વર્તમાન સમય મા ગુજરાત ના ગામે-ગામે બે જીવંત દેવરુપી શુરવીરો ની પૂજા કરવા મા આવે છે. તેમાના એક છે વચ્છરાજ સોલંકી ઉર્ફે “વાછરાદાદા” ને બીજા છે ફાગવેલ ના વીર ભાથીજી મહારાજ. આ બંને શૂરવીરો ની શુરવીરતા ને વર્તમાન સમય મા પણ લોકો સલામ કરે છે. હાલના સમય મા પણ જો ગામ મા કોઇ ને એરુ આભડયો હોય તથા સર્પદંશ થયો હોય તો વાછરાદાદા તથા ભાથીજી મહારાજ ની ટેક રાખવામા આવે છે.
આ ટેક તમારું ધાર્યું કાર્ય પૂરું પાડે છે તથા આ ટેક પૂર્ણ થયા બાદ આ ટેક મુજબ પોતાના ગામ મા કાં’તો બાજુ ના ગામ મા નૈવેધ ધરાવે છે. આ વાત કરવા પાછળ નો અર્થ અંધશ્રધ્ધા ફેલાવવા નો નથી. પરંતુ , અમુક સમયે પ્રભુલીલા નો કોઇ તોડ જ નથી હોતો. તો આપણે રણબંકા ભાથીજી વિશે થોડી વધુ માહિતી મેળવી એ.
પૌરાણિક તથ્યો અનુસાર પ્રભુ નારાયણ ના ભક્ત તથા ડાકોર ના શ્રીમંત વિજયસિંહ બોડાણા દ્વારકા ની યાત્રા એ નીકળ્યા. આ દ્વારકા ની યાત્રા તેમણે પાટણ ના જયમલ રાઠોડ સાથે કરી. ભક્ત બોડાણા થી તો ભાગ્યે જ કોઇ અજાણ હશે. પ્રભુ નારાયણ ને દ્વારકા થી ડાકોર લઇ આવનાર ભકત ! તો વાતની શરૂઆત થાય છે જયમલ રાઠોડ ના વંશ જ ફાગવેલ ના તખ્તસિંહ એક ગરાસદાર છે.
આ તખ્તસિંહ રાઠોડ ના લગ્ન ચિખડોલ ના ગરાસિયા ના પુત્રી અક્કલબા સાથે થયા. ઠકરાણા અક્કલબા અને તખ્તસિંહ ને ત્યાં ચાર બાળકોનો જન્મ થયો. જેમાં બે દિકરી ઓ સોનબા અને બીનજીબા તથા બે દીકરા ઓ હાથીજી અને ભાથીજી હતા. ભાથીજી બાળપણ થી જ બુધ્ધિશાળી , સાહસી તથા લાગણીશીલ હતા તથા તે લોકો ની પીડા ઓ ને સમજતા હતા.
નાની વય થી જ ગરાસ નો ભાર પોતે ઉપાડી લીધો. પ્રજા મા તે ખૂબ જ પ્રિય હતા. તે સવા માસ ના હતા ત્યારે તેમના મસ્તિષ્ક પર નાગ ની ફેણ નું પ્રતીક દેખાતું હતું જેથી લોકો તેમને પ્રભુ નો અવતાર માનતા હતા. ભાથીજી ઉચી જાતિ ના હોવા છતા તેમણે નીચી જાતિ ના લોકો સાથે ક્યારેય ભેદભાવ ના કર્યો.
તેમણે એક હરિજન ને પોતાની સગી બહેન બનાવી તેમના સંપૂર્ણ રક્ષણ નું દાયિત્વ લીધું હતું આ ઉપરાંત ભાથીજી એ જીવન ની અંતિમ ઘડી સુધી ગાય માતા નું રક્ષણ તથા સેવા કરેલી. ગાયો ઉપરાંત ભાથીજી મહારાજે સર્પ ના રક્ષણ નું પણ દાયિત્વ લીધું હતું. તેઓ સર્પ ને પ્રભુ નું સ્વરૂપ માનતા હતા.
સર્પ ક્યારેય પણ જાણી જોઇને કોઇની હાનિ નથી પહોંચાડતો તે ફક્ત પોતાનું આત્મરક્ષણ કરે છે. આ પર્યાવરણ રક્ષણ નો પ્રયાસ ભાથીજી દ્વારા ૩૫૦ વર્ષ પહેલા જ શરૂ કરી દીધો હતો. એક પ્રસંગ એવો બન્યો કે ભાથીજી મહારાજ ના વિવાહ દૂધાતલ ના જાગીરદાર ના પુત્રી કંકુબા સાથે થતા હતા. લગ્નમંડપ મા ઢોલ તથા શરણાઇ ના મધુર સ્વરો વચ્ચે શત્રુ ઓ ને ગાયો બંધક બનાવી લઇ જઇ રહ્યા છે તેવા સમાચાર મળ્યા.
આ સમાચાર મળતા ની સાથે જ ભાથીજી ઘોડી લઇ ચાલતા થયા. આ શૂરવીર ઘોડી લઇ ને દુશ્મનો પાસે પહોંચ્યા તથા દુશ્મનો ને તલવાર ના ઘા થી વીંઝવા લાગ્યા. કોઇ એ પાછળ થી તેમના પર પ્રહાર કર્યો પરંતુ પોતાના અંતિમ શ્વાસ સુધી તેમણે લડત કરી ને ગાયો નું રક્ષણ કર્યું. આ વીર ની સાથે કંકુબા પણ સતી થયા.
એવું કહેવાય છે કે ભાથીજી ના અગ્નિ સંસ્કાર દરમિયાન હાથીજી ના શરીર મા પ્રવેશી લોકો ને જણાવે છે કે કોઇ ને સર્પ કરડે તો મારી માનતા રાખજો જેથી તમારું અકાળે મૃત્યુ નથી થતું .આજે ગામો-ગામ ભાથીજી ના મંદિરો તથા ડેરીઓ આવેલી છે. જયા દર વર્ષ બેસતા વર્ષ ના દિવસે મેળા નું આયોજન કરવામાં આવેછે. ધન્ય છે મા અક્કલબા જેમના ખોળે આ શૂરવીરે જન્મ લીધો.