વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. છેલ્લા એક વર્ષથી, ખેડૂતો ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવા માટે દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા હતા.
વડાપ્રધાને તેમના સંબોધનમાં ખેડૂતોને સંબોધતા કહ્યું કે અગાઉની સરખામણીમાં કૃષિ બજેટમાં 5 ગણો વધારો કરવામાં આવ્યો છે.વડાપ્રધાને ઉત્તર પ્રદેશમાં અનેક યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટન માટે રવાના થતા પહેલા આ જાહેરાત કરી છે.
આ દરમિયાન વડાપ્રધાને કહ્યું, “મેં મારા પાંચ દાયકાના કાર્ય દરમિયાન ખેડૂતોની મુશ્કેલીઓ જોઈ છે. જ્યારે દેશે મને વડાપ્રધાન બનાવ્યો ત્યારે મેં કૃષિ વિકાસ અથવા ખેડૂતોના વિકાસને ખૂબ મહત્વ આપ્યું હતું.
“પીએમએ કહ્યું કે તેમની સરકારે છેલ્લા સાત વર્ષમાં દેશમાં કૃષિના વિકાસ માટે ઘણા પગલાં લીધા છે. તેમણે કહ્યું કે તેમની સરકાર હેઠળ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે અને તેનાથી કૃષિ ઉત્પાદનમાં સુધારો કરવામાં મદદ મળી છે.
પીએમએ કહ્યું કે તેમની સરકાર દરમિયાન ખેડૂતોને વળતર તરીકે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સિવાય વીમો અને પેન્શન પણ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતોના ખાતામાં સીધો લાભ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.