અમરેલીના સાવરકુંડલામાં 70 વર્ષથી દિવાળીની રાત્રે યોજાય છે ઈંગોરિયા યુદ્ધ, દેશ વિદેશમાં રહેતા વતનપ્રેમીઓ પણ આવે છે જોવા…

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે યોજાતા ઈંગોરિયા યુદ્ધની તૈયારીઓને લગભગ પૂરી થઈ ગઈ છે. સાવરકુંડલા ગામમાં છેલ્લાં 70 કરતા વધુ વર્ષોથી યુવાનો એકબીજા પર ઈંગોરિયા ફેંકી દિવાળીના પર્વની ઉજવણી કરે છે.

ચાલુ વર્ષે તાઉ-તે વાવાઝોડાને કારણે ઈંગોરિયાનાં વૃક્ષો પડી જતાં એના સ્થાને કોકડાનો ઉપયોગ કરાશે. કારીગરો હાલ ઈંગોરિયા અને કોકડા બનાવવામાં વ્યસ્ત છે. તો લોકો ઈંગોરિયા યુદ્ધ રમવા અને જોવા માટે વધુ ઉત્સુક બન્યા છે.

અમરેલી જિલ્લામાં સાવર અને કુંડલા બે ગામ વચ્ચે નાવલી નદી છે. વર્ષો પહેલાં અહીં બંને ગામના યુવાનો દિવાળીની રાત્રે એકબીજા પર ઈંગોરિયા ફેંકી ઉજવણીની શરૂઆત કરી હતી, જે પરંપરા આજે 70 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહી છે. ઈંગોરિયા યુદ્ધ ખેલવા માટે યુવાનો ઉત્સુતાપૂર્વક દિવાળીની રાતની રાહ જોતા હોય છે.

ઈંગોરિયા બનાવતા કારીગરો એક મહિના પહેલાંથી જ ઈંગોરિયા બનાવવાની તૈયાર શરૂ કરી દેતા હોય છે. ગયા વર્ષે કોરોનાને કારણે ઈંગોરિયાનું યુદ્ધ બંધ રખાયું હતું. જોકે આ વર્ષે યુવાનો રમવા માટે ઉત્સાહ સાથે થનગની રહ્યા છે.

આ વર્ષે ઈંગોરિયા યુદ્ધ સાવરકુંડલા શહેરના દેવળા ગેટ નજીક રિદ્ધિસિદ્ધિ ચોકમાં ખેલાશે. આ ઈંગોરિયા યુદ્ધમાં નાનાથી લઈ મોટા લોકો સંપૂર્ણ નિખાલસતાથી એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી મજા માણે છે. આ યુદ્ધ દરમિયાન હજુ સુધી ક્યારેય કોઈને ઇજા પહોંચી નથી.

ઈંગોરિયાનાં વૃક્ષ વધારે પડ્તાં ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. એના વૃક્ષમાંથી ઈંગોરિયાને લેવામાં આવે છે. જોકે આ વખતે આવેલ વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થતાં ઈંગોરિયાની આ વર્ષે અછત ઊભી થઈ છે.

કોલસો, ગંધક સહિતની સામગ્રી ભરીને ઈંગોરિયાને બનાવવામાં આવે છે, જેની તૈયારી હાલ ચાલી રહી છે. આ વર્ષે ઈંગોરિયાની અછતના કારણે એ મેળવવા મુશ્કેલ બન્યા છે, જેથી ઈંગોરિયા-રસિયાઓ દ્વારા આ વખતે દોરાની કોકડી લેવામાં આવી છે તેમજ કોલસો, ગંધક સહિત સામગ્રી ભરી ઈંગોરિયાને તૈયાર કરવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer