ગુજરાતમાં બે તબક્કામાં યોજાનાર ચૂંટણીના પગલે હવે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરાયો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા જેટ, ટર્બોક્રોપ સહિતના 9 ચાર્ટર્ડ એરક્રાફ્ટ, છ ટ્વિન એન્જિન અગસ્તા હેલિકોપ્ટર અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી સ્પેશિયલ મગાવી 25 દિવસ માટે એડવાન્સમાં બુક કર્યા છે. આ વિમાન અને હેલિકોપ્ટર માટે રાજકીય પક્ષો પ્રતિ કલાકના રૂપિયા 25થી 50 હજાર સુધીનું ભાડું ચૂકવશે.
મળતી માહિતી મુજબ, ભાજપે પ્રચાર માટે 4 હેલિકોપ્ટર અને 3 ચાર્ટર્ડ વિમાન બુક કર્યા છે. અમદાવાદમાં કેટલીક ચાર્ટર્ડ કંપનીઓ પાસે ઓપન કોન્ટ્રાક્ટ કર્યો છે. આજે દિલ્હીથી એક હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું છે. આ માટે ગાંધીનગર કમલમ ઓફિસ પાછળ એક હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસે પ્રચાર-પ્રસાર માટે 1 વિમાન અને 1 હેલિકોપ્ટર બુક કર્યું છે.
આમ રાજકીય પાર્ટીઓ હવાઈ પ્રચાર કરવામાં અંદાજે 100 કરોડ રૂપિયાનો ધુમાડો કરશે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આપ પાર્ટી ગુજરાતમાં દિલ્હીથી ચાર્ટર્ડ લઇને આવે છે. આ પાર્ટી દ્વારા એરપોર્ટ પર અગાઉથી કોઇ એરક્રાફ્ટ-હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખાયું નથી.
આમ ચૂંટણીનો માહોલ જામતો જશે તેમ જરૂરીયાત ઉભી થશે તો વધુ ચાર્ટર્ડ વિમાન કે વધુ હેલિકોપ્ટર પણ બુક કરવામાં આવશે. આ ઉપરાંત ચાર્ટર્ડ ભાડે આપતી કંપનીઓ તેમજ બુકિંગ કરતી એજન્સીઓએ અલગથી 18 ટકા જીએસટી, એરપોર્ટ ચાર્જ, એટીસી બિલ અલગથી ચૂકવવાનો રહેશે. કેપ્ટનને રહેવા માટે લક્ઝુરિયસ હોટલ એકોમોડેશન, જમવા સહિતનો ખર્ચ આપવાનો રહેશે.
એક ફ્લાઈટ હેન્ડલિંગ પાછળ રૂ. 30 હજારનો ખર્ચ થશે જેમાં જીએ ટર્મિનલ વન ટાઈમ ચાર્જ , લાઉન્જ ઉપયોગ ટેક્સ સહિત વિવિધ ખર્ચનો સમાવેશ થાય છે. આ બિઝનેસ પણ લાખોને આંબવાનો અંદાજ છે. ભાજપે સૌથી વધુ 4 હેલિકોપ્ટર અને 3 ચાર્ટડ પ્લેન બુક કર્યા જે ગત ચૂંટણી કરતા બમણા છે. કોંગ્રેસે 1 પ્લેન અને 1 હેલિકોપ્ટર બુક કર્યું. આપના નેતાઓ દિલ્હીથી ચાર્ટડ પ્લેન લઈને આવે છે. શનિવારે 1 પ્લેન, 1 હેલિકોપ્ટર આવી ગયા છે.