનું હ્યદય અને બંને કિડનીનું પણ દાન મળ્યું હતું. આ બંને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના 22 વર્ષીય યુવાનને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા.
જ્યારે હૃદય અને ફેફસાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. બંને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલી આપવામાં આવી હતી.
સમગ્ર વિગતો આપી સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટર તરીકે મંજૂરી મળ્યાને દશેરાના પવિત્ર દિવસે 300 દિવસ પણ પૂર્ણ થયા છે. આ 300 દિવસોની અંદર કોરોનાકાળની અઘરી પરિસ્થિતિઓ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં 14 બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાન મેળવવામાં અમારી ટીમને સફળતા મળી છે.
અત્યાર સુધીમાં 14 બ્રેઇનડેડ દર્દીઓના કુલ 50 જેટલા અંગોનું દાન લેવાયું છે. જેમાં 14 લીવર, 25 કિડની, 4 સ્વાદુપિંડ, 3 હૃદય, 2 હાથ અને 2 ફેફસાનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત 32 આંખોના પણ દાનમાં મળી છે. આ તમામ અંગોના દાન થકી 38થી વધુ વ્યક્તિના જીવનમાં નવો જન્મ થયો છે .