શ્રીમદ્ભાગવત્ કથામાં દશમસ્કંધ (ઉત્તરાધી)માં આવતો. ‘રુકમણી હરણ’ પ્રસંગ ‘રુકમણિવિવાહ’ તરીકે પણ ઉજવાય છે. ‘મહાલક્ષ્મી નારાયણને મળે, શિશુપાળ જેવા દુરાચારીને નહીં- એ રુકમણિ હરણનું તાત્પર્ય છે.શુકદેવજીએ રુકમણી લગ્નની જે કથા કહે છે તેનો ટૂંક સાર આ પ્રમાણે છે.વિદર્ભદેશના રાજા ભીષ્મકને પાંચ પુત્રો અને એક કન્યા હતી. રાજાનાં મોટા પુત્રનું નામ ‘રુકમી’ અને કન્યાનું નામ ‘રુકમણી’ હતું. રુકમણીનો માતાનું નામ ‘ શુદ્ધમતિં હતું.
‘રુકમણી’ સાક્ષાત્ મહાલક્ષ્મીનો અવતાર હતાં. રુકમણી ઉંમરલાયક થયાં. લગ્ન શ્રીકૃષ્ણ સાથે કરવાની રુકમણીની ઇચ્છા છે પણ તેનો મોટો ભાઈ ‘રુકમી’ પોતાની બહેનને શિશુપાળ જેવો દુરાચારી રાજા સાથે પરણાવવા માગે છે. ‘રુકમણી’એ વિરોધ કર્યો. ‘મારે તો શ્રીકૃષ્ણ સાથે પરણવું છે. ‘ તેવા નિ:શ્ચર્ય સાથે ‘સુદેવ’ નામના બ્રાહ્મણને દ્વારિકા શ્રી કૃષ્ણપાસે મોકલ્યો ને સાથે એક પત્ર પણ આપ્યો. તેમાં તેણે જણાવ્યું કે’ હું આપને જ વરવા માગું છું. લગ્નના દિને આપ આવી જશો.’ હું મંદિરે પાર્વતીજીના દર્શન કરવા જઈશ ત્યારે મને રથમાં બેસાડીને દ્વારકા લઇ જશો.’
બ્રાહ્મણે દ્વારિકા પહોંચી શ્રીકૃષ્ણને હાથોહાથ ચિઠ્ઠી આપી. શ્રીકૃષ્ણ ચિઠ્ઠી વાંચીને તૈયાર થઈ ગયા. દારૂક સારથીએ રથ તૈયાર કર્યો.
પેલા બ્રાહ્મણને સાથે લઈ શ્રીકૃષ્ણ રુકમણિના નગરમાં પહોંચ્યા પેલો બ્રાહ્મણે રુકમણી પાસે જઈ કહ્યું,’ બેટા દ્વારિકાનાથને લઈને આવ્યો છું.’
એ જ દિવસે લગ્ન હતું. શિશુપાલ અને અન્ય રાજાઓ પણ આવી ગયા હતા. રુકમણિ સોળકન્યાઓ સાથે પાર્વતીજીની પૂજા કરવા મંદિરોમાં ગયાં. પૂજા કર્યા પછી મંદિર બહાર નીકળી શ્રીકૃષ્ણનો રથ દ્વારિકા તરફ જવા લાગ્યો. શિશુપાળ અને બીજા રાજાઓએ શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કર્યું. પણ તે હારી થાકીને લગ્ન કર્યા વિના પાછા વળ્યા. રુકમણીનો ભાઈ શ્રીકૃષ્ણ સામે પડયો પણ શ્રીકૃષ્ણે તેને હરાવ્યો ને બંદી બનાવ્યો. આ સમયે શ્રીકૃષ્ણના મોટાભાઈ બળદેવજી પણ આવી પહોંચ્યા હતા. તેમણે’રુકમીને’ છોડાવ્યો. શ્રીકૃષ્ણ, રુકમણિ, બળદેવજી, દ્વારિકા પહોંચ્યા. ને ત્યારબાદ શ્રીકૃષ્ણ-રુકમણિનાં લગ્ન ધામધૂમથી દ્વારિકામાં થયાં.
– ‘રુકમણી’નું ઉદાત્ત ચરિત્ર : આધુનિક નારીની માફક તેમનામાં વિચારશક્તિ- નિર્ણય શક્તિ છે. સ્વસ્થચિત્તે સ્વનિર્ણયથી પોતાના જીવન સાથીની પસંદગી કરે છે. તે માટે મક્કમતા છે. નીડરતા છે. શ્રીકૃષ્ણને લખેલી ચિઠ્ઠીમાં તેમનું ગુણીયલ ચરિત્ર ઉપસ્યું છે. તેમનામાં સતીત્વ, શીલ, સંયમ, પવિત્રતા, દૃઢ આત્મવિશ્વાસ, પ્રભુશ્રદ્ધા અને મક્કમતાનું તેજ છે. કામોધ બનેલા રાજવીઓ રુકમણિના આ તેજથી બેભાન બની જાય છે. ‘નારી સામર્થ્ય માટે આજે દુનિયામાં અવાજ ઉઠયો છે. ત્યારે ‘રુકમણિ’નું ચરિત્ર ઉદાહરણ રૂપ બને તેમ છે.
– ‘રુકમણીવિવાહ’ એ જીવ- ઇશ્વરનું મિલન છે. રુકમણીએ’ શ્રીકૃષ્ણને લખેલ પત્રમાં ‘ભુવનસુંદર’ સંબોધન કર્યું છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રીજ્ઞાાન, વૈરાગ્ય અને ધર્મ છે. એવા ભગવાનનું શરણું સ્વીકારવાનો પણ મર્મ છે.
– રુકમણીએ નિ:શ્ચય કર્યો છે કે ભલે સેંકડો જન્મ કેમ ન લેવા પડે, પરંતુ વરીશ તો શ્રીકૃષ્ણને’ જીવ’નો ઇશ્વર પાસે જવા આવો દૃઢસંક્લ્પ હોવો જોઈએ.
– ‘જીવ’ લક્ષ્મીનો ધણી નથી લક્ષ્મીનો ધણી તો એક ઇશ્વર જ છે.