જાણો શ્રાદ્ધપર્વની ‘શ્રદ્ધાવર્ધક’ રામાયણની ઘટના

હિંદુ સંસ્કૃતિમાં પૂર્વજો-પિતૃઓ પ્રત્યે ‘કૃતજ્ઞાતા’ પર્વ એટલે કે આપણા ઉપર કરેલ ઉપકારો બદલ ઋણ ચૂકવવા કરેલું શ્રદ્ધાપૂર્વકનું દાન-પુણ્ય, જેને આપણે ‘શ્રાદ્ધ’ પર્વ કર્મ કહીએ છીએ તે, નવરાત્રીના પૂર્વે કૃષ્ણપક્ષનાં સોળ દિવસોમાં કરવામાં આવે છે. દિવંગત પૂર્વજોને શાંતિ મળે, ઉર્ધ્વગતિ થાય તે માટે શ્રદ્ધાભાવથી જે કાંઈ દાન-પુણ્ય કે શાસ્ત્રોક્ત વિધિ થાય તે ‘શ્રાદ્ધ’. ‘શ્રાદ્ધ’ માનવધર્મનું જ કર્મ છે.

વિષ્ણુપુરાણ મુજબ પવિત્ર-નિર્મળ મનથી, શ્રદ્ધાથી કરાયેલ ‘શ્રદ્ધા’થી બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, રુદ્ર, અશ્વિનીકુમારો, સૂર્ય, અગ્નિ વાયુ, વિશ્વદેવ, પિતૃગણ પક્ષી, મનુષ્ય, પશુ, સરીસૃપ, ઋષિગણ, ભૂતગણ (પશુપક્ષી) વગેરે સંપૂર્ણ જગતને તૃપ્તિ મળે છે. આ રીતે શ્રાદ્ધમાતા-પિતા-દાદા માટે જ નથી પણ તેનાથી આગળ સંપૂર્ણ પ્રાણીમાત્રને માટે છે. આપણા દૈનિક કાર્યમાં પણ આપણા સંસ્કૃતિધર્મ પ્રમાણે પિતૃયજ્ઞા, દેવયજ્ઞા, ભૂતયજ્ઞા ( વિવિધ પશુ-પક્ષીના રક્ષણ માટે) કરવાનું કહ્યું છે.’યજ્ઞા’ એટલે ખર્ચા કરી ક્રિયાકાંડ નહિ પણ શક્તિ પ્રમાણે દાન-પુણ્ય-કરવાનાં છે. જેથી ‘ત્યાગ’ની ભાવના પણ વિકસે.

પદ્મપુરાણમાંનો એક પ્રસંગ ‘શ્રાદ્ધ’ પર્વ માટે શ્રદ્ધાપ્રેરે તેવો છે. રામાયણમાં રામજીના વનવાસની ઘટનાથી આપણે પરિચિત છીએ. પિતાદશરથની આજ્ઞાાનું પાલન કરવા શ્રીરામ, સીતા-લક્ષ્મણ સાથે- વનમાં ગયા. વનમાં ફરતાં ફરતાં ‘પુષ્કરતીર્થ’માં આવ્યાં. આ તીર્થમાં ‘પિતૃશ્રાદ્ધ’નો મોટો મહિમા છે. તેથી શ્રી રામે ત્યાં, દશરથનું ‘શ્રાદ્ધ’ કરવાનું વિચાર્યું.

સીતાજી ત્રણ બ્રાહ્મણોને જમાડવા ઋતુ પ્રમાણેનાં ફળ લાવ્યાં. મધ્યાહ્નકાળે આમંત્રણ પ્રમાણે ત્રણ બ્રાહ્મણ જમવા આવ્યા. રામ-સીતાએ પ્રેમપૂર્વક વંદન કરી આસન ઉપર બ્રાહ્મણોને બેસાડયા. શ્રી રામચંદ્રની આજ્ઞાા પ્રમાણે શ્રાદ્ધનાં ફળ પીરસવા સીતાજી આવ્યાં, પણ, સીતાજીએ જે દૃશ્ય ત્યાં નિહાળ્યું તે જોઈ તુરત જ પીરસ્યા વિના, સીતાજી નજીકનાં વૃક્ષો પાછળ સંતાઈ ગયાં. શ્રીરામે તો ત્રણે બ્રાહ્મણોને પ્રેમથી જમાડયા. ને તેમના આશિર્વાદ લઈ ત્રણેય બ્રાહ્મણને વિદાય કર્યા. ત્યાં તો સીતાજી આવી ગયા. શ્રીરામે પૂછયું,’ હે સીતે । બ્રાહ્મણોને જોઈ કેમ છૂપાઈ ગયાં ?’

સીતાજીએ ગદ્ગદિત થઈ… આંસુ વહાવતાં કહ્યું, ‘હે નાથ । મેં એક આશ્ચર્ય જોયું. તે બ્રાહ્મણની આગળ સદ્ગત તમારા પિતાશ્રી દશરથરાજાને અન્ય સદ્ગત વડીલો સાથે જોયા. તેમને જોઈ મને ચિંતા થઈ કે,’વલ્કલ પહેરેલાં વસ્ત્રોમાં મને જોઈ વડીલો દુ:ખ અનુભવશે. પુત્રને… વરવધુને વનવન ભટકવું પડે છે જાણી દુ:ખ થશે એટલે ત્યાંથી હું ચાલી નીકળીને સંતાઈ ગઈ.’ શ્રી રામ-સીતાના પિતૃવિશેના આ પ્રત્યક્ષ અનુભવ પછી એકવાતતો નિશ્ચિત થાય છે કે પ્રેમ, આદર , પૂર્ણેશ્રદ્ધાથી ‘શ્રાદ્ધકર્મ’ થાય તો ‘પિતૃઓ’ જાતે જ આવીને સ્વીકારે છે.

ગરુડપુરાણમાં કહ્યું છે,’શ્રાદ્ધકર્મ દ્વારા પિતૃઓને તૃપ્ત કરવાથી કીર્તિ, બળ, લક્ષ્મી, યશ, ધાન્ય, સારી સંતતિ તથા સુખશાન્તિ મળે છે.’ શ્રાદ્ધના દિનોમાં સદ્ગત પિતૃઓ તૃપ્ત થાય તે માટે યથાશક્તિ દાન-પુણ્ય(પક્ષીઓને ચણ, ગાયોને ઘાસ, કપડાં, વાસણ, પૈસાનું દાન, ને ભૂખ્યાંને ભોજન) આપવામાં આવે તો ‘યજ્ઞા’ સમાન ‘ફળ’ પ્રાપ્ત થતાં પિતૃઓ આશિર્વાદ વરસાવે છે.

મૃત્યુ પામેલા સંબંધીઓને તથા પિતૃઓને શાંતિ મળે ને તેમની સદ્ગતિ થાય તે માટે શ્રાદ્ધના દિવસો પૂરતું પુણ્યદાન કરવાનું છે. તેમની ભક્તિ કરવાની નથી. ભક્તિ તો ભગવાનની- ઇશ્વરની જ કરવાની છે. આ ખાસ ધ્યાનમાં લેવું. જેનાં માતાપિતા- વડીલો હયાત હોય તો તેમની સેવા કરવી, પ્રેમપૂર્વક રાખવાં. તેમને દુ:ખ ન પડવું જોઈએ. આપણા ખરાબ વ્યવહારથી, તેમને આઘાત ન થવો જોઈએ. કારણકે આપણાં ઉપર તેમના અનેક ઉપકાર છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer