હિન્દુ સંસ્કૃતિ મુજબ આ દિવસોનો મહિમા અન્ય હિન્દુ પર્વ જેવો જ પવિત્ર છે. ફક્ત ધાર્મિક જ નહીં, ખગોળની દ્રષ્ટિએ, પર્યાવરણના સંબંધમા પણ આ દિવસો મહત્ત્વના છે. આ પિતૃ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનુ પર્વ છે. ઘરોની છત કે બિલ્ડીંગની પાળીઓ પર ખીર પુરી સહિતના સંપુર્ણ ભોજનનો થોડો ભાગ આપણને શ્રાધ્ધ પક્ષમાં જોવા મળે છે. હિન્દુ ધર્મ પાળતા દરેક પ્રાંત, જ્ઞાતિ કે પેટા ધર્મની વ્યક્તિ પોતાના પિતૃઓની તૃપ્તિ માટે શ્રાધ્ધના દિવસોમાં કાગવાસ નાંખે છે.
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર : મૃત્યુ બાદ વ્યક્તિનો સ્થુળ દેહ ચિતામાં નષ્ઠ થઇ જાય છે, પણ જીવની ઇચ્છાઓ નષ્ટ થતી નથી. જે જીવ અતૃપ્ત કામનાઓ પાછળ અટકી જાય તેમની સદગતિ થતી નથી. હિન્દુ માન્યતા અનુસાર મૃત્યુ બાદ જીવ સૌપ્રથમ પ્રેતયોનિમાં જાય છે. અને મરણ બાદ કરાતી બારમા તેરમાની વિધિ પછી તે પિતૃલોકમા જાય છે. આપણા પુર્વજો વિવિધ યોનિમા જન્મ લે છે. દરેકને અન્નની આવશ્યકતા હોય છે. ભોજન માત્ર પૃથ્વી લોકમાં જ મળે છે. તેથી પિતૃપક્ષ આરંભ થતા પિતૃઓ સંતૃપ્તિ માટે પોતાના પરિવારજનોના ઘરે આવે છે. તેથી મૃત સંબંધિઓની તિથિ કે સર્વ પિતૃઅમાસે તેમનુ શ્રાધ્ધ કરવુ અને કાગવાસ ધરવો ખુબ મહત્વ પુર્ણ છે. આ કાર્યથી તેઓ વર્ષભર તૃપ્ત રહે છે.
ખગોળ શાસ્ત્ર અનુસાર : 15 જુલાઇ પછી સુર્ય દક્ષિણ દિશા તરફ ગતિ કરે છે. તેને કારણે ભાદરવા મહિનામાં તે કન્યા અને ત્યાર બાદ તુલા રાશિ તરફ પ્રયાણ કરે છે. બ્રહ્માંડ 12 રાશિ અને 27 નક્ષત્રોથી બનેલુ છે. મેષ રાશિ પ્રવેશ દ્વાર છે તો 12મી મીન રાશિ મોક્ષનુ દ્વાર છે. આ રાશિ બ્રહ્મ લોક સાથે સંકળાયેલી છે. કન્યા રાશિમાં સુર્યનુ આગમન થતા જ પિતૃ લોક પ્રવૃત અને જાગૃત થાય છે. તેથી ભાદરવી પુનમથી ભાદરવી અમાસ સુધી શ્રાધ્ધનુ પર્વ મનાવાય છે.
રામચરિત માનસમાં પણ શ્રાદ્ધ નો ઉલ્લેખ છે કે ભગવાન રામે પણ પોતાના પિતાજી દશરથ રાજાનું શ્રાધ્ધ પુષ્કરમાં કર્યુ હતુ. શ્રાધ્ધ વિધિ હિન્દુ ધર્મનુ અભિન્ન અંગ છે. સમય અને સંજોગો અનુસાર તેમાં થોડા ફેરફાર ચોક્કસ આવ્યા છે, પરંતુ શ્રાધ્ધ પક્ષમા કાગવાસ નાખવાની ટ્રેડિશન એકસમાન છે.
કાગવાસમાં ખીર ધરાવવી અત્યંત મહત્ત્વની છે કેમકે પિતૃઓ આ સમયે વાયુસ્વરુપે ફરતા હોય છે. ઉકળતા દુધમાં ચોખા ભળતા એક સોડમ ઉત્પન્ન થાય છે જેનાથી પ્રસન્ન થઇને વાયુતત્વ આકર્ષાય છે અને આ સુગંધથી પિતૃઓને તૃપ્તિ મળે છે. ખીર આ મહિનામાં હેલ્થ માટે પણ સારી છે. આમ તેનુ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. ભાદરવા મહિનામાં કફ અને પિત્તના
રોગો વધુ
પ્રમાણમાં થાય છે. ખીર તેને શાંત પાડવાનુ કામ કરે છે. ત્રીજી એક વાત એ છે કે
કાગડાઓ ભાદરવા મહિનામાં ઇંડા મુકે છે અને તેના બચ્ચાંઓને પોષણરુપે ખીરનો ખોરાક મળી
જાય છે અને કાગડાઓની નવી જનરેશન ઉછરી જાય છે. કાગડાઓ સૃષ્ટિને સ્વચ્છ કરવામાં
મહત્ત્વની ભુમિકા ભજવે છે. સાથે તેઓ પીપળા અને વડને ઉગાડવામાં પણ મદદ
કરે છે. આ
બંને વૃક્ષોના ટેટા કાગડો ખાય અને તેના પેટમાં પ્રોસેસ વડે તે તેને બહાર કાઠે અને
તેની ચરક જ્યાં પડે ત્યાં વડ અને પીપળો ઉગી નીકળે છે.