આ વાત તો તમે પણ જાણતાં જ હશો કે સપ્તાહનો દરેક વાર કોઈને કોઈ દેવતા અથવા તો ગ્રહને સમર્પિત છે. તેમાં શનિવાર અને મંગળવાર હનુમાનજીને સમર્પિત વાર છે. આ દિવસે તેમની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ મળે છે. સંકટમોચન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે.
હનુમાનજીની કૃપા તેમના પર વરસે છે અને તેના જીવનમાંથી સંકટ દૂર પણ થઈ જાય છે. પરંતુ કેટલાક ભક્તો એવા પણ હોય છે જે નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ તો કરતાં હોય છે પરંતુ તેમના જીવનમાંથી સંકટ દૂર થતાં જ નથી. એક પછી એક સમસ્યાઓ તેને સમયાંતરે ઘેરી જ લેતી હોય છે. જ્યારે કોઈ જાતક નિયમિત હનુમાનજીની ભક્તિ કરે તેમ છતાં તેને તેનું ફળ ન મળે
તો તેનો અર્થ થાય છે કે તે પાઠ કરવામાં કોઈ ભુલ કરી રહ્યા છે. જો તમારી સાથે પણ આવું જ કંઈ થયું હોય તો ચિંતા ન કરો તમારી સમસ્યાનું સમાધાન આજે તમને મળી જશે. તો ચાલો જાણી લો કે કયા કારણથી હનુમાન ચાલીસા નિયમિત કરવા છતાં તેનું ફળ જાતકને મળતું નથી.
સૌથી પહેલા તો હનુમાન ચાલીસાનો પાઠ શરૂઆત યોગ્ય રીતે કરવો જોઈએ. આ પાઠ શનિવાર અથવા મંગળવારે શરૂ કરવો જોઈએ અને 40 દિવસ સુધી અખંડ રીતે પાઠ કરવો જરૂરી છે. ત્યારબાદ 11 શનિવાર અથવા તો 11 મંગળવાર સુધીમાં 21 પાઠ કરવા.
ધ્યાન રાખવું કે આ પાઠ બ્રહ્મ મહૂર્ત એટલે કે સવારના 4 વાગ્યાથી શરૂ કરવા, તેનાથી જ લાભ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ જાતક તેના જીવનના સંકટને દૂર કરવા માંગે તો તેણે આ નિયમાનુસાર પાઠ કરવો જોઈએ. આ રીતે પાઠ પૂર્ણ કરનાર જાતકની મનની ઈચ્છા અચૂક પૂરી થાય છે.
આ વિધિ પ્રમાણે પાઠ કરો ત્યારે સ્નાનાદિ કરી ઘરના મંદિરમાં દીવો પ્રજ્વલિત કરી ભગવાનને ભોગ પણ ધરાવવો. ભગવાનને ચઢાવેલો ભોગ પાઠ પૂર્ણ કર્યા પછી ગાય તેમજ વાંદરાઓને ખવડાવી દેવો. ઉપર દર્શાવ્યાનુસાર જે વ્યક્તિ અનુષ્ઠાન પૂર્ણ કરે છે તેને ચમત્કારી અસર જોવા મળે છે.