ગુજરાતિ લોકો વિશે એમ કહેવાય છેકે, તેઓ તહેવારોની ઉજવણીમાં માને છે, અહીંની પ્રજાએ ઉત્સવપ્રેમી છે. અહીં ઉત્તરાયણ હોય કે હોળી, નવરાત્રી હોય કે , જન્માષ્ટમી કે દિવાળી દરેક તહેવારોનો આનંદ લેવામાં આવે છે.
એમાંય વાત ખાસ કરીને જ્યારે સુરતીલાલાઓની હોય તો પછી કહેવું જ શું. સુરતીલાલાઓ દરેક તહેવારને ખુબ જ ઉમળકાભેર ઉજવે છે. ત્યારે આ વખતની દિવાળીની ઉજવણીને લઈને પણ સુરતવાસીઓએ ખાસ અલગ જ તૈયારી કરી છે.
દિવાળીના તહેવારને લઈને શહેર આ વર્ષે પણ સાંસ્કૃતિક અને રંગબેરંગી રોશનીઓથી જળહળી ઊઠશે, જેને લઈને ટેક્સટાઈલ માર્કેટ, કોર્પોરેટ ઓફિસો, સરકારી બિલ્ડિંગોને લાઈટિંગથી સજાવવા અલગ અલગ કંપનીઓને કોન્ટ્રેક્ટ આપી દેવાયા છે.
10 દિવસમાં લાઈટિંગ માટે સરકાર 70 કરોડ જેટલું ભાડું ચૂકવશે. ભલે ગમે તેટલો કરોડોનો ખર્ચો થાય પણ સુરતીલાલાઓ તહેવારોની ઉજવણી ધામધૂમથી જ કરવામાં માને છે.
આ સાથે જ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લાઈટિંગના ધંધામાં 80 ટકા ગ્રોથ હોવાનું લાઈટિંગ એજન્સીના માલિકોનું કહેવું છે. આ વર્ષે ખાસ કરીને એલઈડી લાઈટ, પામ લાઈટ અને સિરીઝની ખાસ્સી માગ છે, પરંતુ થીમ બેઈઝ્ડ લાઈટિંગની સૌથી વધારે લોકપ્રિય હોવાનું જાણવા મળ્યું છે.
આ વર્ષે સુરત મહાપાલિકા દિવાળી, નવું વર્ષ અને ભાઇબીજ એમ 3 દિવસ શહેરના 22 બ્રિજ તથા 4 મોટાં જંક્શનો પર લાઈટિંગ ફીટ કરશે, જેમાં અંદાજે 19.75 લાખનો ખર્ચ થશે. 4 જંકશનોમાં મજૂરાગેટ, સોશિયો સર્કલ, સોના હોટલ સર્કલ તથા રેલવે સ્ટેશન સર્કલ વગેરેનો સમાવેશ થાય છે.
લાઇટિંગ પાછળ સૌથી વધુ કેબલ સ્ટેઇડ બ્રિજ, વરાછા ફલાય ઓવર અને રિંગ રોડ બ્રિજ પર અનુક્રમે 2.02 લાખ, 1.76 લાખ અને 1.37 લાખના ખર્ચે રોશની કરી તહેવારોની ઉજવણી કરવામાં આવશે.