નવરાત્રિનો તહેવાર દેવી આરાધના અથવા તો શક્તિની ઉપાસના માટે પ્રખ્યાત છે. નવરાત્રિના નવ દિવસએ ત્રણ ગુણમાં વિભાજીત છે. આ ત્રણ ગુણ છે રજસ, તમસ અને સત્વ, આ ગુણ દરેક જીવના અસ્તિત્વનો મુખ્ય આધાર છે. આ ગુણ વિના કોઈપણ વ્યક્તિનું અસ્તિત્વ શક્ય નથી.
તમસ શબ્દનો અર્થ છે નિષ્ક્રિયતા, રજસ એટલે સક્રિયતા અને જોશ તેમજ સત્વનો અર્થ છે પોતાની મર્યાદાઓને તોડવી, અન્ય સાથે એકાકાર થઈ જવું. આપણા શરીરની રચનામાં પૃથ્વી, સૂર્ય અને ચંદ્રનો ખાસ સંબંધ છે આ પૃથ્વી તત્વ તમસ, સૂર્ય રજસ અને ચંદ્ર સત્વનું પ્રતીક માનવામાં આવે છે.
નવરાત્રિની વાત કરીએ તો પ્રથમ ત્રણ નોરતાં તમસ માનવામાં આવે છે. આ ત્રણ દિવસની દેવી પ્રચંડ, ઉગ્ર છે. ત્યારપછીના ત્રણ દિવસ રજસ છે જે લક્ષ્મીથી જોડાયેલા માનવામાં આવે છે જે સૌમ્ય છે અને સાંસારિકતા સાથે જોડાયેલા છે. નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ સત્વ સાથે જોડાયેલા છે. જેની દેવી સરસસ્વતી જેવા દેવી છે. જે જ્ઞાન આપે છે.
ઉપરોક્ત ત્રણ ગુણના આધારે જ વ્યક્તિના જીવનની દશા અને દિશા નક્કી થાય છે. તમસ, રજસ અને સત્વ વ્યક્તિને સામર્થ્યવાન, શક્તિશાળી બનાવે છે. જ્યારે વ્યક્તિ આ ત્રણ તત્વથી પર થઈ જાય છે ત્યારે તે મુક્તિ પામે છે.