રાજકોટ શહેર પોલીસની હપ્તા સિસ્ટમમાં સ્પામાં ગોરખધંધા ચાલી રહ્યા છે. સ્પામાં કોલિંગ માટે બેસતી રિસેપ્શનિસ્ટ યુવતીઓ લોકોને ફોન કરી મસ્તીનો સ્ટાફ છે, ક્યારે આવો છો કહી બોલાવે છે. આ વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
ત્યારે આ ઓડિયો-ક્લિપ પરથી એક વાત સ્પષ્ટ છે કે સ્પામાં ગોરખધંધા ચાલી રહ્યા છે અને પોલીસ સ્પામાં દરોડા કરી બધું વ્યવસ્થિત હોવાના દાવા કરી રહી છે. આ ઓડિયો-ક્લિપ શહેરના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર સ્થિત બોસ સ્પાની છે .
દિલ્હી, મુંબઈ, પંજાબ, મારવાડી, ગોવા, જમ્મુ અને ગુજરાતી યુવતીઓની સર્વિસ મળશે એવું જણાવી રહી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી એસીપી SOG અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 12 જેટલી ટીમ બનાવી રાજકોટ શહેરના અલગ અલગ 28 સ્પામાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ 12 ટીમમાં 5 PSI, 45 ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને 6 મહિલા પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં કરયો હતો. આ દરમિયાન 28 પૈકી એકપણ સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિ ન થતી હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું હતું.
જોકે વાસ્તવિકતા કંઇક અલગ છે અને એમાં સ્પામાં મસાજના બદલે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો પુરાવો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રાહકે બીજી સર્વિસ મળશે કે કેમ પૂછતાં રિસેપ્શનિસ્ટે કહ્યું, બધું થઇ જશે, તમે જલદી આવી જાઓ.
મસાજ થેરપીના 1200 રૂપિયા લઈશું અને બીજી સર્વિસનો ચાર્જ ગ્રાહકે જાતે જ નક્કી કરવાનો રહેશે, એટલે એ વાત તો સ્પષ્ટ છે કે આ સ્પા પર પોલીસની રહેમ દૃષ્ટિથી ગોરખધંધા ચાલી રહ્યા છે. એટલું જ નહીં, સાંજના 6થી 7 વાગ્યા પછી આવવામાં સેફ્ટી રહેશે, એવું પણ સ્પાંના સ્ટાફે જણાવ્યું હતું.