સોના, ચાંદી, પીત્તળ અને તાંબામાંથી બનેલા વાસણો પૂજા માટે શુભ માનવામાં આવે છે. પૂજાપાઠમાં અનેક પ્રકારના વાસણોનો ઉપયોગ થાય છે. ખાસ કરીને લોટો, પૂજાની થાળી, વાટકી, દીવો વગેરે દેવી-દેવતાની પૂજામાં રખાય છે. આ વાસણો કઈ ધાતુનાં હોવા જોઈએ તેને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. પૂજા-પાઠ માટે કેવા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ તે અંગે ઉજ્જૈનનાં જ્યોતિષાચાર્ય પં.મનીશ શર્માએ જણાવેલી ખાસ વાતો…
કઈ કઈ ધાતુ શુભ ગણાય : સોના, ચાંદી, પિત્તળ, તાંબુ જેવી ધાતુમાંથી બનેલા વાસણો પૂજા માટે શ્રેષ્ઠ ગણાય છે. પૂજામાં આ ધાતુના વાસણોનો ઉપયોગ કરતાથી જલ્દીથી સફળતા મળતી હોવાની પણ માન્યતા પ્રવર્તે છે. પૂજામાં આ વાસણોનો ઉપયોગ કરવાથી વારંવાર આપણે તેના સંપર્કમાં આવતાં ત્વચા માટે લાભદાયક રહે છે. આયુર્વેદ મુજબ આ ધાતુઓના સતત સંપર્કમાં રહેવાથી અનેક બિમારીઓમાંથી પણ રાહત મળે છે. સુવર્ણ ભસ્મ, રજત ભસ્મનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ માટે પણ કરવામાં આવે છે. જે લાભ એ ભસ્મથી મળે છે તે જ લાભ આ ધાતુઓના સતત સંપર્કમાં આવવાથી પણ મળે છે.
અશુભ ધાતુઓ : પૂજામાં લોખંડ, સ્ટીલ અને એલ્યુમિનિયમમાંથી બનેલા વાસણોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ધાર્મિક કર્મો માટે આ ધાતુ અપવિત્ર માનવામાં આવે છે. તેથી આ ધાતુમાંથી મૂર્તિ પણ નથી બનાવતા. એલ્યુમિનિયમમાંથી પણ વરખ નીકળતી રહે છે. પૂજામાં ઘણી વખત મૂર્તિઓને હાથેથી સ્નાન કરાવવામાં આવતું હોય છે, તે સમયે મુર્તિને ઘસવામાં આવે છે. આવા સંજોગોમાં લોખંડ અને એલ્યુમિનિયમમાંથી નીકળતી વરખ અને રાખ ચામડી પર ખરાબ અસર કરી શકે છે. તેથી જ લોખંડ અને એલ્યુમિનિયમને વર્જિત માનવામાં આવે છે.