જીવનની કેટલીક સમસ્યાઓના સમાધાન માટે આપણે ઈશ્વરનો સહારો લેવો પડે છે. પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કેટલાક આપણા વૈદિક મંત્રોના જાપ કરવાથી તમામ મુશ્કેલીઓને નીવારી શકાય છે. તો આજે આપણે આવા કેટલાક મંત્રો અને તેના જાપ કરવાથી કેવો ફાયદો થાય છે તે જાણીશુ.ભારતીય વૈદિક સાહિત્યમાં હિન્દી વર્ણમાળાના દરેક અક્ષરને મંત્રની સંજ્ઞા આપવામાં આવી છે. દરેક મંત્રમાં જેટલા અક્ષર હોય છે તેની પસંદગી મંત્રના ફળ અનુસાર કરવામાં આવેલો હોય છે. મંત્રના અક્ષરો અનુસાર તેના ફળમાં પણ ફેરફાર થઈ જાય છે.
જેમકે ‘ॐ નમ: શિવાય’ મંત્રમાં 6 અક્ષર છે તેથી તેને ષડાક્ષરી મંત્ર કહેવામાં આવે છે. જો તેમાં ॐનો ઉપયોગ ન કરવામાં આવે તો તે પંચાક્ષરી મંત્ર બની જાય છે. તેવી જ રીતે ‘ॐ નમો ભગવતે વાસુદેવાય’ દ્વાદસક્ષરી મંત્ર છે. મંત્રોના પ્રયુક્ત અક્ષરોની સંખ્યાના આધારે મંત્રોની પસંદગી કરી અને સંબંધિત દેવી-દેવતાઓની સાધના કરવામાં આવે છે. પોતાના મનની ઈચ્છા અને ઉદેશોની પૂર્તિ માટે મંત્રોનો જાપ કરી અને તેમનું આહવાન કરવામાં આવે છે.
મંત્ર એવું માધ્યમ છે કે જેના દ્વારા ભગવાનને પ્રાર્થના અને યાચના કરવી. તેનાથી જાતકનો શારીરિક, માનસિક, ભૌતિક તેમજ આધ્યાત્મિક વિકાસ સંતુલિત રીતે થાય છે. આ સંતુલન વ્યક્તિને સુખી બનાવી શકે છે. મંત્ર શાસ્ત્રને પૂર્ણ વિકસિત આધ્યાત્મિક વિજ્ઞાનની સંજ્ઞા આપી શકાય છે. કારણ કે મંત્રોનું સાચી રીતે ઉચ્ચારણ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે.
મંત્રોનો જાપ જો વૈદિક રીતે અને પૂર્ણ શુદ્ધતા તેમજ શ્રદ્ધાથી કરવામાં આવે તો તેમાંથી નીકળતી તરંગો સંબંધિત દૈવી શક્તિની તરંગો સાથે સંપર્ક સ્થાપિત કરી દે છે. આ તરંગોની જાણકારી આપણા ઋષિ-મૂનિઓને હતી. તેથી જ તેઓ તપ કરી અને ભગવાન સાથે આ તરંગોના માધ્યમથી સંપર્ક સ્થાપિત કરતાં હતા.પરંતુ તેના માટે જરૂરી છે કે મંત્રનો ઉચ્ચાર યોગ્ય રીતે કરવામાં આવે. જો તેમ ન થાય તો નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે અને તે નુકસાન પણ પહોંચાડી શકે છે. તેથી જ કોઈપણ મંત્રનો જાપ કરતાં પહેલાં તેને યોગ્ય રીતે સમજી લેવો.