જાણો મહાદેવનાં સાક્ષાત પ્રતીક એવા સાતમુખી રુદ્રાક્ષ વિશે

રુદ્રાક્ષને મહાદેવનું સાક્ષાત પ્રતીક માનવામાં આવે છે. રુદ્રાક્ષ દરેક પ્રકારના સુખ તેમજ સમૃદ્ધિ પ્રદાન કરે છે. હિન્દુ સંસ્કૃતિમાં રુદ્રાક્ષનું ખુબ જ મહત્વ રહેલું છે. રુદ્રાક્ષને પૂજનીય માનવામાં આવે છે. માન્યતા છે કે, રુદ્રાક્ષની ઉત્પત્તિ સ્વંય ભગવાન શંકરની આંખોમાંથી નીકળેલા આસુથી થઈ છે.

જેને કારણે જે પણ તેને ધારણ કરે છે તેના તમામ કષ્ટ અને દુખ દૂર થાય છે. રુદ્રાક્ષ વિશે એક કથા પણ પ્રચલિત છે, જેમાં કહેવામાં આવે છે કે એકવાર ભગવાન શિવે દુનિયાના કલ્યાણ માટે સેંકડો વર્ષો સુધી તપ કર્યું હતું. ત્યારે તેઓ અચાનક બહુ જ દુખી થઈ ગયા હતા, અને આવામાં જ્યારે તેમણે આંખો ખોલી તો તેમની આંખમાંથી આસું નીકળી પડ્યા હતા, જેનાથી રુદ્રાક્ષનું વૃક્ષ બન્યું હતું.

શિવ પુરાણમાં રુદ્રાક્ષના 14 પ્રકાર બતાવવામાં આવ્યા છે. જેમાં એક મુખી રુદ્રાક્ષથી લઈને 14 મુખી સુધી અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષ હોય છે, તેમાં સૌથી વધારે અસરકારક હોય છે સાત મુખી રુદ્રાક્ષ. તેને ધારણ કરવાથી પ્રત્યેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને યશ તેમજ કીર્તિ પ્રાપ્ત થાય છે.

સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આર્થિક સ્થિતીમાં મજબૂતી આવે છે અને મનને પણ શાંતિ પ્રાપ્ત થાય છે. આ રુદ્રાક્ષ પહેરવાથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્‍મીની કૃપા હંમેશા જળવાઈ રહે છે. નોકરી કરતાં જાતકો આ રુદ્રાક્ષ ધારણ કરે તો તેમને સફળતા પ્રાપ્ત થાય છે. આ રુદ્રાક્ષ શનિ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.

ધારણ કરવાની વિધિ
કોઈપણ માસના અજવાળિયાની તેરસથી પૂનમ સુધીના દિવસોમાં સાત મુખી રુદ્રાક્ષ પર ગંગાજળ અને કેસર દૂધ મીક્ષ કરી છાંટવું. સાથે જ આ મંત્રનો જાપ કરવો, ‘ૐ એં હીં શ્રી ક્લીં હૂં સૌ: જગત્પ્રસૂતયે નમ:’. ત્યારપછી ધૂપ-દીપ કરી તેની વિધિવત પૂજા કરવી અને પછી હાથ અથવા ગળામાં ધારણ કરવો.

રુદ્રાક્ષમાં અસલી અને નકલીની ઓળખ કરવા માટે તમે તેને પાણીમાં નાંખીને ચેક કરી શકો છો. જો તે પાણીમાં ડૂબી જાય તો તે અસલી રુદ્રાક્ષ છે અને જો પાણીમાં તરતો રહી ગયો તો તે નકલી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer