અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે તેમનો દેશ રશિયાથી આયાત થતા ગેસ, તેલ અને ઊર્જા પર પ્રતિબંધ લગાવી રહ્યો છે. બિડેને કહ્યું કે યુએસમાં રશિયન તેલ, ગેસ અને કોલસાની આયાત પર પ્રતિબંધ લાદવાથી દેશમાં કિંમત ચૂકવવી પડશે. પરંતુ તમામ સાંસદોએ આ દિશામાં પગલાં લેવા માટે એકતા દાખવી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 13 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. યુદ્ધના કારણે યુક્રેનમાંથી 20 લાખથી વધુ લોકોએ દેશ છોડી દીધો છે. યુદ્ધ શરૂ કરવા બદલ રશિયા પર ઘણા દેશોએ પ્રતિબંધો લગાવ્યા છે.
રાષ્ટ્રપતિ બિડેને વ્હાઇટ હાઉસમાંથી કહ્યું, ‘અહીં અમેરિકામાં પણ કિંમત ચૂકવવી પડશે. હું શરૂઆતથી જ અમેરિકન લોકો સાથે રહ્યો છું, અને જ્યારે મેં પ્રથમ વખત તેના વિશે વાત કરી, ત્યારે મેં કહ્યું કે સ્વતંત્રતાની રક્ષા કરવી મોંઘી પડી શકે છે. અમેરિકામાં પણ આની કિંમત ચૂકવવી પડશે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ સમાન રીતે આ સમજે છે.
રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ એકસરખું સ્પષ્ટ છે કે આપણે આ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ યુક્રનને એક અબજ ડોલરથી વધુની સુરક્ષા સહાય પૂરી પાડી છે. જેમાં અનેક પ્રકારના આધુનિક હથિયારોનો સમાવેશ થાય છે.
રશિયાના નાણાકીય ક્ષેત્રો પર કડક પ્રતિબંધો હોવા છતાં ઊર્જા નિકાસ દ્વારા રશિયાનો રોકડ પ્રવાહ ચાલુ છે. નોંધનીય છે કે યુરોપીયન દેશો ઊર્જા પુરવઠા માટે મોટાભાગે રશિયા પર નિર્ભર છે. યુરોપ તેના કુદરતી ગેસના વપરાશનો ત્રીજા ભાગનો ભાગ રશિયા પાસેથી મેળવે છે.