આપણા હિન્દુ ધર્મમાં સોળ સંસ્કાર કરવામાં આવે છે જેમાના એક સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર માણસનો જન્મ અને મૃત્યુ ઇશ્વર ઇચ્છાથી જ થાય છે. પણ માણસના મૃત્યુ પછી શું થાય છે એ જાણવા માટે આપણે ત્યાં શાસ્ત્રો રચાયા છે. માણસનું મૃત્યુ કેવું થાય તે આપણે ત્યાં તેના કર્મો સાથે સાંકળી લેવામાં આવે છે. ગીતાજીમાં તો ખાસ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જન્મ અને મૃત્યુ તેમજ મોક્ષ ગતિ અંગે વિગતે સમજાવ્યું છે. ચારેય વેદોનો સાર અને ઉપનિષદનો સાર પણ ગીતાજીમાં રહેલો છે.
ભગવત ગીતામાં કહેવાયું છે કે જો કોઈનું મૃત્યુ શુક્લ પક્ષ એટલેકે અજવાળીયામાં થાય તો આવી વ્યક્તિનો આત્મા દુર્લભ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. તેમનો આત્મા ક્યારેય ભટકતો નથી. જન્મોજન્મના ચક્કરમાંથી મુક્તિ મેળવે છે. ભીષ્મએ બાણ શૈયા પર ઉત્તરાયણ આવે ત્યાં સુધી રાહ જોઈ હતી ઇચ્છામૃત્યુનું વરદાન હોવા છતાં તેમણે સારા મુહૂર્તની રાહ જોઈ હતી.
કહેવાય છે કે સામાન્ય જીવ હોય તો મૃત્યુના થોડા સમયમાં જ ફરી તેનો જન્મ થાય છે. જો પાપ કર્મ કર્યા હશે તો ભૂત, પ્રેત પિશાચ જેવી યોનીમાં જીવને ભટકવું પડતું હોય છે. નીમ્ન યોનીમાં અને યાતનાઓથી ભરપુર જીવન વ્યતિત થાય છે. ગીતાજીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે શુક્લ પક્ષ એટલેકે અજવાળીયામાં મૃત્યુ થાય તો જાતક મોક્ષ ગતિને પામે છે. ભગવાનની દિવ્ય જ્યોતમાં ભળી જાય છે.