ગાય અને વાછરડાંની પૂજા બારશના દિવસે કરવામાં આવે છે, ત્યારથી શરૂ થાય છે લક્ષ્મીજીનો પર્વ દિવાળી..

આપણા હિંદુ ધર્મ માં ઘણા વ્રત ઉપવાસ કરવામાં આવે છે અને દરેક વ્રત ઉપવાસ કરવા પાછળ અલગ અલગ માન્યતાઓ રહેલી હોય છે. હિંદુ કેલેન્ડરના આસો મહિનાના વદ પક્ષની બારશના દિવસે ગોવત્સ બારશ ઉજવવામાં આવે છે. આ દિવસે ગાય તથા તેના વાછરડાંની સેવા કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા આ વ્રત તેમના પરિવારની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના સાથે કરવામાં આવે છે.

ગાયને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. ગાયની પૂજાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. એટલે અનેક જગ્યાએ આ દિવસે ગાયની પૂજા સાથે જ લક્ષ્મી પર્વની શરૂઆત થઇ જાય છે. અનેક જગ્યાએ આ વ્રત ભાદરવા મહિનાની બારશ તિથિએ પણ કરવામાં આવે છે.

ગોવત્સ બારશનું મહત્વ: મહિલાઓ દ્વારા આ વ્રત અને પૂજા કરવામાં આવે છે. બારશ તિથિએ ગાય અને વાછરડાંની પૂજા કરવાથી મહિલાઓને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. આ પૂજા સંતાનના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે કરવામાં આવે છે.

પુરાણોમાં આ વ્રતનું માહાત્મ્ય જણાવતાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, બારશના દિવસે જે ઘરની મહિલાઓ ગૌમાતાનું પૂજન કરે છે. તેમને રોટલી અને લીલું ઘાસ ખવડાવી તૃપ્ત કરે છે, તેના ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશાં બની રહે છે અને તેના પરિવારમાં ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી. આ માટે જ મહિલાઓ ગોવત્સ બારશનો પર્વ ઉજવે છે.

વ્રત કરવાની પૂજા-વિધિ: આ દિવસે ગાય અને વાછરડું મળે નહીં તો ચાંદી કે માટીથી બનેલાં વાછરડાંની પૂજા પણ કરી શકાય છે. આ દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં ઊઠીને નિત્યકર્મ પૂર્ણ કરી લે છે. ત્યાર બાદ આખો દિવસ કોઇપણ શુભ મુહૂર્તમાં ગાય અને તેના વાછરડાંની પૂજા કરે છે.

સાથે જ ગાયને લીલો ચારો અને રોટલી સહિત અન્ય વસ્તુઓ ખવડાવીને તેને તૃપ્ત કરવામાં આવે છે. અનેક જગ્યાએ ગાય અને વાછરડાંનો શ્રૃંગાર કરવામાં આવે છે. આ દિવસે ગાયનું દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓ ખાવામાં આવતી નથી. આ દિવસે ઘરમાં ખાસ કરીને બાજરાની રોટલી અને અંકુરિત અનાજના શાકભાજી બનાવવામાં આવે છે. આ દિવસે ગાયની દૂધની જગ્યાએ ભેંસના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે.

ભવિષ્ય પુરાણમાં ગૌ મહિમા: ભવિષ્ય પુરાણ પ્રમાણે ગાયને માતા એટલે લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. ગૌમાતાના પૃષ્ઠદેશમાં બ્રહ્મનો વાસ છે, ગળામાં વિષ્ણુનું મુખ, મુખમાં રૂદ્રનું, મધ્યમાં સમસ્ત દેવતાઓ અને રોમકૂપોંમાં(શરીરમાંનાં રુવાડાં) મહર્ષિગણ, પૂંછમાં અનંત નાગ, ખરીમાં સમસ્ત પર્વત, ગૌમૂત્રમાં ગંગા વગેરે નદીઓ, ગૌમયમાં લક્ષ્મી અને નેત્રોમાં સૂર્ય-ચંદ્ર વિરાજિત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer