મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાતે, કાદવ-કીચડમાં ચાલીને લોકોની સમસ્યા જાણી અને તમામ મદદ કરવાની આપી ખાત્રી..

છેલ્લા 48 કલાકમાં જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે પોતાનો પ્રથમ પ્રવાસ જામનગરના આવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં કર્યો હતો.

મુખ્યમંત્રી આજે પોતાના સમગ્ર કાફલા સાથે જામનગરના પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાતે આવ્યા હતા. અહીં ભૂપેન્દ્ર પટેલે સામાન્ય માણસની માફક કાદવ-કીચડમાં ચાલીને લોકોની સમસ્યા જાણવા પહોંચી ગયા હતા. લોકોની વચ્ચે બેસીને લોકોને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્ય મંત્રી બન્યા તે સમયે જ જામનગર શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ હતી. શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રીએ તરત જામનગર કલેકટર સાથે સંપર્કમાં રહી સ્થિતિની સમીક્ષા કરી હતી.

આજે વાતાવરણ ચોખ્ખું થતાં જ મુખ્યમંત્રી પોતાના પ્રથમ પ્રવાસે જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમની સાથે જામનગરનાં સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિત ભાજપના આગેવાનો પણ જોડાયાં હતાં.સોમવારે આવેલા પૂરને કારણે ધુંવાવ ગામમાં ભારે નુકસાની સર્જાઈ હતી.

ગામના 50 ટકા વિસ્તારમાં પાણી ઘૂસી ગયું હોવાને કારણે લોકોની જીવનજરુરિયાતની તમામ ચીજવસ્તુઓ પણ બગડી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવ્યા બાદ આજે ડિરેકટ જ ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર નજીક ધુંવાવ ગામની મુલાકાત લીધા બાદ જામનગર શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ નજર કરી હતી. શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર અને લાલપુર રોડ પરની આશીર્વાદ સોસાયટીમાં પૂરના પાણીના કારણે નુકસાન થયું હોય મુખ્યમંત્રીએ મુલાકાત કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer