રામજી જયારે વનમાં જવા તૈયાર થયા ત્યારે માતા કૌશલ્યા તેમને વારે છે. પિતા દશરથ તો કહે છે, ‘તું વનમાં જઈશ તો હું મરી જઈશ,’ અને મૃત્યુ પણ પામે છે. રામચન્દ્રજીએ તેમનું કહ્યું માન્યું નથી. હાનિ, લાભ, જશ, અપજશ, મરણ અને જીવન વિધિના હાથમાં છે. એ આપણા હાથમાં નથી. પરંતુ વચન અને તેનું પાલન એનો નિર્ણય તો મારા હાથમાં છે. ક્ષત્રિયનો દીકરો ક્યારેય એમ કહે ? હું બહારવટિયા સામે જાઉં તો ખરો પણ ગેરંટી આપો કે મારું મૃત્યુ નહીં થાય. આનો અર્થ એ થયો કે તે ક્ષત્રિય ધર્મ સમજતો નથી. દરેકે દરેકને પોતાનો ધર્મ છે. તે ધર્મ તમે જે સ્થિતિ સ્વીકારો છો તેમાંથી ઊભો થાય છે. એ તમે ન સ્વીકારો તો તમારો ધર્મ ઊભો થતો જ નથી. દશરથ જયારે કહે છે, હું મરી જઈશ. તો રામજી વિચારે છે, ‘જીવન મરણ વિધિનાં હાથમાં છે, પણ વચનપાલન મારા હાથમાં છે.’
ભગવાન રામનો બંધુ પ્રેમ દિવ્ય છે, માતૃ-પિતૃ ભક્તિ અલૌકિક છે. ઋષિ વાલ્મીકિ રામાયણમાં લખે છે, રામ જયારે વનમાં જતી વખતે કૈકેયીને પગે લાગે છે ત્યારે કહે છે, મા ! તારો મારા તરફ પક્ષપાત છે, ભરત કરતાં તારો પ્રેમ મારામાં વિશેષ છે. વનમાં ઋષિ-મુનીઓનો મને સત્સંગ થાય માટે તમે મને વનવાસ આપ્યો છે. તારી ભાવના મારું કલ્યાણ થાય તેવી છે. ચંપુ રામાયણમાં કવિએ આ વાત સ્હેજ જુદી રીતે પણ સુંદર રીતે કરી છે કે મા ! તમે તો વનમાં જવાની મને આજ્ઞા કરી, મને માત્ર મારી જાતનું રક્ષણ કરવાનું સોંપ્યું પણ તમારા પોતાના દીકરાના માથે તમે આખી પૃથ્વી સાચવવાની જવાબદારી સોંપી. હું જયારે વિચાર કરુ છું કે એ બેમાં સહેલું કામ કયું છે ? ત્યારે મને લાગે છે કે હે માતા! તેં મારા તરફ વધારે પક્ષપાત કર્યો છે. તારા દીકરાને તેં અઘરું કામ સોંપ્યું છે અને મને સાવ સહેલું કામ સોંપ્યું છે.
ચિત્રકૂટમાં મળવા ગયેલા ભરત અને શત્રુઘ્ન બન્નેને વિદાય સમયે એકાંતમાં ભગવાન રામ શિખામણ આપે છે, ‘તમને લાગે છે માતા કૈકેયીએ તમારું અપ્રિય કર્યું છે, પણ તેના મનમાં તો તમારું પ્રિય કરવાનું જ હતું. એટલે મારા તથા સીતાના સોગંદ આપીને આજ્ઞા આપું છું કે તમારે તેની સાથેનો વ્યવહાર તેને દુઃખ ન થાય તેવો જ રાખવાનો છે.’ ભગવાન આ બધું વિધિ નિર્માણ હતું એમ સમજાવે છે. ભરતને મન માતા કુટિલ છે, પરંતુ ભગવાન રામને મન તે કુટિલ નથી. ભગવાન જયારે વનવાસથી પાછા આવે છે ત્યારે માતા કૌશલ્યાને જેટલા ભાવથી પગે લાગે છે, તેટલા જ ભાવથી માતા કૈકેયીને પગે લાગે છે.
ચંપુ રામાયણ પ્રમાણે રામ કહે છે, ‘હે માતા! તારી કૃપાથી મને કેટલું બધું જાણવા મળ્યું ? બાપનું દીકરા પર કેટલું વહાલ હોય તેની કલ્પના હું અયોધ્યામાં હોત તો ન કરી શકત. ભરત જેવો ભાઈ, જેના હ્રદયમાં મારા પ્રત્યે અપાર અને અગાધ પ્રેમ છે તેની ખબર મને કેમ પડત મા! લક્ષ્મણની ભક્તિ જેણે ચૌદ વર્ષમાં એકપણ દિવસ નિદ્રા નથી લીધી. તેની ભક્તિ મને કેવી રીતે જાણવા મળત ? સીતાનું સત શું છે તેની ખબર દુનિયાને ક્યાંથી પડત? રાવણ સાથે યુદ્ધ થયું ત્યારે મને મારી તાકાત કેટલી છે તેની ખબર પડી. હનુમાન અને સુગ્રીવ જેવાની મૈત્રીની ખબર મને ક્યાંથી પડત મા! હે મા! આ બધું જ્ઞાન તારી પ્રસાદીને કારણે મળ્યું છે.’ આ બધું સાંભળીને કૈકેયી લોઢાની હોયને, તોય ઓગળી જાય.
રામનો સ્નેહ ભરત પ્રત્યે કેવો છે ? રામને રાવણ વધ પછી જેટલી ચિંતા સીતાજીની નથી તેટલી ચિંતા ભરતની છે. હનુમાનજીને તુરત અયોધ્યા જવાનું કહે છે, ‘તું જલદી જઈ ભરતને ખબર આપ, કારણ કે ૧૪ વર્ષ ઉપર એક દિવસ થશે તો મારો ભરત પ્રાણ કાઢી નાખશે.’