ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. હાલ રાજ્યમાં 36 જેટલા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ અને કેટલાક પ્રતિબંધ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યા છે. આ 36 શહેરોમાં સુરત, અમદાવાદ, વડોદરા, અને રાજકોટ આ ચાર મહાનગરોનો પણ સમાવેશ થાય છે.
રાજ્યમાં હાલ આ ચાર મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. હાલ રાજ્યના 36 જેટલા શહેરોમાં માત્ર ગણ્યા-ગાંઠયા જ વેપાર ધંધો શરૂ છે કારણકે, આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ ખુલ્લી રાખવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ જ કારણે મોટાભાગની દુકાનો હાલ બંધ છે. વેપાર-ધંધા બંધ થવાના કારણે રોજરોજનું કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજકોટના વેપારીઓ આંશિક લોકડાઉન સામે વિરોધ નોંધાવ્યો છે.
વેપારીઓની માગણી છે કે આંશિક લોકડાઉનના બદલે સંપૂર્ણ લોકડાઉન કરવું જોઈએ. જો કોરોનાને હળવો કરવો હોય તો 60 ટકા જેટલા વેપાર-ધંધાને છૂટ આપીને 40 ટકા જેટલા વેપાર-ધંધા બંધ રાખવાથી કોરોના કાબૂમાં નહીં આવે.
રિપોર્ટ અનુસાર સરકાર દ્વારા આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને આ જ કારણે રાજકોટમાં કેટલાક વેપારીઓએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, અમુક ધંધા ચાલુ રાખવામાં આવ્યા છે, અમુક ધંધા બંધ રાખવામાં આવ્યા છે.
કોરોનાને કાબૂમાં લેવો હોય તો તમામ ધંધા બંધ કરવા પડશે અને આંશિક લોકડાઉનના બદલે સંપૂર્ણ લોકડાઉન કરવું જોઈએ. રાજકોટના 7 જેટલા વેપારી એસોસીએશન દ્વારા આંશિક લોકડાઉન નામંજૂર હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે.
વેપારી એસોસીએશનની મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી કે, હાલ રાજકોટમાં 40 ટકા જેટલા જ ધંધા બંધ છે અને 60 ટકા રાજકોટ ખુલ્લું છે. એટલે લોકો વધારેમાં વધારે રોડ પર અવર જવર કરી રહ્યા છે. શાક માર્કેટ, કારખાનાઓ અને દાણાપીઠ ખુલ્લા છે.
ફક્ત નાના વેપારીઓની દુકાન, પાર્લર, દરજીની દુકાન અને રેડીમેડ ગારમેન્ટની દુકાનો બંધ છે અને એ પણ કોરોના ન વધે તે હેતુથી બંધ કરવામાં આવી રહ્યા છે પરંતુ ઊલટાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, અમારું સરકાર અને અધિકારીઓને કહેવું છે કે સંપૂર્ણ લોકડાઉન કરો કારણકે કોરોનાની ચેઇન તોડી લોકોને મોતના મુખમાંથી બચાવો. આવા અધકચરૂ લોકડાઉન અમને મંજૂર નથી.
દુકાનદારોએ એવું પણ કહ્યું હતું કે, અધકચરા લોકડાઉનથી સંક્રમણ ઘટશે નહીં. તમામ ક્ષેત્રે લોકડાઉન રાખો અથવા તો તમામ દુકાન ખોલવાની મંજૂરી આપો. વેપાર-ધંધા હાલમાં બંધ હોવાના કારણે કેટલાક દુકાનદારોએ તેમના કર્મચારીઓને પગાર પણ ચૂકવી શકે તેવી પરિસ્થિતિમાં નથી. આ ઉપરાંત કેટલાક દુકાનદારોએ લોન લીધી હોવાના કારણે લોનના હપ્તા પણ ચઢી રહ્યા છે.