નેપાળમાં ગણેશ બૌદ્ધો દ્વારા પણ પૂજવામાં આવે છે, નેપાળના ગણેશનું સ્વરુપ એકદમ અલગ છે

નેપાળમાં હેરમ્બ તરીકે જાણીતા તાંત્રિક ગણેશનું પૂજન થાય છે. તેને પાંચ માથા અને દસ હાથ છે અને સિંહ ઉપર તેની સવારી છે. તેમના ખોળામાં તેમની શક્તિ બેઠેલી છે અને લોહી તેમને ચઢાવાય છે.નેપાળની લોકકથા પ્રમાણે, એક છોકરી પાચાલી ભૈરવ થકી ગર્ભવતી થઈ. આ બાળક હાથીના માથાવાળા અને ભગવાન તરીકે મોટા થયા છે. તેમણે તાંત્રીક ગુરુ ઓદિયાચાર્યની સાધના ભંગ કરવાનો પ્રયત્ન કર્યો. ઓદિયાચાર્યે તેમના ઉપર વિજય મેળવીને તેમનો એક દાંત તોડી નાખ્યો. ગણેશ તેમને શરણે ગયા અને બુદ્ધ ધર્મના ભગવાન થવાનું કબૂલ કર્યું. બૌદ્ધોમાં ગણેશ સદ્દભાગ્ય લાવતા દેવતા છે.

તિબેટમાં ૮મી સદીમાં પદ્મ સંભવે મહાયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. જેમાં ધ્યાન સાધના ઉપરાંત તાંત્રિક ભગવાનનું પણ પૂજન કરવામાં આવે છે. તિબેટના તાંત્રિક ભગવાનોમાં એક ગણેશ છે જેને બૌદ્ધ ધર્મમાં વિનાયક કહે છે. તેમના સૌમ્ય અને રૌદ્ર એમ બે રુપ છે. સૌમ્ય રુપમાં તેઓ વિધ્નહર્તા અને રૌદ્ર રુપમાં વિઘ્નકર્તા છે. સૌમ્ય રુપમાં સફેદ હાથીનું માથું અને લાલ શરીર છે. આ સ્વરુપને બોધિસત્વ અવલોકિતેશ્વરનો એક ભાગ ગણવામાં આવે છે. જેઓ બધા બૌદ્ધોનું માયાળુ શરીર સ્વરુપ છે. રૌદ્ર રુપમાં ગણેશ મહાકાળના સહયોગી બને છે. મહાકાલ તાંત્રિક બૌદ્ધોમાં શિવનું સ્વરુપ છે.

ગણેશના અનેક પરાક્રમોની ગાથા છે. ગણેશના સ્ત્રી સ્વરુપ વિનાયકીનું પરાક્રમ અંધક રાક્ષસ સાથે જાડાયેલું છે. દેવી પાર્વતીને તેની પત્ની બનાવવા ઇચ્છતા અંધકે તેમને ઉપાડી જવાનો પ્રયત્ન કર્યો. શિવજીએ ત્રિશુળથી અસૂરને પુરો કર્યો પણ અસુર પાસે જાદુઈ શ ક્ત હતી કે તેના લોહીના જેટલા ટીપા પૃથ્વીને અડે એટલા અંધક ઉત્પન્ન થતા હતા. તેને મારવાની એક રીત હતી, શિવજી ત્રિશુળ મારે ત્યારે તેના લોહીનું એક પણ ટીપું પૃથ્વી પર પડવું ન જાઈએ.

પાર્વતીએ દરેક શક્તિને અંધકનું લોહી પી જવાની વિનંતી કરી. ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ વગેરેની ગણેશના આ સ્વરુપ વિનાયકીએ પણ તેમાં ઘણી સહાય કરી હતી. ગણેશ પુરાણમાં ગણેશના ચાર અવતારની વાત છે. સતયુગમાં સિંહ પર સવાર થઈને તેમણે નરાન્તક અને દેવાન્તક નામના બે રાક્ષસ ભાઈઓને માર્યા. ત્રેતાયુગમાં મોર પર સવાર થઈને સિંધુ રાક્ષસને માર્યો. દ્વાપરમાં ઉંદર પર સવાર થઈને સિંદુર રાક્ષસને માર્યો અને અત્યારે ચાલે છે તે કળયુગમાં ઘોડા પર સવાર થશે, વિષ્ણુના ક્લ્કી અવતારની જેમ ધુમ્રકેતુનું સ્વરુપ લઈને રાક્ષસને મારશે.

મુદગલ પુરાણ પ્રમાણે, ગણેશ આઠ સ્વરુપો લઈને આઠ રાક્ષસોને હણે છે. વક્રતુંડ સિંહ પર સવાર થઈને ઇર્ષાને મારે છે, એકદન્ત ઉંદર પર સવાર થઈને મદને મારે છે, મહોદર બંધનના રાક્ષસને મારે છે, ગજાનન લોભ, લાલચને મારે છે, લંબોદર ક્રોધને મારે છે, વિક્ત મોર પર સવાર થઈ કામ, આસ ક્તને મારે છે, વિઘ્નનરાજા સાપ પર સવાર થઈને મમત્વને મારે છે અને ધૂમ્રવર્ણ ઉંદર પર સવાર થઈ અહંકારને મારે છે. ક્ષીર સાગરના મંથન સાથે પણ ગણેશનું પરાક્રમ જાડાયેલું છે. સમુદ્ર મંથન કરતા પહેલા દેવો ગણેશને સમરવાનું ભુલી ગયા. તેમને પાઠ ભણાવવા ગણેશના કહેવાથી રસ્સી બનેલા વાસુકી નાગે ઝેર ઓક્યું. દેવો ગભરાયા. ગણેશનું આહવાન કર્યું. ગણેશે શિવજીને પ્રાર્થના કરી અને શિવ ઝેર પી ગયા. ગણેશનું નામ કોઈપણ કાર્યના પ્રારંભે જપવું.

ગણેશના હાથમાં પરશુ સાથે જાડાયેલી પરશુરામની કથા પ્રમાણે, દુષ્ટ રાજાઓને મારીને પરશુરામ કૈલાસ પર્વત પર શિવજીને પરશુ આપવા ગયા. ગણેશ ચોકી કરતા હતા. તેમણે અંદર ન જવા દીધા તો પરશુરામે પરશુના ઘાથી ગણેશનો એક દાંત અડધો તોડી નાખ્યો. દુર્ગા ક્રોધે ભરાયા અને પરશુરામને દ્વંદ્વ યુદ્ધનું આહવાન કર્યું. પરશુરામને ભુલ સમજાઈ અને તેમણે પરશુ ગણેશને આપી દીધી અને સંત બની તળેટીમાં ધ્યાન ધરવા લાગ્યા. પદ્મપુરાણમાં ગણેશનો દંતશૂળ પરશુરામે નહોતો તોડ્યો પણ કૃષ્ણના મોટાભાઈ બલરામે તેમની ગદાથી તોડ્યો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer