શ્રાદ્ધનો અર્થ છે શ્રદ્ધાથી જે કંઈ દાન કરો તો… પિતૃઓના મોક્ષાર્થે શ્રદ્ધાપૂર્વક કરેલું દાન એટલે શ્રાદ્ધ. પિતૃઓ પ્રત્યેનું જે ઋણ હોય છે તે ચુકવવાનો સરળ માર્ગ એટલે શ્રાદ્ધ. હાલ ચાલતાં શ્રાદ્ધપક્ષમાં કરેલા કાર્યથી પિતૃઓ વર્ષભર પ્રસન્ન રહે છે. પિતૃઓ માટે કરેલુ આ કાર્ય સાક્ષાત ભગવાન વિષ્ણુની પૂજા કર્યા સમાન છે.
શ્રાદ્ધ કરી અને પિતૃઓનું ઋણ ચુકવવાનું હોય છે. આ ઋણ ત્રણ પ્રકારના હોય છે. જેમાં દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણનો સમાવેશ થાય છે. જે માતા-પિતાએ પોતાના સંતાનના સુખ-સૌભાગ્યની વૃદ્ધિ માટે રાત-દિવસ એક કર્યા હોય છે તેમનું શ્રાદ્ધ કાર્ય ન કરવામાં આવે તો મનુષ્યનો જન્મ નિરર્થક માનવામાં આવે છે.
ભાદરવા માસમાં ચાલતાં શ્રાદ્ધ કર્મ દરમિયાન પિતૃગણ પોતાના પરિવાર વચ્ચે આવે છે. આ સમય દરમિયાન કરેલું શ્રાદ્ધ વ્યક્તિના સૌભાગ્યને વધારે છે. શ્રાદ્ધ કર્મ વ્યક્તિના મૃત્યુ અનુસાર કરવાનું હોય છે. તો ચાલો જાણી લો આજે શ્રાદ્ધ કરવાની વિધિ.
મૃત્યુ અનુસાર શ્રાદ્ધના નિયમ
– સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ હંમેશા નોમના દિવસે થાય છે.
– સંન્યાસી જીવન જીવ્યા હોય તેમનું શ્રાદ્ધ બારસના દિવસે કરવામાં આવે છે.
– દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય તેમનું શ્રાદ્ધ ચૌદશના દિવસે કરવું જોઈએ.
– જેમની મૃત્યુ તિથિ ખબર ન હોય તે તમામનું શ્રાદ્ધ અમાસના રોજ કરવાનું હોય છે.
– જેમનું મૃત્યુ પૂનમના દિવસે થાય તેનું શ્રાદ્ધ ભાદરવા માસની પૂનમના દિવસે અથવા અમાસનું કરવું.
– નાના-નાનીનું શ્રાદ્ધ શુક્લ પક્ષની પ્રતિપદાના દિવસે કરવાનું હોય છે.
શ્રાદ્ધ કરવાની વિધિ
1. શ્રાદ્ધ કરવાનું હોય તે દિવસ પ્રાત:કાળ વહેલા જાગી જાવું જોઈએ.
2. સ્નાન કર્યા પછી પિતૃઓના નામથી તલ, ચોખા અને ધ્રોકડ હાથમાં લઈ જલાંજલિ અર્પણ કરવી. જો નદી કિનારે આ કાર્ય થાય તો ઉત્તમ અથવા ઘરે કરો તો કળશમાં પાણી ભરી અંજલી આપવી.
3. શુદ્ધ મનથી ભોજન તૈયાર કરવું અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. આ દિવસે ભોજન ચાખવું નહીં. સૌથી પહેલા ગાય માટે ગૌ ગ્રાસ કાઢી લેવો.
4. શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીને સંતાનમાં પુત્ર ન હોય તે પોતાના પતિનું શ્રાદ્ધ કરી શકે છે.
5. શ્રાદ્ધનું કાર્ય શ્રદ્ધા સાથે કરવું, પિતૃ કૃપાથી ધન-ધાન્ય, આયુષ્ય, યશ કીર્તિ પ્રાપ્ત થશે.