આધ્યાત્મિક અને ધાર્મિક વચ્ચેનો તફાવત અને લક્ષણો

આધ્યાત્મિક વ્યકિત તેને કહેવાય છે જે બીજા પ્રત્યે એટલી જ પ્રેમપૂર્ણ હોય, જેટલી પોતા પ્રત્યે. એવું ત્યારે જ થઈ શકે. જ્યારે વ્યકિત અંદરથી પરિષ્કૃત થઈ જાય છે અને આત્મજ્ઞાની બને છે. એવી વ્યકિત પ્રકૃતિમાં જે કાંઈ દૃષ્ટિ ગોચર છે મોજૂદ છે. તેને પ્રેમ કરે છે. તેનું સન્માન કરે છે અને તેના પ્રત્યે ઉદાર રહે છે કારણકે તે જાણે છે કે મૂળભૂત રીતે આ બધું એક જ સત્તાની અભિવ્યકિત છે. જે વ્યકિત નિયમિત રીતે મંદિર, મસ્જિદ કે ચર્ચ જઈને પ્રાર્થના કરતી હોય, પણ સંભવ છે કે બીજા માટે તેના દિલમાં જરા પણ પ્રેમ કે સન્માન ન હોય. તેવી જ રીતે નિયમિત યોગાભ્યાસ કે ધ્યાન કરનાર વ્યકિત એવી પણ હોઈ શકે કે તેના વિચારો અને ક્રિયાકલાયોમાં બીજા પ્રત્યે પ્રેમ અને ઉદારતાનો કોઈ ભાવ જ ન હોય.

બીજી બાજુ, ઘણા લોકો એવા પણ હોય છે જે ન તો કોઈ ધર્મમા માનતા હોય અને ન કદી કોઈ ધર્મસ્થળે જતા હોય, ન પૂજા કે ધ્યાન કરતા હોઈ અને ન કોઈ આધ્યાત્મિક સંગઠનના સભ્ય હોય, તેમ છતાં તેઓ આધ્યાત્મિક છે કારણકે તે આત્મતત્વને જાણતા હોય છે, તેમના હૃદયમાં બીજા પ્રત્યે પ્રેમ હોય છે. ઉદારતા હોય છે, કરુણાનો ભાવ હોય છે. તેઓ બીજાને શક્ય તેટલી મદદ કરવા તત્પર રહે છે. આધ્યાત્મિક વ્યકિતઓ જેમ સ્વાભાવિક રીતે વિનમ્ર હોય છે, તેમ મોટાભાગની ધાર્મિક વ્યકિતઓ દંભ અને અહંકારથી ભરેલી જોવા મળે છે. દર્પ, કઠોરતા અને આધિપત્ય તેમનાં કાર્યો અને વિચારોમાં ચોખ્ખે ચોખ્ખા જોવા મળે છે. એવા લોકો ભલેને ધાર્મિક હોય પણ તે ઘણી હદ સુધીની અધમવૃત્તિના હોય એવું પણ બની શકે.

શું કોઈ વ્યકિત એક સાથે ધાર્મિક અને આધ્યાત્મિક હોઈ શકે ? આધ્યાત્મિક પુરુષો માને છે કે એવું શક્ય છે પણ ત્યારે જ્યારે વ્યકિત પોતાના ધર્મ- કર્મનું હૃદયથી સંચાલન કરી રહી હોય, નહિ કે વારસામાં મળેલા કે ગોખેલા ધાર્મિક મતો અને સિધ્ધાંતોથી આધ્યાત્મિક વિભૂતિઓનાં જીવન,આચરણ અને કર્તૃત્વમાં જે વિશેષતાઓ જોવામાં આવી છે. તેનાથી તેમની ઓળખાણ ઘણે અંશે, સંભવ છે, જેમકે- 

1) આધ્યાત્મિક વ્યકિત કે ગુરુની સૌથી અસાધારણ અને વખાણવા લાયક વિશેષતા એ હોય છે કે તે પોતાને કદી ગુરુ માનતા નથી. તે તેમની મોટી વિનમ્રતા હોય છે. એવી વ્યકિત સમજે છે કે હજી ઘણું બધું શિખવાનું અને સમજવાનું બાકી છે. પોતાને ગુરુ કહેવડાવવામાં તેમને સંકોચનો અનુભવ થાય છે. આધ્યાત્મિક અને દિવ્ય કર્મો કરતાં કરતાં તેઓ આંતરિક રીતે ઘોષિત કરે છે કે આ હું નહિ, મારી અંદર ઇશ્વર જ કાર્યો કરી રહ્યા છે. હું તો નિમિત્ત માત્ર છુ.

2) આધ્યાત્મિક વ્યકિત અથવા ગુરુ ભલેને અલૌકિક અને અતીન્દ્રિય શક્તિઓથી સંપન્ન હોય, પરંતુ તેનો પ્રયોગ પોતાના અંગત લાભ માટે નહિ, માત્ર આપત્તિ કાળમાં જ કરે છે. ઉદાહરણ તરીકે સ્વામી વિવેકાનંદ જેવા અનેક મહાપુરુષોના નામ આપી શકાય.

3) તેઓ કદી કોઈને આદેશ નહિ, પણ સુઝાવ આપે છે. તેઓ કદી કોઈના મનમાં ભય કે ડરનો નહિ બલ્કે પ્રેમ અને સાહસનો સંચાર કરે છે. તેઓ બીજામાં કદી અપ્રિયભાવ ઉપજાવતા નથી પણ તેમનામાં આત્મસન્માનનું નિર્માણ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

Silhouette of a woman figure meditating in the outdoors

4) આધ્યાત્મિક વ્યકિતઓ માત્ર પોતાના પ્રતિ આત્મકલ્યાણ પ્રતિ જ સમર્પિત હોતા નથી, બલ્કે બીજાઓને જીવનના લક્ષ્ય તરફ લઈ જવામાં પણ મદદ કરે છે. તેમને સાચો માર્ગ બતાવે છે. તેઓ સાંસારિક જીવનમાં લાગુ પડતા કેટલાક નિયમો અને સચ્ચાઈઓ વિશે શિક્ષણ આપી શકે છે. પરંતુ તે માનવા માટે કોઈને દબાણ કરતા નથી.

5) અધ્યાત્મના શિખર પર પહોંચેલી વ્યકિતઓ પોતાના જીવન કે પૃષ્ઠ ભૂમિ બાબતે કદાચ જ કદી કાંઈ બોલતી હોય છે. કે જ્યારે તે આધ્યાત્મિક જીવનમાં પ્રાસંગિક કે પ્રેરણાદાયી હોય. તેનાથી ઊલટું, જે વ્યકિતઓમાં આધ્યાત્મિક ગુણ હોતા નથી કે પછી તેઓ માત્ર તેનો આડંબર જ કરતા હોય- તેઓ પોતાના વખાણ કરતાં થાકતા જ નથી અને માત્ર પોતાના જ વિષયમાં વાતચિત કરવાનું પસંદ કરે છે. તેમની દૃષ્ટિ એ એવા લોકો ખરાબ થઈ જાય છે, જેઓ તેમના વખાણ કે ખુશામત કરતા નથી અને જે લોકો એવું કરે, તેમને તેઓ પોતાના હિતૈષી માને છે.ળ

6) ઉન્નત આધ્યાત્મિક વ્યકિતઓ મૂળભૂત રીતે રચનાત્મક હોય છે દિવ્ય આધ્યાત્મિક ભાવોથી જ્ઞાાનોદીપ્ત એવું વ્યકિતઓનું જ્ઞાાન હૃદયના ઊંડાણમાં ઉત્પન સ્વયંસ્ફુરિત હોય છે. તે જ્ઞાાન જાણવા કે વાંચવા કોઈ પુસ્તક કે સંદર્ભ લેવાની તેમને જરૂર પડતી નથી.

7) અધ્યાત્મનાં મર્મને સમજી ચૂકેલી વ્યકિતો પોતાના વર્તન અને સ્વભાવમાં વર્ગ, ધર્મ, જાતિ, લિંગ, રાષ્ટ્રીયતા વગેરેથી ઉપર ઉઠીને એક વૈશ્વિક વિચારને ધારણ કરતી હોય છે. તેઓ સમસ્ત મનુષ્યજાતિ અને પ્રાણીઓને ઇશ્વરની અભિવ્યકિત તરીકે જુએ છે. સંપૂર્ણ વિશ્વ તેમનો પરિવાર હોય છે.

8) આધ્યાત્મિક વ્યકિત કદી તર્ક કરતી નથી. તેઓ જાણે છે કે તર્કથી શંકા શીલ લોકોને સંતોષ થતો નથી કારણકે તેઓ જાણે છે કે આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા માટે કોઈ તર્કની જરૂર જ નથી હોતી.

9) આધ્યાત્મિક વ્યકિતઓના પ્રયાસ હોય છે કે તેઓ દૈવીગુણો યથાસંભવ પોતાના જીવનમાં અપનાવે, તેને મૂર્ત સ્વરૂપ આપે. તેઓ ઉપદેશ આપવામાં નહિ પણ તે બાબતો પોતાના જીવનમાં ઉતારવામાં માને છે.

10) આધ્યાત્મિક વ્યકિતઓના આનંદનો સ્ત્રોત ઇન્દ્રિય સંવેગોથી મળતાં ક્ષણિક અને તકલાદી સુખો નથી પણ આંતરિક આનંદ હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer