ભાજપમાં થયો ડખો: શપથવિધિ ના પોસ્ટરો લગાવ્યા બાદ હટાવવામાં આવ્યા, હવે કાલે કરાશે શપથગ્રહણ…

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ બાદ બુધવારે કેબિનેટની રચના થઈ શકે છે. જોકે હાલ આ નિર્ણય ગૂંચવાયેલો છે. કેમ કે નવા ચહેરાઓને લઈને ઘર્ષણ છે. પહેલા મંત્રીઓના શપથ ગ્રહણની વિધિ બપોરે થવાની હતી પરંતુ હવે તેને સાંજ સુધી અટકાવી દેવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર ઈચ્છે છે જેને લઈ મંત્રીઓમાં આંતરિક રોષ વધ્યો છે. ભાજપના સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે 90 ટકા સિનિયર મંત્રીઓને હટાવી દેવામાં આવશે. ફક્ત એક અથવા બે મંત્રી જ એવા હશે જેમનો ફરી સમાવેશ કરવામાં આવશે.

આ વાતને લઈ ગુજરાત ભાજપમાં રોષ વ્યાપ્યો છે. જાણવા મળ્યા મુજબ ઈશ્વર પટેલ, ઈશ્વર પરમાર, બચુ ખાબડ, વાસણ આહીર, યોગેશ પટેલ વગેરે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને ત્યાં તેમની મીટિંગ ચાલુ છે.

એવું માનવામાં આવે છે કે, મંત્રી ન બનાવવાના કારણે નારાજ ધારાસભ્યો હવે તેમને મળવા માટે પહોંચ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટમાં ફકત 21થી 22 મંત્રીઓને બુધવારે જ મંત્રી પદના શપથ ગ્રહણ કરાવાઈ શકે છે.


મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે અને મહિલાઓની સંખ્યા પણ વધી શકે છે. તેવામાં અનેક જૂના અને સિનિયર નેતાઓની કેબિનેટમાંથી છૂટ્ટી પણ થશે. જાતિય સમીકરણ બેસાડવાની સાથે સાફ-સુથરી છબિ ધરાવતા નેતાઓને મંત્રીમંડળમાં ખાસ જગ્યા આપવાની યોજના છે.

વિજય રૂપાણીના રાજીનામા બાદ ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા આરસી ફળદુ અને કૌશિક પટેલના રાજકીય કેરિયરને લઈ પણ પ્રશ્ન થઈ રહ્યો છે. રૂપાણી સરકારમાં નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રીની સાથે નાણા મંત્રી રહ્યા હતા.

જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી હતા. આરસી ફળદુ કૃષિ મંત્રી અને કૌશિક પટેલ મહેસૂલ મંત્રીની જગ્યાએ હતા. આ ચારેય ગુજરાત ભાજપના જૂના અને સિનિયર ચહેરા છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા તે સાથે જ નીતિન પટેલની ખુરશી જોખમમાં મુકાય છે કારણ કે, તે બંને પટેલ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું પદ એક જ સમાજને આપવામાં આવે તેવું હાલ કોઈ આયોજન નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer