જાણો ભગવાન શ્રી કૃષ્ણના અનોખા વ્યક્તિત્વનું અનોખું ગુણદર્શન

ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના જીવનકાળ દરમિયાન કેટલાક પડકાર સ્વીકારવા પડ્યા, કેટલાક પડકાર આકસ્મિક આવી પડ્યા અને કેટલાક પડકાર તેમણે જાતે ઊભા કરી આસુરી તત્ત્વોનો નાશ કર્યો. તેમના નોખા વ્યક્તિત્વનું ગુણદર્શન કરીએ.

૧. નિરાભિમાની: વિચક્ષણ શ્રીકૃષ્ણએ ક્યારેય કોઈપણ પ્રશ્નને મિથ્યા અભિમાનનું સ્વરૂપ નથી આપ્યું. જરાસંઘે ત્રેવીસ અક્ષૌહિણી જેટલી સેના સાથે મથુરા ઉપર આક્રમણ કર્યું ત્યારે શ્રીકૃષ્ણએ કોઠાસૂઝથી નિર્ણય લીધો. પોતાના સૈનિકોનું મરણ ન થાય અને આ લડાઈમાં સમય વેડફવો પણ તે સમયે યોગ્ય ન હતો, કારણ કે બીજાં ઘણાં અગત્યનાં કાર્ય શ્રીકૃષ્ણે તે સમયે પાર પાડવાનાં હતાં માટે, શ્રીકૃષ્ણ રણભૂમિ છોડી ગયા હતા. પ્રત્યેક પાછા પગલા કંઈ ડરપોકપણાની નિશાની નથી. વળી, ભવિષ્યના મહાન લક્ષને સિદ્ધ કરવા માટે ક્ષુલ્લક વિતંડાવાદમાં ન સપડાવું તે એમના વિરાટ વ્યક્તિત્વની વિશેષતા છે.

૨. સંતુલનની કળામાં નિપુણ: શ્રીકૃષ્ણ પ્રેમ, શાંતિ અને સૌહાર્દના જ પક્ષધર રહ્યા છે. વાંસળી અને સુદર્શનચક્ર એ બેઉનું સંતુલન શ્રીકૃષ્ણએ સમગ્ર જીવનલીલામાં અદભુત રીતે કર્યું હતું. શ્રીકૃષ્ણની આ વિશેષ સંતુલિત કળાના કારણે જ તેમણે પ્રત્યેક પડકારને ઝીલ્યા અને સફળ રહ્યા. સંતુલનની કળામાં નિપુણ શ્રીકૃષ્ણએ અર્જુનને મત્સ્યવેધ સમયે સંતુલન શીખવ્યું. ગોપીઓના વિરહનું શમન કરી ગોકુળથી મથુરાગમન કર્યું ત્યારે ગોપીઓને પ્રેમનું સંતુલન શીખવ્યું. નટવર કદી નાસીપાસ થયા નથી શ્રીકૃષ્ણે સદાય એક પછી એક પડકારોનો સામનો કર્યો. કઠિન પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ, પણ ક્યારેય નાસીપાસ થઈ રડતા નહોતા. શ્રીકૃષ્ણનું મજબૂત પાસું એ છે કે, તેઓ ક્યારેય રડ્યા જ નથી. કારાવાસમાં જન્મેલા શ્રીકૃષ્ણએ બાળપણથી જ મુશ્કેલીનો સામનો કર્યો.

૩. સાહસ: શ્રીકૃષ્ણ અને સાહસ એકબીજાનો પર્યાય કહી શકાય. તેમની સાહસિકતા સદાય સફળ રહી, કારણ કે એ સ્વકેન્દ્રી નહોતી, જનહિતલક્ષી હતી. બાળવયમાં તેમણે કરેલા કાલીય નાગના દમનનો પ્રસંગ ખૂબ પ્રેરક છે. યમુના નદીમાં એક ધરામાં કાલિય નાગ રહેતો હતો. શ્રીકૃષ્ણએ કાલીય નાગનું મર્દન કરીને સમગ્ર યમુનાજળને ઝેરમુક્ત કર્યું. શ્રીકૃષ્ણની આ લીલા પાછળ ઝેરને નષ્ટ કરીને અમૃત તત્ત્વની પ્રસ્થાપના કરવાનો જ શુભ હેતુ હતો. તેમણે અનેક અસુરોને સ્વધામ પહોંચાડ્યા હતા.

૪. આત્મિકશક્તિ અને સંકલ્પ: શ્રીકૃષ્ણ જનહિતને હૈયામાં ધારણ કરી આસુરીતત્ત્વનો નાશ કરવા માટે સંકલ્પબદ્ધ હતા ત્યારે તેમની આત્મિકશક્તિ સોળે કળાએ ખીલી ઊઠતી હતી.

શ્રીકૃષ્ણનાં ગુણદર્શન કરીને આપણે ભોગીમાંથી યોગી બનવા તરફ પ્રયાણ કરીશું તો લૌકિક જીવનમાં સફળતા અને મૃત્પયુર્યંત મુક્તિ અવશ્ય પ્રાપ્ત થશે.મેઘવર્ણ શ્યામસુંદર શ્રીકૃષ્ણની ભક્તિ દૃઢ થતી જાય તેમ તેમ તેમનાં ગુણદર્શન પ્રતિ આપણી દૃષ્ટિ સ્થિર થાય છે. શ્રીકૃષ્ણે અનિષ્ટનો નાશ કરીને સમાજમાં વર્ગવિગ્રહ થતો અટકાવ્યો હતો. અજ્ઞાનને કારણે જડ થયેલી માન્યતાને નિર્મૂળ કરી સાત્ત્વિક ઉપાસના સમાજમાં પ્રવર્તાવી હતી. માત્ર સાત વર્ષની નાની વયે ડાબા હાથની ટચલી આંગળીએ સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત ઊંચકી તેમણે ઇન્દ્રનું અભિમાન ઓગાળ્યું અને ગ્રામજનોને અધં શ્રદ્ધામાંથી ઉગાર્યા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer