આપણે દરેક લોકો જલારામ બાપા વિશે તો જાણીએ જ છીએ, સંત જલારામ બાપા સાદગીના પ્રતિક તારીખે ઓળખાય છે. કારતક સુદ સાતમના દિવસે જલારામ બાપાની આજે 220મી જન્મજયંતિ છે. સૌરાષ્ટ્રભરમાં જય જલ્યાણના નાદ સાથે ધામધુમથી જલારામબાપાનો જન્મ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. રધુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાઆરતી, અન્નકોટ, મહાપ્રસાદ, બ્લડ ડોનેશન કેમ્પના આયોજનો થયાં છે, દરેક ભક્તો જલારામબાપાની સેવા પ્રવૃતિને યાદ કરી આનંદ ઉમંગથી જન્મ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે.
ઘણી સંસ્થાઓમાંની રધુવંશી સંસ્થાઓ આયોજીત મહાઆરતી, મહાપ્રસાદનો પણ બહોળા પ્રમાણમાં ભાવિકો લાભ લઈ રહ્યા છે.. આજે રવિવાર હોવાથી રધુવંશીઓમાં આનંદ ઉમંગ જોવા મળી રહ્યો છે. સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા.
આજના જમાનામાં પણ લોકો એમ માને છે કે જો ખરા હ્રદયથી જલારામબાપાને પ્રાથના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. આ મનોકામના પૂર્તિને ‘પરચા’ કહેવાય છે. લોકો એવી પ્રાર્થના કરે છે કે જો તેમની મનોકામના પૂર્ણ થઈ તો તેઓ ઉપવાસ કરશે અથવા જલારામબાપાના મંદિરે જશે. આવા અગણિત પરચા લોકોને થયા છે તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી અને તેમના મંદિર દરેક સ્થળે જોવા મળે છે. આજે જલારામ બાપાની ભક્તિ કરનારો એક ખુબ જ મોટો સમુદાય છે.
જલારામ જયંતિ
જલારામબાપાનો જન્મ દિવસ કે જન્મ જયંતિ કારતક સુદ સાતમના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે. આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે. આ દિવસે દરેક ભક્તો ઉત્સવ માં ભાગ લે છે અને આનંદ માણે છે.