આ ગામમાં દર વર્ષે આસો સુદ નોમના દિવસે વહે છે ઘી ની નદીઓ, થાય છે ‘ઘી’નો અભિષેક

આ વર્ષે આસો સુદ નોમના દિવસે એટલેકે સોમવારે સુપ્રસિદ્ધ વરદાયિની માતાની ભવ્યાતિભવ્ય પલ્લીનો કાર્યક્રમ યોજાયો હતો. સોમવારે રાતે 12 વાગ્યે મંદિરમાંથી પલ્લીની શરૂઆત થઇ હતી. માનવામાં આવે છે કે આ પલ્લીમાં લગભગ 10 લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. આ ગામમાં પાંડવકાળથી ચાલી આવતી પરંપરા પ્રમાણે પલ્લીના મેળામાં હજારો કિલો ઘી (Ghee) માતાજીની પલ્લી પર ચઢાવવામાં આવે છે. જેનાથી રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તેવું દ્રશ્માન થાય છે.

સુપ્રસિધ્ધ વરદાયિની માતાની પલ્લીનું એટલું મહત્વ છે કે, અહીં માતાજીના દર્શને દેશ-વિદેશમાંથી ભક્તો ઉમટી પડે છે. આ મેળામાં ઉત્સાહ જેવો માહોલ હોટ છે. ગત વર્ષે અહીં 4 લાખ કિલો ઘી ચડાવવામાં આવ્યું હતું. માનવમહેરામણને લઈને સુરક્ષા પણ તૈનાત કરવામાં આવી હતી. અહીં 500થી વધુ સુરક્ષા જવાનો અને પોલીસ તૈનાત કરવામાં આવ્યા હતા. તો 4 મેડિકલ ટીમ એમ્બુલન્સની સાથે યુજીવીસીએલની ટીમો ખડેપગે રહી હતી. ભક્તોને ધ્યાને રાખીને અલગ-અલગ 50 જેટલા વધારાની બસો ફાળવવામાં આવી છે. પલ્લી નીકળતા જ ભક્તોએ ઘી નો અભિષેક કરતા ગામની શેરીઓમાં જાણે ઘીની નદી વહેતી થઇ હતી. આ પલ્લીમાં 5 જ્યોતની પલ્લી રૂપાલના 27 ચકલા આગળ ઉભી રાખવામાં આવે છે.

પાંડવોએ ગુપ્ત વાસ સમયે પલ્લીની શરુઆત થઇ હતી. તે સમયે પલ્લી સોનાની બનાવવામાં આવતી હતી. હવે લાકડામાંથી બનાવવામાં આવે છે. દર વર્ષે આખી પલ્લી નવી બનાવવામાં આવે છે. જેમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં નથી આવતો. વરદાયિની મંદિરની બનતી આ પલ્લી ગામના તમામ સમાજના લોકો બનાવા માટે કામ કરે છે. વહેલી સવારથી પલ્લી બનાવવાની શરૂઆત થાય છે જે રાતે પલ્લી તૈયાર થાય છે.

પલ્લીનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વની જોઇએ તો, સૃષ્ટિનાં પ્રારંભે અહીં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલ સૃષ્ટિનો નાશ કરવા માટે બ્રહ્માજીને અતિ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આથી બ્રહ્માજી શ્રી વરદાયિની માતાજીના શરણે જઈ માતાજીએ પુત્રરૂપે શરણે આવેલા બ્રહ્માજીને સાંત્વના આપી હતી. માતાજીએ દુર્મદ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કરી માનસરોવરનું સ્વયં નિર્માણ કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને અહીં કાયમ માટે નિવાસ કર્યો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer