ભારે વરસાદને કારણે મુશ્કેલી : સૌરાષ્ટ્ર જતી એસટી ની 922 ટ્રીપો બંધ રાખવી પડી, જુનાગઢ અને જામનગર ને વધારે અસર…

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને જૂનાગઢ સહિતના અનેક વિસ્તારમાં પડેલા વરસાદને લીધે એસટી બસોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. 13મીએ પડેલા ભારે વરસાદને કારણે ગીર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જતી એસટી બસ સેવાને અસર પડી છે.

અનેક રોડ પર અને કોઝવે પર પાણી ભરાઇ જતા પ્રભાવિત વિસ્તારોમાં જતી એસટી બસની ટ્રિપો બંધ કરવામાં આવી હતી. 13મીએ એસટીની 623 ટ્રિપો અને 14મીએ 299 ટ્રિપો બંધ રાખવી પડી હતી.

જોકે મંગળવારે સાંજ સુધીમાં રોડ પરથી પાણી ઓસરતાં મોડી સાંજ સુધીમાં મોટા ભાગની બસોની અવરજવર ફરી શરૂ કરાય હતી. આમ છતાં જ્યાં રોડ રસ્તા કે કોઝવેને વધુ નુકસાન થયું છે તેવા રસ્તા પર જતી 50 જેટલી ટ્રિપો હજુ પણ બંધ છે.

એસટી નિગમના સચિવ કે.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, અતિભારે વરસાદના કારણે જામનગર, જૂનાગઢ અને રાજકોટ ડિવિઝન સૌથી વધુ પ્રભાવિત થયાં છે. મંગળવારે નિગમ દ્વારા 299 ટ્રિપો બંધ કરાઈ હતી,

જેમાં જૂનાગઢ ડિવિઝનની 114, જામનગર ડિવિઝનની 81 અને રાજકોટ ડિવિઝનની 80 ટ્રિપો બંધ છે. સૌરાષ્ટ્રમાં પડેલા ધોધમાર વરસાદને પગલે રાજકોટ ડિવિઝનમાં અલિયાબાડા અને જામવંથલી સેક્શનમાં ટ્રેક પર પાણી ભરાઈ જતા ટ્રેનોના રૂટ ખોરવાઈ ગયા હતા .

કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક બીજા રૂટ પર ખસેડવામાં આવી રહી છે. ખાસ તો ઓખા-ભાવનગર સ્પેશિયલ, ઓખા-રામેશ્વરમ, ઓખા-મુંબઈ, બાન્દ્રા-જામનગર, હાપા એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન ખોરવાયું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer