ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,315 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવશે. જેના માટે ભાજપ સરકાર અને સંગઠને પૂરજોશથી તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની વાટાઘાટો માં અટવાયેલા છે,
ગુજરાતના ગ્રાસ રૂટ લેવલની ગ્રામ પંચાયત ની ચૂંટણી લિટમસ ટેસ્ટ સાબિત થવાની છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતાના પણ ઠેકાણા નથી. જેને પગલે પંચાયતોની ચૂંટણીને લઈ કોંગ્રેસ ખેંચતાણમાં છે.
ગુજરાત વિધાનસભા 2022ની સામાન્ય ચૂંટણી તેમજ ડિસેમ્બર મહિનામાં આવી રહેલી 10,315 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણીને ધયાનમા રાખી ભાજપ સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી છે.
તેના ભાગરૂપે મુખ્યત્વે રસીકરણ, કોરોનાની ત્રીજી લહેર, વિકાસ યોજનાઓ અને સરકારી કાર્યક્રમોની અમલવારીને લઈને વિવિધ તબક્કે મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેકટ જલદી પૂરા કરવા માટે થઈને કલેક્ટર અને ડીડીઓ(જિલ્લા વિકાસ અધિકારી)ને સુચના આપવામાં આવી રહી છે,
તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચાલી રહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટની સ્થિતિનો અપડેટ આપવા આદેશ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયત ની ચૂંટણી રાજકીય પક્ષોના જોર પર લડાતી નથી, પરંતુ ચૂંટાયેલા સરપંચો જે તે રાજકીય પક્ષોના જ સમર્થક હોય છે.