શું તમે જાણો છો હનુમાન ચાલીસાની દરેક પંક્તિનો અર્થ? જાણો શું કહેવા માંગે છે હનુમાન ચાલીસા 

તમને ઘણા બધા લોકોએ અને સંત મહંતોએ સલાહ આપી હશે અને ઘણી જગ્યાએ સાંભળ્યું કે વાંચ્યું હશે કે જો તમારો શનિની ભારે પનોતી છે તો હનુમાનજીના મંદિરે જાવ. હનુમાન ચાલીસાના જાપ કરો. આ બધાની વાતોને ધ્યાનમાં રાખીને તમે એ કાર્ય શરુ પણ કર્યું હશે અને તમને ફળ્યું પણ હશે. હનુમાનજીને પૂજવાથી, તેમની પાસે કોઈ મનોકામના પૂર્ણ થવાની બાધા રાખવાથી એ જરૂર પૂરી થાય છે.

જો તમે નિયમિત મંદિર ના જઈ શકો તો તેનો પણ એક રસ્તો છે તમારે નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. હનુમાન ચાલીસા એ તમે ઘણીવાર સાંભળી હશે અને બોલી પણ હશે પણ શું તમને ખબર છે કે તેનો અર્થ શું થાય છે. હનુમાન ચાલીસાની દરેક પંક્તિનો કોઈને કોઈ અર્થ થાય છે. શું કહેવા માંગે છે હનુમાન ચાલીસા.

મિત્રો પહેલા તમે એક નાનકડી વાત સમજી લો તમે ક્યારેય હાલતા કે ચાલતા હનુમાન ચાલીસા નથી કરી શકતા. હનુમાન ચાલીસા કરવા માટેની એક રીત હોય છે એ સંપૂર્ણ રીત કરવાથી તમને તમારું મનગમતું ફળ પણ મળે છે. આવો તમને જણાવીએ કે હનુમાન ચાલીસા કરવાની યોગ્ય રીત અને નિયમ…

સવારમાં સૂર્યોદય સાથે ઉઠી જવું અને શુધ્દ પાણીથી સ્નાન કરીને લાલ રંગના કપડા પહેરો. પ્રયત્ન કરો કે લાલ રંગના જ કપડા હોય. ત્યારબાદ હનુમાનજીની મૂર્તિ કે ફોટોને ઉનના આસન પર વિરાજમાન કરાવો. હનુમાનજીની પૂજામાં હંમેશા સિંદૂર હોવું જ જોઈએ. સાથે તમારે ચોખા, લાલ ફૂલ, દીવો અને અગરબત્તી પણ કરવી. દીવો અને અગરબત્તી કરીને તમે હનુમાન ચાલીસા શરુ કરી શકો. હનુમાન ચાલીસા પૂર્ણ થાય પછી હનુમાનજીને બુંદીના લાડવાની પ્રસાદી ધરાવવી. બધું પૂર્ણ થાય પછી જે લાલ ફૂલ લીધું હતું તેને હાથમાં રાખવું અને અહિયાં નીચે જણાવેલ શ્લોક બોલવો.

अतुलित बलधामं हेम शैलाभदेहं, दनुज-वन कृशानुं ज्ञानिनामग्रण्यम् । सकल गुणनिधानं वानराणामधीशं, रघुपति प्रियभक्तं वातजातं नमामि ॥ પછી એ લાલ ફૂલ તમારે હનુમાનજીના ચરણમાં ધરાવવાનું કરવાનું રહેશે. ત્યારબાદ આંખો બંધ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. તમે ઈચ્છો તો વધુ ફળ મેળવવા માટે લાલ ચંદનની માળા સાથે “हं हनुमते रुद्रात्मकाय हूं फट्” શ્લોકનો જાપ ૧૦૮ વાર રોજ કરવાનું રાખો.

શ્રી હનુમાન ચાલીસા ॥ દોહા ॥ श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि । बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥ અર્થ – ચાર ફળોના (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) કર્તા હર્તા એવા શ્રી રામ પ્રભુની નામનાનું વર્ણન કરી રહ્યો છું. તેમના ચરણની રજમાત્રથી મારા મનના અરીસાને હું પવિત્ર કરી શક્યો.

बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार । बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥અર્થ – હે પવનપુત્ર, હું તમારું સ્મરણ કરું છું. તમને જેમ ખબર જ છે કે હું શારીરિક રીતે અને માનસિક રીતે બહુ નબળો છું. મારામાં શારીરિક શક્તિ અને સારી બુદ્ધિ અને સાથે જ્ઞાન આપો અને મારા બધા દુઃખોને હરી લો.

॥ ચૌપાઈ ॥ जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥ અર્થ – હે હનુમાનજી તમે તો જ્ઞાનનો સાગર છો તમારા જ્ઞાનની કોઈ સીમા નથી. તમારી સદાય જય હો, કપીશ્વર તમારી કીર્તિ ત્રણેય લોક (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક)માં ઉજાગર છે.

रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥ અર્થ – હે પવનપુત્ર, અંજનીના લાડલા, તમે રામદૂત છો આ વિશ્વમાં તમારાથી શક્તિશાળી બીજું કોઈ નથી. म हावीर विक्रम बजरंगी । कुमति निवार सुमति के संगी ॥ અર્થ – હે મહાશક્તિશાળી બજરંગબલી, તમે બહુ પરાક્રમી છો તમે વ્યક્તિમાંથી ખરાબ વિચારો દૂર કરીને સારી બુદ્ધિ પ્રદાન કરો છો.

कंचन बरन विराज सुवेसा । कानन कुण्डल कुंचित केसा ॥ અર્થ – તમારા શરીરના કંચન જેવા રંગ અને વાળ પર તમે પહેરેલા વસ્ત્ર એ બહુ શોભી રહ્યા છે. हाथ बज्र और ध्वजा बिराजै । कांधे मूंज जनेऊ साजै ॥ અર્થ – તમારા હાથમાં વજ્ર અને ધજાની સાથે તમારા ખંભા પર જે જનોઈ છે એ તમારી સુંદરતામાં વધારો કરી રહી છે. शंकर सुवन केसरी नन्दन । तेज प्रताप महा जग बन्दन ॥

અર્થ – તમે શંકર ભગવાનના અંશ, કેસરીનંદન, આખા વિશ્વમાં તમારી નામના તમારા પરાક્રમ અને યશથી થાય છે અનેક લોકો તમને વંદન કરે છે. विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥ અર્થ – પ્રભુ શ્રીરામના કામ કરવા માટે હંમેશા તૈયાર રહેતા તમે ખુબ હ ચતુર, વિદ્યાવાન અને ગુણોનો ભંડાર છો. प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥ અર્થ – તમને પ્રભુ શ્રીરામના ગુણગાન સંભાળવાથી અનેરો આનંદ મળે છે. તમારા હૃદયમાં પ્રભુ રામ એ માતા સીતા અને લક્ષમણ સાથે વિરાજમાન છે.

सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥ અર્થ – તમે માતા સીતાને તમારું સૂક્ષ્મ સ્વરૂપ બતાવ્યું હતું. અને રાવણની લંકામાં વિશાળ સ્વરૂપ લઈને સંપૂર્ણ લંકામાં આગ લગાવી હતી. भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥ અર્થ – તમે પ્રભુ રામને સહયોગ આપીને સીતા માતાને પરત લાવ્યા હતા અનેક રાક્ષસોનો નાશ કરવા માટે તમે ભયંકર સ્વરૂપ પણ ધારણ કર્યું હતું. लाय संजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये ॥

અર્થ – તમે જયારે લક્ષ્મણ મૂર્છિત થઇ ગયા હતા ત્યારે સંજીવની બુટ્ટી લાવી આપી હતી તમારા આ કાર્યથી ખુશ થઈને પ્રભુ શ્રીરામ તમને ભેટી ગયા હતા. रघुपति कीन्हीं बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥ અર્થ – પ્રભુ શ્રીરામે તમારા બહુ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે હે હનુમાન તમે મને મારા ભાઈ ભરત જેટલા જ પ્રિય છો.

सहस बदन तुम्हारो यस गावैं । अस कहि श्रीपति कठं लगावैं ॥ અર્થ – અનેક લોકો એ તમારા કાર્યોનું યશોગાન કરશે આટલું બોલીને પ્રભુ રામે તમને ગળે લગાવી લીધા હતા. सनकादिक ब्रह्मादि मुनिसा । नारद सारद सहित अहीसा ॥ અર્થ – બધા દેવતાઓ તમારા ગુણગાન કરે છે. શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી પણ તેમાં સામેલ છે.

जम कुबेर दिक्पाल जहां ते । कवि कोविद कहि सके कहां ते ॥ અર્થ – બધી દિશાઓના રક્ષકો યમ, કુબેર અને બધા જ કવિઓ અને વિદ્વાનો બધા જ લોકો તમારા યશનું ગાન કરી રહ્યા છે. तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥  અર્થ – તમે સુગ્રીવજીની મુલાકાત એ પ્રભુ રામ સાથે કરાવીને તેમના પર ઉપકાર કર્યો ત્યારબાદ તેઓને રાજા પણ બનાવ્યા.

तुम्हरो मंत्र विभीषण माना । लंकेश्वर भये सब जग जाना ॥ અર્થ – સંપૂર્ણ સંસાર તમારી એ વાત જાણે જ છે કે તમે વિભીષણને સલાહ આપી અને તેના કારણે જ તેઓ લંકાના રાજા બની શક્યા. जुग सहस्त्र योजन पर भानू । लील्यो ताहि मधुर फल जानू ॥ અર્થ – તમે સૂર્યને એક લાલ મીઠું ફળ સમજીને તેને ગળી ગયા હતા. એ જગ્યાએ પહોચવા માટે અનેક યુગ લાગી જાય ત્યાં તમે કેટલી ઝડપથી પહોચી ગયા. प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लांघि गये अचरज नाहीं ॥ અર્થ – તમારા માટે સાગર પાર કરવો એ કોઈ મુશ્કેલ વાત નાથી પણ તમે જે રીતે પ્રભુ શ્રીરામ દ્વારા આપવામાં આવેલ વીંટી માતા સીતા સુધી પહોચાડી એ કાર્ય અદ્ભુત હતું.

दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते ॥ અર્થ – મનુષ્ય જીવનની અનેક મુશ્કેલીઓ એ ફક્ત તમારા નામ માત્રથી તમારાથી દૂર થઇ જશે. राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे ॥ અર્થ – પ્રભુ રામના મહેલના તમે રક્ષક છો તમારી ઈચ્છા વગર કોઈ અંદર પ્રવેશ કરી શકતા નથી. सब सुख लहै तुम्हारी सरना । तुम रक्षक काहू को डरना ॥ અર્થ – તમારી શરણમાં આવનાર અને કોઈપણ ડરનો સામનો કરવાનો હોય ત્યારે તમારા નામ માત્રથી બધું ઠીક થઇ જશે.

आपन तेज सम्हारो आपै । तीनहु लोक हांक ते कांपै ॥ અર્થ – તમારા અવાજ માત્રથી ત્રણે લોકમાં હલચલ થઇ જાય છે અને તમારો વેગ એ ફક્ત તમે જ સહન કરી શકો. भूत पिशाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावै ॥ અર્થ – હે હનુમાન એ તમારા નામ માત્રથી ભૂત પિશાચ જેવી મુશ્કેલીઓ દૂર ચાલી જાય છે. જયારે પણ મહાવીર હનુમાનનું નામ લેવામાં આવશે ત્યારે દરેક મુસીબત દૂર થઇ જશે. नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा ॥

અર્થ – જે પણ તમારા નામનું નિરંતર જાપ કરશે તેના દરેક રોગ અને પીડા એ દૂર થઇ જશે. संकट ते हनुमान छुड़ावै । मन-क्रम-बचन ध्यान जो लावै ॥ અર્થ – જે પણ તમારું નિયમિત તન અને મનથી ધ્યાન કરશે અને તમારું નામ જપશે તેઓ પોતાના બધા દુઃખોમાંથી મુક્ત થઇ શકશે. सब पर राम तपस्वी राजा । तिनके काज सकल तुम साजा ॥ અર્થ – બધા રાજાઓમાં સર્વ શ્રેષ્ઠ પ્રભુ રામ છે તેમના ઘણા બધા કામ તમે જ પૂર્ણ કરી આપ્યા છે.

और मनोरथ जो कोई लावै । सोइ अमित जीवन फल पावै ॥ અર્થ – જે પણ લોકો તમારી કૃપા પ્રાપ્ત કરવા માંગે છે અને મનગમતું ફળ પ્રાપ્ત કરવા માંગે છે તેમણે હનુમાનજીને પ્રાર્થના કરવી જોઈએ. હનુમાનજી એ તમારી દરેક સારી ઈચ્છાઓ પૂર્ણ કરશે. चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा ॥ અર્થ – ચારેય યુગના લોકો એ તમારા પ્રતાપથી માહિતગાર છે. સંપૂર્ણ સંસાર એ તમારા ઉપાસક છે.

साधु संत के तुम रखवारे । असुर निकन्दन राम दुलारे ॥ અર્થ – તમે સારા અને સજ્જન લોકોની રક્ષા કરો છો તેમની પર આવતી આસુરી શક્તિઓનો નાશ પણ કરો છો. अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता ॥ અર્થ – તમારા કાર્યથી ખુશ થઈને માતા સીતાએ તમને વરદાન આપ્યું હતું કે તમે તમારા કોઈપણ ભક્તને આઠ સિધ્ધિઓ અને નવ નિધિ પ્રદાન કરી શકો.

આઠ સિદ્ધિઓ — અણિમા – સાધક અદ્ર્શ્ય રહે છે અને કઠિન-થી-કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છો. મહિમા – યોગી પોતાને વિરાટ બનાવી લે છે. ગરિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન વધારી શકે છે. લઘિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન ઘટાડી શકે છે. પ્રાપ્તિ – મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. પ્રાકામ્ય – ઇચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઊડી શકે છે. ઈશિત્વ – બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે.

વશિત્વ – અન્ય કોઈને વશમાં કરી શકાય છે. નવ નિધિઓ — પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ – આ નવ નિધિઓ કહેવામાં આવી છે. राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा ॥ અર્થ – તમે હંમેશા પ્રભુ શ્રીરામના શરણમાં રહો છો. તમારી પાસે રામ-નામ રૂપી એક અનોખી ઔષધી છે

तुम्हरे भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै ॥ અર્થ – તમારું લેવા માત્રથી જે તે નામ લેનાર વ્યક્તિને પ્રભુ રામના દર્શન થશે અને તેના જીવનના દરેક દુખ દૂર થઇ જશે. अंतकाल रधुबर पुर जाई । जहां जन्म हरि भक्त कहाई ॥ અર્થ – તમારું નામ લેવાથી મૃત્યુ પામતા વ્યક્તિને સ્વર્ગ મળશે અને જે કોઈ પૃથ્વીલોકમાં જન્મ લેશે તે પ્રભુ રામનું નામ લઇ શકશે.

और देवता चित्त न धरई । हनुमत सेइ सर्व सुख करई ॥ અર્થ – જે પણ વ્યક્તિ એ સુખી થવા માંગે છે અને ઈચ્છે છે કે તેમના દરેક દુખ દૂર થઇ જાય તેમને ફક્ત તમારું નામ લેવું જોઈએ. બીજા કોઈ દેવી દેવતાની પૂજા અર્ચના કરવાની જરૂરત રહેતી નથી. संकट कटै मिटै सब पीरा । जो सुमिरै हनुमत बलबीरा ॥ અર્થ – જે પણ વ્યક્તિ એ પૂરી શ્રધ્ધાથી હનુમાનજીનું નામ લેશે તેની બધી મુશ્કેલીનો અંત આવી જશે.

जय जय जय हनुमान गोसाइँ । कृपा करहु गुरु देव की नाइँ ॥ અર્થ – હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. તમે મારી પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી હું હંમેશા તમારી ઉપાસના કરતો રહું. जो शत बार पाठ कर कोई । छूटहिं बन्दि महा सुख होई ॥ અર્થ – જે પણ વ્યક્તિ ઈચ્છે છે કે તેઓ સુખ શાંતિથી પોતાનું જીવન પસાર કરે તો તેમણે હનુમાન ચાલીસા સો વાર કરવી જોઈએ.

जो यह पढ़े हनुमान चालीसा । होय सिद्धि साखी गौरीसा ॥ અર્થ – જે પણ વ્યકિત એ હનુમાન ચાલીસાનો પાઠ કરશે એમને હંમેશા રિદ્ધિ અને સિધ્ધી પ્રાપ્ત થશે. तुलसीदास सदा हरी चेरा । कीजै नाथ ह्रदय मंह डेरा ॥ અર્થ – તુલસીદાસજી એ પ્રભુ રામના પરમ ભક્ત છે એટલા માટે તમે હંમેશા તેમના હૃદયમાં પણ વસો છો.

पवन तनय संकट हरन, मंगल मूरति रूप ।
राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप ॥ અર્થ -¬ હે પવનપુત્ર ! તમે બધા સંકટોના હરણ કરનાર છો,, તમે મંગળ મુરત સ્વરૂપ છો. હું પ્રાર્થના કરું છું કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં વાસ કરો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer