જાણો બાબર મસ્જીદ અને રામ મંદિરની અજાણી વાતો

હિન્દુ ધર્મમાં ભગવાન રામ એ વિષ્ણુના સાતમાં અવતાર ગણાય છે. ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યાનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે જેમાં અયોધ્યાને મોક્ષ પ્રાપ્ત કરવાં માટેની 7 સૌથી પવિત્ર જગ્યાઓમાંથી એક કહેવામાં આવી છે. અયોધ્યા નગરીમાં કિલ્લેબંધી કરેલા “રામદુર્ગ” નામની પવિત્ર જગ્યા છે.

ઈ.સ. પૂર્વે 600માં બૌદ્ધિક કાળમાં અયોધ્યા નગરીનું નામ “સાકેત” હતું. તે ઉત્તર ભારતના 6 સૌથી મોટા શહેરોમાંથી એક હતું. ગુપ્ત સામ્રાજ્યમાં તેને રાજધાની બનાવવામાં આવી જ્યાં તેનું નામ અયોધ્યા પડ્યું. કવિ કાલિદાસે તેમની કૃતિ “રઘુવંશ” અહીં રચી રહી જ્યાં ગુપ્તર ઘાટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીંથી ભગવાન રામે સરયૂ નદીના જળ થકી સ્વર્ગમાં પ્રવેશ મેળવ્યો હોવાનું કહેવાય છે.

આ સમય પછી અયોધ્યાનું મહત્વ ઘટી ગયું. ત્યાર બાદ રાજા વિક્રમાદિત્યએ તેઓ પુનરોદ્ધાર કર્યો હોવાનું કહેવાય છે. ભારતના ચક્રવર્તી રાજા ચંદ્રગુપ્ત બીજાના પુત્રી પ્રભાવતીગુપ્ત પણ રામના ભક્ત હતા.

ત્યાર બાદ ભારતની રાજધાની કનૌજ તરફ ખસી ગઈ અને અયોધ્યાનું મહત્વ ઓછું થઇ ગયું. જો કે ગઢવાલ વંશે અયોધ્યામાં ઘણા વિષ્ણુ મંદિરો બનાવ્યા. કેટલાક ઇતિહાસકારોના મતે ગઢવાલ વંશે બનાવેલા એક વિષ્ણુ મંદિરને જ રામ મંદિર ગણી લેવામાં આવ્યું છે. આ મંદિરોના કારણે અયોધ્યાનું ધાર્મિક મહત્વ વધ્યું.

બાબરી મસ્જિદનો ઇતિહાસ :

બ્રિટિશર્સની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ફ્રાન્સિસ બુચાનનના અહેવાલ મુજબ મુઘલ સામ્રાજ્યના પહેલા શાસક બાબરના સેનાપતિ “મીર બાકી”એ બાબરના હુકમથી 1528માં બાબરી મસ્જિદ બનાવી હતી. આ વાત બાબરી મસ્જિદની દીવાલો પરથી મળી આવી હતી તેવું બુચાનનનું કહેવું હતું.

બુચાનને એમ પણ નોંધ્યું કે બીજી એક માન્યતા પ્રમાણે સ્થાનિકોના ઇતિહાસ મુજબ આ મસ્જિદ ઔરંગઝેબ વડે રામ ભગવાનના મંદિરને તોડીને બનવવામાં આવી હતી.

જો કે આર. નાથ જેવા કેટલાક ઇતિહાસકારોના મતે આ મસ્જિદનું બાંધકામ જોતા તે 13મી થી 15મી સદીમાં દિલ્હી સલ્તનતના સમયમાં એટલે કે મુઘલ સામ્રાજ્યની પહેલાના સમયમાં બની હોય એમ લાગે છે. બાબરના સમયમાં તેનો જિર્ણોધ્ધાર થયો હોય એવું બની શકે.

1717માં ઉત્તર ભારતના રાજપૂત રાજા જય સિંઘ 2એ મસ્જિદ અને તેની આસપાસનો જમીનને ખરીદી લીધી. આ દસ્તાવેજમાં એમ જણાવ્યું હતું કે અંદર 3 ગુંબજની બનેલી એક ઇમારત છે જે દેખાવમાં મસ્જિદ જેવી લાગે છે. અંદર એક ચબુતરો છે જ્યાં હિન્દુ ભક્તો ધાર્મિક વિધિઓ અને પૂજા અર્ચના કરે છે. અહીં એક ચોરસ બોક્સ બનાવેલો છે જે જમીનથી 5 ઇંચ ઉપર છે. આ જગ્યાને “બેદી” એટલે કે પારણું કહે છે. આ તમામ માહિતી આશરે 50 વર્ષ પછી જોસેફ ટીફેનથલેર નામના એક પાદરી વડે એ પણ કન્ફર્મ કરી હતી. આમ જાણી શકાય છે કે ઐતિહાસિક રીતે આ પરિસરમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો પ્રાર્થના કરતા હતા. મુસ્લિમો અંદરની મસ્જિદનો ઉપયોગ કરતા જયારે હિંદુઓ મસ્જિદની બહારના ભાગનો ઉપયોગ કરતા.

બાબરે કેમ બાબરી મસ્જિદનું નિર્માણ કરાવ્યું?

20મી સદીના મૌલવી અબ્દુલ ગફાર અને ઇતિહાસકાર હર્ષ નારાયણની નોંધ મુજબ યુવાન બાબર સૂફી સંત “કલંદર”ના વેશમાં કાબુલ થી અવધ આવ્યો હતો. ત્યાં તે બીજા સૂફી સંતોને મળ્યો અને તેણે તેમની દુઆઓ માંગીને પ્રતિજ્ઞા લીધી કે તે હિન્દુસ્તાનને જીતી લેશે.

મુઘલ સામ્રાજ્યનો પહેલો શાસક બાબર

જાણકારો મુજબ મૌલવી અબ્દુલ ગફારની જૂની નોંધમાં એવું પણ લખાયેલું હતું કે સૂફી ફકીરોએ બાબરને એક જ શરતે દુઆઓ આપવાની શરત મૂકી કે જો તે જીતશે તો તેણે રામ જન્મભૂમિના મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવવી પડશે. બાબરે આ શરત મંજુર રાખીને સૂફી સંતોની દુઆ ગ્રહણ કરી.

શું ખરેખર બાબરના સમયમાં અહીં મસ્જિદ હતી?

આશ્ચર્યજનક રીતે બાબરની કથા બાબરનામામાં કોઈ આવી મસ્જિદ બનવાનો કે કોઈ મંદિરને તોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 1574માં તુલસીદાસે “રામચરિત માનસ” લખ્યું જેમાં પણ રામજન્મભૂમિ ઉપર આવી કોઈ મસ્જિદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મસ્જિદનો પહેલો ઉલ્લેખ ઔરંગઝેબની પૌત્રી વડે લખાયેલ પુસ્તકમાં જોવા મળે છે. આ પુસ્તક મુજબ મથુરા, બનારસ અને અવધમાં ઘણા હિન્દુ સ્મારકો તોડીને મસ્જિદો બનાવાઈ હતી જેમાંથીઆ એક હતી. આમાં મસ્જિદને ઔરંગઝેબ વડે બનાવામાં આવેલી હોવાનું માની લેવામાં આવ્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer