જાણો ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્યની કથા

મહર્ષિ અત્રિએ પણ પ્રભુને પ્રાર્થના કરતાં કીધું હતું  :’ હે પ્રભુ ! તું મને એવું સંતાન આપ કે જેમાં સર્જન કરનાર બ્રહ્માના, પાલન કરનાર વિષ્ણુના અને વિસર્જન કરનાર શિવ ના શક્તિરૂપ ગુણો હોય.’ સમયાંતરે પ્રભુએ તેમને એવો જ પુત્ર આપ્યો તે દત્તવંદન કરો એ ઋષિઓને, જેઓ પતિત સમાજને સન્માર્ગ બતાવી તેના ઉત્કર્ષમાં સતત પ્રયત્નશીલ રહ્યા છે. એટલું જ નહિ, જેમણે ભારતીય સાંસ્કૃતિક ઉદ્યાનને સારું રાખવા તેમજ આગામી પેઢીઓ શાંત, કલ્યાણકારી અને પવિત્રજીવન જીવી શકે તે માટે અથાગ પ્રયત્નો કર્યા છે. શ્રાવણી પર્વ પર આપણે સાત ઋષિઓની પૂજા કરીએ છીએ કારણકે તેને આપણને મન, વચન અને કર્મમાં પૂરી ઇમાનદારી રાખીને સત્કર્મો કરવાનો ઉપદેશ આપ્યો છે.

આવા એક ઋષિ એટલે અત્રિ. તેમણે કર્દમકન્યા અનસૂયા સાથે લગ્ન કર્યા હતા. આ ઋષિ દંપતીનું જીવન ઉત્કૃષ્ટ હતું. બંનેના જીવનમાં સાત્ત્વિકતાનો કેવો યોગાનુયોગ થયેલો ! અત્રિ ‘મહર્ષિ’ હતા તો અનસૂયા’ મહાસતી’. બંનેની પ્રતિભા ખૂબ તેજસ્વી. અત્રિમા ‘અ’ એટલે નહિ અને ‘ત્રિ’ એટલે ત્રિગુણ. કહો કે જે સત્ત્વ, રજ અને તમ- એવા ત્રણ ગુણોથી પર છે તે, જે ત્રિગુણાતીત છે તે અત્રિ. અને જેનામાં સ્ત્રીસહજ અસૂયા(ઇર્ષ્યા) નથી તેવી જીવંત નિખાલસતા એટલે અનસૂયા. આવાં માતાપિતાને ત્યાં તેજસ્વી અને સર્વગુણસંપન્ન દત્ત જેવો પુત્ર જન્મ ઘરે છે.

એકવાર અત્રિના આશ્રમમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અનસૂયાના સતીત્વની પરીક્ષા કરવા ઉપસ્થિત થયા. તેમણે અનસૂયાને વિવસ્ત્ર સ્થિતિમાં ભિક્ષા આપવાનું કહ્યું. મહાસતી માટે એ કામ ખૂબ મુશ્કેલ હતું. પરંતુ તેણે પ્રભુસ્મરણ તેમજ પોતાના તપના પ્રભાવથી ‘ત્રિદેવને’ બાળકો બનાવી દીધાં. અને ભિક્ષા આપી તેમને સંતુષ્ટ કર્યા. ત્રણેય દેવો અનસૂયાના માતૃરૂપને મનોમન વંદી રહ્યા. તેમણે મહાસતી અનસૂયાના ખોળામાં જન્મ ધારણ કરવાની મનીષા વ્યક્ત કરી. આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશાવતાર રૂપ જન્મેલ બાળક તે છે દત્ત.

સમયાંતરે પ્રભુએ તેમને એવો જ પુત્ર આપ્યો તે દત્ત. જે અત્રિ ઋષિના ગુણસંપન્ન સંતાન તરીકે ‘આત્રેય’ કહેવાયો. આમ તેમનું ‘દત્તાત્રેય’ એવું નામ રાખવામાં આવ્યું. પ્રતિવર્ષ માગશર સુદ ચૌદશ તેમની જન્મજયંતી તરીકે ભક્તિભાવથી ઉજવાય છે. ભગવાન દત્તાત્રેયના હાથમાં સર્જક દેવ બ્રહ્માનાં કમંડળ અને માળા છે. કમંડળમાં રહેલું પાણી એ આપણું જીવન છે. આપણું જીવન તેમજ પ્રત્યેક સર્જન પ્રાણવાન હોવું જોઈએ. જીવનને પ્રાણવાન બનાવવા માટે ભક્તિ જોઈએ. આમ માળા ભક્તિનું પ્રતીક બને છે. દત્તાત્રેયના હાથમાં પાલકદેવ વિષ્ણુ પ્રદત્ત શંખ અને ચક્ર છે. 

એનો ભાવાર્થ એ છે કે શંખની જેમ તેજસ્વી વિચારોનો ઉદ્ઘોષ કરી, તેને ચક્રની જેમ દુનિયામાં ફરતા કરવામાં આવે તો દુનિયાને જગતને શ્રેયનો માર્ગ મળે. તેમના હાથમાં શિવજીનાં ત્રિશુલ અને ડમરું છે. એટલે કે જીવનમાં સંહાર પણ છે અને સંગીત પણ. જીવનમાંથી જીર્ણતા જાય, એનો સંહાર થાય તો નવસર્જનનું સંગીત રેલાય. ભગવાન દત્તાત્રેયને કુદરતનાં જે તત્વોમાંથી શિક્ષા મળી તે સર્વને તેમણે ગુરુપદે સ્થાપ્યાં. કહેવાય છે કે તેમના ચોવીસ ગુરુઓ હતા. જેમાં પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, સાગર, સૂર્ય, ચંદ્ર, હાથી, શ્વાન, અજગર, હરણ , ભમરો, પતંગિયું, મધમાખી બગલો, ગીધ, કબૂતર, કોયલ, બાળક તથા કન્યાનો સમાવેશ થાય છે. 

આ વિવિધ ગુરુઓ દ્વારા તેમના જીવનમાં ક્ષમા, અનાશક્તિ, તેજસ્વિતા, પ્રસન્નતા, ગંભીરતા, અપરિગ્રહ, સમદૃષ્ટિ, સમર્પણ ભાવના, સ્વાવલંબન, ત્યાગ, તેમજ મધુરવાણીની શિક્ષા મળી હતી. તેમના જીવનમાંથી આપણને એ પ્રેરણા મળે છે કે જ્યાંથી કંઈ શીખવાનું મળે તેનું સન્માન કરો. જીવનમાં સદ્જ્ઞાાન ગ્રહણ કરો અને તેને સદાચરણથી સાર્થક બનાવો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer