રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન, હોલ સહિતની જાહેર જગ્યાના 100 મીટરના દાયરામાં નૉનવેજની લારીઓને ઊભી નહીં રહેવા દેવાનો નિર્ણય સોમવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં, પણ હેલ્થનું લાઈસન્સ નહીં ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઇંડાંના વેચાણ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ થયેલા ઠરાવ અનુસાર આ પ્રકારની નોનવેજ લારીઓ જાહેર રસ્તાઓ પર ઊભી રહીને ધંધો ન કરે એવી સ્પષ્ટ જોગવાઇ કરી આપવામાં આવી છે.
ત્યારે આજની બેઠકમાં એસ્ટેટ વિભાગને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેર સ્થળો પર ઊભા રહીને આ પ્રકારના ખાદ્ય ખોરાકનું વેચાણ કરતા અટકાવવા પગલાં લેવામાં આવવા જોઇએ.
જે લોકો પાસે એનું યોગ્ય લાઇસન્સ ન હોય તે તમામ દુકાનો સામે આવતીકાલથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સેન્સસનાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ સરવેના 2014માં કરેલ સરવે ના તારણો અનુસાર ગુજરાતમાં 40 ટકા લોકો નૉન-વેજિટેરિયન છે,
જેમાં 39.9 ટકા પુરુષો અને 38.2 ટકા મહિલાઓ નૉનવેજ ખાય છે. અન્ય એક રિપોર્ટમાં ખુલાસો થયો કે નૉનવેજ ખાવા બાબતે ગુજરાતના લોકો હરિયાણા, રાજસ્થાન, પંજાબના લોકોથી પણ આગળ છે. દેશમાં નૉનવેજ ખાનારાઓની ટકાવારી 71 ટકા છે.