ભગવાન શિવશંકરના પ્રચલિત આઠ નામો છે. ૧) ભવઃ એટલે જગતનો સર્જનહાર ૨) શર્વ એટલે નાશ કરનાર, ૩) રુદ્ર- જે રડાવે તેવું રુદ્ર સ્વરૂપ પણ ધારણ કરનાર ૪) પશુપતિ: જે વાસના પાશથી પર છે. ૫) ઉગ્ર- ક્રોધીપણ થઈ શકે છે. ૬) સહમહાન ઃ બધી મહાનતા સાથેનાં છે – મહાદેવ ૭) ભીમ: અર્થાત મહાકાય વિરાટ સ્વરૂપ પણ ધારી શકનાર. ૮) ઇશાન એટલે શાસન કરનાર. ‘મહિન્મસ્તોત્ર’માં આ આઠ નામોનું વર્ણન કર્યા પછી પુષ્પદંત કહે છે કે આ બધાય સ્વરૂપને હું મન, વચન અને કર્મથી નમન કરૂં છું. ‘નમસ્યો સિવ ભવતે’ આ બધાય નામોમાં મહાદેવ ‘નામ બહુ પ્રચલિત છે. અને આપણે સહુ પણ કહીયે છીએ કે ‘હર હર મહાદેવ હર’
સૃષ્ટિનાં આદિદેવ: બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ તેમાં એક વખત બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે સંઘર્ષ થયો. બન્નેમાંથી કોણ મોટું. શિવપુરાણમાં આ વિવાદ દર્શાવતા કહ્યું છે કે આ વિવાદ યુદ્ધમાં પરિણમ્યો. બ્રહ્માએ અને વિષ્ણુ એ સામ-સામા મહાસ્ત્રો છોડવાનું શરૂ કર્યું. દેવતાઓ એ ગભરાઈને શિવજીને પ્રાર્થના કરી કે આ પ્રમાણે યુદ્ધથી વિનાશ થતો અટકાવ. ભગવાન શંકર બંન્નેની વચ્ચે એક સ્તંભ બની ઊભા રહ્યા.
બ્રહ્મા અને વિષ્ણુ બન્ને આ સ્તંભને જોઈને ચકિત થઈ ગયા અને તેના મૂળની ભાળ લેવા બ્રહ્મા હંસનું રૂપ લઈને ઉંચે સુધી ગયા અને ભગવાન વિષ્ણુ વરાહનું રૂપ લઈ નીચે પાતાળ સુધી ગયા. પરંતુ બન્ને તેના મૂળને કે ઉપરનાં ભાગ સુધી પહોંચવા અસમર્થ રહ્યા. આમ અસમર્થ થયા પછી ભક્તિ-શ્રદ્ધા અને પાર્શનાથી જાણી શક્યા કે આ તો દેવોનાં દેવ’મહાદેવ’ સ્તંભે રૂપે રહેલા છે. આથી બ્રહ્મા અને વિષ્ણુનો ‘ હું મોટો’ દાવો ખોટો સાબિત થયો.
આમ શિવજી દેવોનાં દેવ’મહાદેવ’ છે. શિવિલિંગ તેનું પ્રતિક અવ્યક્તને વ્યક્ત કરતું સ્વરૂપ છે. શિવ લિંગમાં અતિ પ્રધાન તત્વ રહેલું છે. એટલી શિવલિંગ ઉપર દુધ- ગંગાજળ કે પાણીની ધારા કરાય છે. આ રીતે’ મહાદેવ શિવજીનો’ અનંત મહિમા છે. તેનાં ગુણ-ગાન ગાવા કોઈ સમર્થ નથી આપણે માત્ર નિર્દોષ ભાવે તેને વંદન કરીએ અને તેનાં ગુણોની સ્તુતિ ગાઈએ તેવી જ શિવજીની પ્રાર્થના કરીએ.