ભગવાન શ્રી રામનો જન્મ ક્યારે થયો હતો? જાણો શા માટે માનવામાં આવે છે રામનવમી

રામાયણ મુજબ, ત્રેતા યુગમાં શ્રી રામનો જન્મ હિન્દુ કેલેન્ડરના ચૈત્ર મહિનામાં નોમ તિથિના રોજ થયો હતો. તે દિવસે પુનર્વસુ નક્ષત્ર હતું અને અન્ય ગ્રહોની સ્થિતિ ખૂબ શુભ હતી. રાજા દશરથ ઘરડા થયા ત્યાં સુધી તેમનું કોઈ સંતાન નહોતું . ત્યારબાદ રાજા દશરથે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞને કારણે જ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના જન્મ થયા.

વાલ્મીકિ રામાયણ અનુસાર, રાજા દશરથ જ્યારે ઘણા ઘરડા થઇ ગયા ત્યારે સંતાન ન હોવાના કારણે તેઓ ખૂબ ચિંતામાં રહેવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણોએ તેમને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવાનું કહ્યું. મહર્ષિ વશિષ્ઠના કહેવા પર રાજા દશરથે ઋષ્યશૃંગને આ યજ્ઞ કરવા માટે આમંત્રિત કર્યા. ઋષિ ઋષ્યશૃંગને કારણે જ આ યજ્ઞ સંપન્ન થયો. આ યજ્ઞના ફળસ્વરૂપે જ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના જન્મ થયા હતા.

યજ્ઞથી દેવતાઓએ બનાવેલી ખીરનો પ્રસાદ મળ્યો : પુત્રકામેષ્ટિ યજ્ઞ પૂર્ણ થયા બાદ યજ્ઞમાં અગ્નિદેવ પ્રગટ થયા. તેમના હાથમાં સોનાનો એક ઘડો હતો, જેનું ઢાંકણ ચાંદીનું હતું. તે ઘડામાં ખીર હતી. અગ્નિદેવે એ ઘડો રાજા દશરથને આપતાં કહ્યું કે, આ ખીર દેવતાઓએ બનાવી છે. આ ખીર તમે તમારી રાણીઓને ખવડાવજો જેનાથી સર્વગુણ સંપન્ન અને બધી રીતે જ્ઞાનથી પૂર્ણ સંતાન તમને પ્રાપ્ત થશે. અગ્નિદેવના કહેવા પર રાજા દશરથે તે ઘડો લઇ લીધો અને પોતાની રાણીઓને યજ્ઞ સ્થળ પર બોલાવી. તેમણે ઘડાની અડધી ખીર કૌશલ્યાને આપી. કૌશલ્યાને આપેલી ખીરનો અડધો ભાગ કૌશલ્યાના હાથે સુમિત્રાને અપાવી. ઘડામાં જે ખીર બાકી હતી તે કૈકેયીને આપી ને કૈકૈયીને આપેલી ખીરનો અડધો ભાગ કૈકેયીના હાથે જ સુમિત્રાને અપાવ્યો. આ રીતે ત્રણેય રાણીઓએ પોતાનો પ્રસાદ અલગ -અલગ ગ્રહણ કરી લીધો.

પુત્રકામેષ્ટિ યજ્ઞના એક વર્ષ બાદ શ્રી રામનો જન્મ થયો : પુત્રકામેષ્ટિ યજ્ઞના એક વર્ષ બાદ ચૈત્ર મહિનાના શુક્લપક્ષની નોમ તિથિ પર પુનર્વસુ નક્ષત્રમાં રાણી કૌશલ્યાએ એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. સુમિત્રાન ગર્ભથી જોડિયાં બાળકો જન્મ્યા અને કૈકયીએ એક પુત્રને જન્મ આપ્યો. આ બાળકોના જન્મ બાદ કુળ પુરોહિત વશિષ્ઠજીએ કૌશલ્યાના પુત્રનું નામ રામ રાખ્યું. કૈકેયીના દીકરાનું નામ ભરત અને સુમિત્રાના બન્ને બાળકોનું નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખ્યાં.

આ રીતે રામ નવમી મનાવાય છે : રામ નવમીના દિવસે સવારે જલ્દી ઊઠીને સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ સંપૂર્ણ નિયમ અને સંયમ સાથે મર્યાદા પુરુષોત્તમનું વ્રત રાખવામાં આવે છે. આ સાથે રામ દરબાર એટલે કે ભગવાન શ્રી રામ સહિત લક્ષ્મણ, માતા સીતા અને હનુમાનજીની પણ પૂજા અને આરતી કરવામાં આવે છે. રામ જન્મોત્સવની ખુશીમાં બ્રાહ્મણો અને અન્ય લોકોને ભોજન કરાવવામાં આવે છે અને પ્રસાદ વહેંચવામાં આવે છે. આ દિવસે રામચરિત માનસનો પાઠ કરાવવામાં આવે છે. માન્યતા છે કે, રામ નવમીના દિવસે ઉપવાસ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને પાપનો નાશ થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer