માતાજીનાં નવ સ્વરૂપ સાથે સદાકાળ સંકળાયેલી નવ વનસ્પતિની ઓળખ

આ વખતે માતાની સવારી ‘ગજ’ એટલે હાથી પર છે અને વિદાય અશ્વ એટલે કે ઘોડા ઉપર છે. નવરાત્રિમાં નવધા ભક્તિથી સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને શુભ આરોગ્ય પ્રાપ્ત થાય છે.

૧. મા શૈલપુત્રી : પર્વતરાજ હિમાલયનાં પુત્રી પહાડોની પુત્રી મા શૈલપુત્રીની આયુર્વેદિક ઔષધી એટલે હરડ. હરડ અનેક પ્રકારના રોગોમાં ઉપયોગી છે જે પથ્યા, હરિતિકા, અમૃતા, હેમવતી, કાયસ્થ, ચેતકી, શ્રેયસી સાત પ્રકારની હોય છે. આ ઔષધિ પાચનને જેવું સુધારે છે એવું અન્ય કોઈ ઔષધ સુધારી શકતું નથી. એ બધા જ પ્રકારનાં પેટદર્દમાં ઉપયોગી છે. આ ઔષધિ માટે કદાચ એટલે જ કહેવાય છે કે જેને માતા નથી એ સૌની માતા હરિતકી .

૨. મા બ્રહ્મચારિણી : મા બ્રહ્મચારિણી બિરાજમાન છે બ્રાહ્મીમાં. આયુષ્ય અને યાદશક્તિ વધારવાનો ગુણ બ્રાહ્મીમાં છે. આ ઔષધિનું સેવન કરવાથી રક્ત વિકાર દૂર થાય છે, અવાજમાં મધુરતા આવે છે. તેથી તે સરસ્વતી તરીકે પણ ઓળખાય છે. જેનું કાર્ય ગીત-સંગીત અને મનોરંજનથી જોડાયેલું હોય તેઓએ બ્રાહ્મીનું સેવન કરવું જોઈએ. આ ઔષધિના સેવનથી નાડીઓ પુષ્ટ બને છે. ગઠિયા વામાં આને પેટ્રોલ સાથે ભેળવીને લગાડવાથી ખૂબ સારો ફાયદો થતો જણાયો છે.

૩. ચંદ્રઘંટા : માતા ચંદ્રઘંટા બિરાજમાન છે ચંદ્રસૂર/ચર્મહન્તિમાં, આ છોડ કોથમીર જેવો હોય છે જે ચરબી ઓછી કરે છે. આંખોનું તેજ વધારે છે અને ચામડીને ચમકીલી બનાવે છે. ચરબીને દૂર કરે છે એટલે તેને ચર્મહન્તિ પણ કહેવાય છે.

૪. કુષ્માન્ડા : મા કુષ્માન્ડા બિરાજમાન છે કોળામાં. કે જે રક્તવિકાર, એસિડિટી, પેટવિકાર, શરીરની ગરમી દૂર કરવામાં ઉપયોગી છે. માનસિક રોગોમાં પણ ઉપયોગી છે. કોળામાંથી પેઠા પણ બને છે. તેને ‘કુમ્હડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

૫. સ્કંધમાતા : સ્કંધમાતા ઔષધિ રૂપે અળસીમાં બિરાજમાન છે. અળસીથી પિત્ત, વાત, કફ, ત્રિદોષનો નાશ થાય છે. દરરોજના ભોજનમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. અળસીનો ઉપયોગ મુખવાસમાં પણ કરાય છે. તલ-અળસીનો મુખવાસ સ્વાસ્થ્યવર્ધક છે. પરોઠા, સુખડી વગેરે બનાવવામાં અળસીનો ઉપયોગ કરવો જોઈએ.

૬. મા કાત્યાયની : મા કાત્યાયનીનું આયુર્વેદિક નામ મોઈયા, અંબિકા, અંબા છે. મોઈયા ઔષધિ આપણા શરીરમાંથી કફ, પિત્ત અને રક્તવિકાર દૂર કરવામાં ઉપયોગી છે.

૭. મા કાલરાત્રિ : મા કાલરાત્રિ બિરાજેલાં છે નાગદૌન ઔષધિમાં જે મહાયોગેશ્વરી પણ કહેવાય છે. મનના બધા જ વિકારને હણનારી આ ઔષધીનો છોડ ઘરમાં વાવવાથી બધાં જ કષ્ટનું નિવારણ થાય છે ને શત્રુથી વિજય પ્રાપ્ત થાય છે.

૮. મા મહાગૌરી : મા દુર્ગાનું આઠમું સ્વરૂપ મહાગૌરી કે જે તુલસીમાં બિરાજમાન છે. તુલસી લગભગ બધાં જ હિન્દુ ઘરોમાં હોય છે. તુલસી રક્તશોધક, હૃદયરોગનાશક, કફનાશક અને અનેક રોગોમાં ઉપયોગી છે. કેન્સર જેવા રોગોમાં પણ તુલસી ઉપયોગી જણાઈ છે. જે ઘરે તુલસીપૂજા થાય તેનાં સર્વ કષ્ટનો નાશ થાય છે. વિષ્ણુ ભગવાન અને શ્રીની પ્રાપ્તિ થાય છે અને તુલસીપૂજાથી મોક્ષ મળે છે.

૯. સિદ્ધિદાત્રી-શતાવરી : નવમું સ્વરૂપ મા સિદ્ધિદાત્રીનું છે કે જે શતાવરી ઔષધિમાં બિરાજમાન છે. હૃદયરોગ, પિત્તનાશક, બુદ્ધિ અને બળવર્ધક, વીર્યવર્ધક શતાવરી ઔષધિના ગુણ છે. તેના નિત્ય સેવનથી શક્તિ વધે છે. શુભ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer