શિવાલયનાં ગૂઢ રહસ્યોની આજે વાત કરવી છે. શિવાલય ૨૫ પ્રતીકોનું બનેલું છે. જેમ આપણું શરીર પણ પચીસ તત્ત્વોનું બનેલું છે. શિવાલયનાં પ્રવેશ દ્વાર ભૈરવથી આરક્ષિત હોય છે- અંગરક્ષકની ભૂમિકા અદા કરે છે જે અનિષ્ટો સામે રક્ષણ, સાહસ, શૂરવીરતા, માલિક પ્રત્યે વફાદારીના સદ્ગુણોના ગુણાકાર કરે છે. પછી નંદીનાં દર્શન સૌને બળ, શક્તિ, ખેતી, સમુદ્ધિ અને આજીવન બ્રહ્મચર્યની પ્રેરણા અર્પિત કરે છે. સૌથી મોટી વાત તો એ છે કે નંદી- પોઠિયો શિવજીનું વાહન છે.
કાચબો સંયમનું પ્રતીક જોખમ આવતાં ચાર પગ- માથું સંકેરી લે તેમ જો આપણે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા- આ પાંચ ઇન્દ્રિયોનો સંયમ રાખીએ તો જીવનનાં જોખમો ટળી જાય છે. એ તો ધૈર્યનું પણ સંદેશવાહક છે. ધીરજનાં ફળ મીઠાં. શિવ મંદિરમાં ડાબી બાજુ ગણેશજી વિઘ્નહર્તા, માતૃપ્રેમ, ફરજ નિષ્ઠા અને સર્વમંગલકર્તા છે. આપણે પણ સૌનું મંગળ કરીએ. જમણી બાજુ હનુમાનજી ભક્તિ, સેવા, પરાક્રમ, અને પ્રભુપ્રેમના પાઠ ભણાવે છે. જય બજરંગ બલિ.
શિવલિંગ વિશે તો શું કહેવું ? સ્વયંભૂ પ્રગટ દ્વાદશલિંગ જગપ્રસિધ્ધ છે. આપણે નસીબદાર છીએ કે સોમનાથથી શરૂઆત થાય છે. હર હર મહાદેવ તો બોલવું જ પડશે. શિવલિંગ જ્યાં સ્થાપિત કરેલું છે તે પીઠિકા (થાળું) સ્વયં મા જગતજનની જગદંબા મા આદ્યશક્તિ છે. શિવ અને શક્તિનો સુભગ સમન્વય સ્ત્રી અને પુરુષ ઉભય પક્ષે સ્નેહ- સંવાદિતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડે છે. જય હો જય હો મા જગદંબે સ્તુતિ કરી વંદન કરી ધન્ય બનીએ. જય માતાજી.
જળાધારીના વિદ્વાનોએ અનેક અર્થ આપણને
આપ્યા છે. કુપિત શિવજીને શીતળતા બક્ષે છે. વ્યર્થ પાણી ન બગાડીએ, ટપક
ટપક એ માનવજીવનની ક્ષણ ક્ષણ વીતી આયુષ્યનો ક્ષય કરે છે તો શિવલિંગ ઉપર અભિષેકની
પ્રાર્થના સાથે સ્વચ્છતાનો સંદેશ આપે છે. આપણે પણ સ્વચ્છતા પ્રેમી બનીએ. સ્વચ્છતા
ત્યાં પ્રભુતા સાર્થક કરીએ.
બીજનો ચંદ્ર ક્રમશ: પ્રગતિનો દ્યોતક છે. પડવો… બીજ… એમ
પૂર્ણચંદ્ર બની પૂનમ- પૂર્ણ પ્રકાશને પામવાનું છે. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર, ઉતાવળે આંબા ના પાકે- ધીરે ધીરે રે
મના, ધીરે સે સબકુછ હોય, માલી સીંચે સો
ઘડા, ઋતુ આયે ફૂલ હોય… આ સમજણ કેળવીએ…
શિવાલયનું દસમું પ્રતીક છે ભાગીરથી સગર રાજાની આખી કથા છે. ગંગા પવિત્રતા બક્ષે છે, તેમાં સ્નાન કરો તો પાપમોચની છે, ગંગાજળ તો ઘેરઘેર જોવા મળે. આ ગંગાને શિવજીએ જટામાં ઝીલી, જટા શિવની છટા છે. ત્રિનેત્ર- ત્ર્યંબક- શિવજીનું ત્રીજું નેત્ર ફ્રોધાગ્નિ છે જે કામાગ્નિને ભસ્મ કરી નાખે છે. રતિ- કામદેવની કથા કોણ નથી જાણતું ? શિવજીનો શણગાર પણ કેવો ? ગળામાં ભુજંગ- સાપ- નાગ. ઝેર પચાવતાં શીખો. સમુદ્રમંથન વખતે વિષ પીધું- દેવ- દાનવો પર ઉપકાર કર્યો, પરોપકાર આપણે સૌએ શીખવા જેવો છે.
ગળામાં રૂદ્રાક્ષની માળા- આરોગ્યની પાઠ શાળા- પહેલુ સુખ તે જાતે નર્યા. શરીર ઉપર ભસ્મ. આ શરીર પણ રાખ જ થવાનું છે, મોહમાયા છોડીએ. શરીર નાશવંત છે. આત્મા અમર છે. આત્માનો ઉદ્ધાર કરીએ. હાથમાં ડમરૂ. સંગીતપ્રેમ… જીવન સંગીત બનાવીએ.. નટરાજ.. નૃત્યકળા… માણસે જીવનમાં એકાદ તો શોખ (હોબી) રાખવો જ. ચોસઠ કળામાંથી એકાદ તો આપણામાં કુદરતી રીતે હોય છે જ. ત્રિશૂળ- ત્રણ દુ:ખો ટાળે છે. આધિ (મનની), વ્યાધિ (તનની) ઉપાધિ (દૈવની) ટળે છે. વળી પાછા વ્યાધચર્મ ઉપર બિરાજમાન છે. નીડર બનો. હિંમતે મર્દા તો મદદે ખુદા.. દુષ્ટ બાબતો ઉપર નિયંત્રણ એ સુખને આમંત્રણ જ છે.
ગૌમુખી ગાયનું પ્રતીક… ગાય.. ગંગા…ગાયત્રી.. ગીતા તો ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. ગૃહિણી સૌ પ્રથમ ગોગ્રાસ કાઢે છે. કોઈને કંઈક ખવરાવીને જ આપણે જમીએ- જુઓ પછી ચમત્કાર ! ભંડારી તમારા ભંડાર ભરેલા જ રાખશે. શિવાલયનું ૨૦(વીસમું) પ્રતીક છે બિલીપત્ર. છોડમાં રણછોડ, પત્ર, પુષ્યમ્ સાર્થક બને છે. ત્રણપાન ત્રિગુણાત્મક છે. સત્ત્વ, રજ, તમ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જીવ, જગત જગદીશ… કેવા ભોળાનાથ ત્રણ પાંદડામાં રાજી રાજી જય આશુતોષ.
ભોળાનાથની આરતી સૌની પ્રાર્થના છે.
ઘંટનાદ એ તો પ્રભુ પ્રત્યેની અભિવ્યકિત, અભિરૂચિ, આસ્થાનો અવિરત આનંદ છે. શિવાલયની પ્રદક્ષિણા હકારાત્મક ઊર્જાનું ઉત્પાદન
છે. પૃથ્વીની સૂર્ય પરિક્રમ્માનું આ જીવંત ઉદાહરણ છે. આ ઊર્જા જ આનંદનું આવર્તન
કરે છે. આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી.
ગમતું મળે તો અલ્યા ગૂંજેના ભરીએ, ગમતાનો કરીએ
ગુલાલ- એ ન્યાયે પ્રસાદ જીભના રસાસ્વાદને અને આરતીની આશકા સ્પર્શાનંદનો પર્યાય બની
જાય છે અને છેલ્લું ૨૫મું પ્રતીક મંદિર પરની
ધજાએ તો સ્વયં શિવજીનું આધારકાર્ડ બની જાય છે. જેવા ભગવાન તેવી ધજા. ધજા એન્ટીનાનું
કામ કરે છે.