પાલિતાણાના શક્તિનગરમાં માથાભારે શખ્શો દ્વારા 6 વર્ષના દીકરાની નજર સામે જ તેની માતાને જીવતી સળગાવી નાખવામાં આવી છે. કૂતરાનું નામ રાખવા જેવી નજીવી વાતમાં 7થી 8 લોકોએ મહિલાના ઘરમાં ઘૂસી જતાં ભારે હોબાળો મચી ગયો હતો.
તીર્થનગરી પાલિતાણામાં પોલીસના ડર વિના બેફામ બનેલા આવારા તત્વોએ ન જેવી બાબતમાં 6 વર્ષના દીકરાની નજર સામે તેની માતાને જીવતી સળગાવી હતી.
પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં રહેતાં નીતાબેન જયન્તીભાઈ સરવૈયાને આજે તેમના પાડોશમાં રહેતા ઘેલા આલગોતર, સુરા આલગોતર, રાજુ ગલાણી સહિત 7થી 8 લોકોએ બપોરે 1 વાગ્યાની આસપાસ તેમના ઘરે જઈને રાખેલું કેરોસિન છાંટી સળગાવી દેવામાં આવ્યાં હતાં.
બનાવ સમયે ઘરમાં તેમના 6 વર્ષનો દીકરો નંદરાજ ઘરે જ હાજર હતો, જેની સામે જ તેની માતાને જીવતી સળગાવી દેવામાં આવી હતી. ગંભીર રીતે દાઝેલાં નીતાબેનને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સારવાર કરી રહેલા ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, તેમનું શરીર 80% દાઝી જતાં હાલત નાજુક છે.