જાણો રણછોડજીના મંદિરમાં રહેલી રણછોડરાયની અલૌકિક મૂર્તિની વિશેષતા અને મહત્વ..

ભગવાન વિષ્ણુના કુલ ૨૪ અવતારોમાં થી દસ અવતાર મુખ્ય ગણાય છે. આ દસ અવતારના એક સાથે દર્શન થાય એવી અલૌકિક અને અદ્વિતિય મૂર્તિ એટલે દશાવતાર રણછોડની નયનરમ્ય મૂર્તિ. રાજા રણછોડની સાથે ભગવાન વિષ્ણુના દશ અવતાર અને ભક્તગણોના દર્શન થાય એવી આ એક માત્ર પ્રાચીન મૂર્તિના દર્શન નર્મદા જીલ્લાના રામપુરા ગામે (રાજપીપળાથી ૧૦ કિ.મી.ના અંતરે) નર્મદા કિનારે થાય છે.

ખૂબ જ ચમત્કારીક આ મૂર્તિ ૧૯૧૩માં એક ખેડૂતને ખેતરમાં હળ ચલાવતી વખતે મળી હતી. નર્મદા કિનારે જ્યાંથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની શરૂઆત થાય છે તે કિડી મકોડી ઘાટ પર નાનકડા રામપુરા ગામ ખાતે કુદરતી સૌંદર્ય વચ્ચે આ દશાવતાર રણછોડજીનું મંદિર આવેલું છે.

કિડી-મકોડી ઘાટથી તિલકવાડા સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર તરફ વહેતો હોવાથી આ સ્થળે નદીના બંને કિનારા ખૂબ જ પવિત્ર મનાય છે. આ બંને કિનારાઓ ઉપર સંતો-મહંતો, ઋષી-મુનિઓએ તપ કરેલ છે. આ ઉત્તરવાહિની નર્મદાની ચૈત્ર મહિનામાં પરીક્રમાં કરવાથી પૂર્ણ નર્મદાની પરીક્રમાં કર્યાનું પૂણ્ય પ્રાપ્ત થતું હોવાથી ચૈત્ર મહિનામાં દરરોજ હજારો પદયાત્રીઓ ઉત્તારવાહીની નર્મદા પરિક્રમાં દશાઅવતાર રણછોડજીના દર્શન કરી શરૂ કરતા હોય છે.

ભગવાને સ્વયં કહ્યું છે કે ભક્ત મેરે મુકુટ મણી ઔર મૈ ભક્તો કા દાસ. ભગવાનના આ વચનને સાચા અર્થમાં સાર્થક ઠેરવતી આ દશાવતાર રણછોડજીની મૂર્તિમાં ભગવાનના મુકુટ પાસે તથા મૂર્તિમાં મત્સ્ય, ક્રૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુધ્ધ અને કલ્કી અવતારની સાથે ભક્તો પણ નજરે પડે છે.

આ અલૌકિક મૂર્તિની કેટલીક વિશેષતાઓ છે. રાજા રણછોડ ગરૂડ પર ઉભા છે. જ્યારે એમના પગ પાસે શંખ, ચક્ર, ગદા અને પદ્મ સેવામાં છે. પ્રસિધ્ધ ડાકોરના રણછોડરાયજીની મૂર્તિમાં ભગવાન એકલા છે. જ્યારે દશાવતાર રણછોડજીની મૂર્તિમાં આસપાસ ભગવાન વિષ્ણુના દશ અવતારના દર્શન થાય છે અહીં ભગવાનની સાથે ભક્તગણ પણ નજરે પડે છે.  અહી રણછોડજીના જમણા હાથમાં શંખ  છે. જ્યારે ડાકોરની મૂર્તિમાં ડાબા હાથમાં શંખ છે.

રામપુરાનું દશાવતાર રણછોડજી મંદિર હાલ સરકારના દેવસ્થાન વિભાગ હસ્તક છે.  જો કે સરકારી અધિકારીઓને મંદિરના વિકાસમાં કોઈ રસ દેખાતો નથી તેથી છેલ્લા કેટલાંક સમયથી ભાવિક ભક્તોએ શ્રી દશાવતાર રણછોડરાય મંદિર વિકાસ ટ્રસ્ટના નામે સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી છે. આ મંદિર પરિસરમાં એક ઐતિહાસિક શિવાલય અને જાગૃત હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.

મંદિર માં પૂજારી તરીકે સેવા આપી રહેલા રામદાસજી સવાર સાંજ રાજા રણછોડજીની પૂજા આરતી તથા થાળનો નિત્યક્રમ ખુબજ પવિત્રતાથી કરે છે. મંદિર સંકુલમાં રસોઈ ઘર અને એક સત્સંગ ભવનનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. દર મહિનાની અગ્યારસ અને પૂનમના દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દશાવતાર રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer