ભારતમાં આવતા વર્ષની શરૂઆતથી એટલે કે જાન્યુઆરી 2022થી દરેકના ખિસ્સા પર બોજ વધવાનો છે. સામાન્ય માણસને આવતા મહિના એટલે કે જાન્યુઆરી 1, 2022થી ઘણી વસ્તુઓ પર વધતા ટેક્સનો સામનો કરવો પડશે.
તમને જણાવી દઈએ કે નવું વર્ષ તમારા માટે ખુશીઓ લઈને આવી રહ્યું છે પરંતુ મોંઘવારી તમને થોડી પરેશાન કરી શકે છે. કપડા અને બુટ ચંપલ ખરીદવાથી લઈને ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું ઘણું મોંઘું થઈ જવાનું છે
1 જાન્યુઆરીથી રેડીમેડ ગારમેન્ટ્સ પર GST દર 5% થી વધીને 12% થશે. તેનાથી રેડીમેડ કપડાના ભાવમાં વધારો થશે. કાપડના વેપારીઓનું કહેવું છે કે GST વધવાથી રિટેલ બિઝનેસ પર ખરાબ અસર પડશે. રેડીમેડના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ જીએસટીમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે.
જો કે સરકાર પોતાના નિર્ણયથી પીછેહઠ કરવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં ગ્રાહકોને નવા વર્ષથી તૈયાર વસ્ત્રો ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. આ ટેક્સ સ્લેબમાં નવો ફેરફાર 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.
સામાન્ય લોકો પણ જીએસટી દરમાં વધારાથી ખુશ નથી. લોકોનું કહેવું છે કે GST વધવાને કારણે કપડાના ભાવમાં નોંધપાત્ર વધારો થશે જેના કારણે સામાન્ય માણસને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. કોરોનાના સમયમાં વેપારીઓ પહેલેથી જ પરેશાન છે. માર્કેટમાં બિલકુલ કામ નથી, GST વધ્યા બાદ વેપારી વધુ પરેશાન થશે.
નોંધનીય છે કે અત્યાર સુધી, 1,000 રૂપિયા સુધીની કિંમતના જૂતા અને ચપ્પલ પર 5% GST છે, પરંતુ શૂઝ, એડહેસિવ્સ, રંગો વગેરે પર 18% ટેક્સ વસૂલવામાં આવે છે, જેના કારણે ઇન્વર્સ ટેક્સ સ્ટ્રક્ચર લાગુ થાય છે. . આ સિવાય ચામડા પર 12% ટેક્સ લાગે છે. આ કારણે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવી પડે છે અને સરકારે રિફંડ આપવાનું હોય છે.
ફૂટવેરના મામલામાં સરકારે વાર્ષિક આશરે રૂ. 2,000 કરોડનું રિફંડ આપવું પડે છે. વાસ્તવમાં, ફૂટવેર, કપડાં અને ખાતર પર ડ્યુટી સ્ટ્રક્ચરમાં ફેરફાર ગયા વર્ષે જ જૂનમાં થવાનો હતો પણ મહામારીના કારણે એને મોકૂફ રાખવામાં આવ્યું
કપડાં અને પગરખાં ઉપરાંત, જો તમે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવાના પણ શોખીન છો, તો તમારા ખિસ્સાને ભારે ફટકો પડશે. કારણ કે 1 જાન્યુઆરીથી કંપનીઓએ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો એપ અને સ્વિગી એપ પરથી ફૂડ ઓર્ડર કરવા પર પણ ટેક્સ ચૂકવવો પડશે