અમદાવાદના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી એ નંબર પ્લેટ વગરની આઇસર ગાડીને રોકી હતી. કોન્સ્ટેબલે ગાડીના કાગળ અને લાયસન્સ બતાવવા નું કહેતા ચાલકે કોન્સ્ટેબલનો કોલર પકડી
અને ‘હવે પછી મને મળીશ તો ગાડીના પૈડાં નીચે કચડીને જાનથી મારી નાખીશ’ એવી ધમકી પણ આપી હતી. ઝપાઝપી કરતા અન્ય પોલીસની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી અને ચાલકને પકડી તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેશભાઈ PCR વાનમાં અન્ય પોલીસકર્મીઓ સાથે ડ્યુટી પર હતા. ત્યારે જોગમાયાનગર પાસે સ્વસ્તિક ચાર રસ્તા તરફથી એક આઇસર ચાલક નીકળ્યો હતો. જેની પાછળના ભાગે કોઈ પણ નંબર પ્લેટ હતી નહીં. જેથી શંકા હતા ગાડીનો પીછો કરી ઓવરટેક કરી હતી.
મેટ્રો પિલ્લર નંબર 36 પાસે ચાલકને રોકી તેની પાસે ગાડીના કાગળો અને લાયસન્સ બતાવવા કહ્યું હતું. ત્યારે ચાલકે, ‘ગાડીના માલિક આવશે ત્યારે કાગળ બતાવીશ’ તેમ કહ્યું હતું. જ્યારે શૈલેષભાઈએ ‘નો એન્ટ્રીમાં કેમ જાય છે’ પૂછ્યું તો ચાલકે ઉશ્કેરાઈને ઝપાઝપી કરી લીધી હતી.
આઇસર ચાલકે કોન્સ્ટેબલ શૈલેષભાઈનો કોલર પકડી અને તેની સાથે ઝપાઝપી કરી હતી. અન્ય પોલીસ કર્મીએ તેને છોડાવવા પ્રયત્ન પણ કર્યો હતો. બાદમાં બળજબરીથી તેને છોડી ગાડીમાં બેસવાનું કહેતા ચાલકે ‘હવે પછી મને મળીશ તો ગાડીના પૈડાં નીચે કચડીને જાનથી મારી નાખીશ એવી ધમકી દીધી હતી.’
બાદમાં અન્ય પોલીસની ગાડી પણ આવી પહોંચતા તેને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. તેનું નામ પૂછતાં મહેશ ભરવાડ જણાવ્યું હતું. પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.