જાણો માટેલ વાળી માતા ખોડલનો પરચો અને તેના ભવ્ય મંદિર વિશે

મા ખોડલના પ્રાગટ્યને લઈને રસપ્રદ કથા છે. લોકવાયકા અનુસાર મા ખોડલનું મૂળ નામ જાનબાઈ હતું. તેમની અન્ય છ બહેનાનાં નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઇ, હોલાઇ અને સોસાઇ હતાં. જ્યારે તેમના માતાનું નામ દેવળબા અને પિતાનું નામા મામળિયા હતું.

મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને વરદાન આપ્યું કે પાતળલોકના નાગદેવતાની સાત પુત્રીઓ અને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે. દંતકથા અનુસાર મહાસુદ આઠમના દિવસ દેવળ બાએ ઘરમાં આઠ પારણાં મૂક્યાં. જે સાત પુત્રીઓ અને એક પુત્રથી ભરાઈ ગયાં. 

દંતકથા અનુસાર સાત બહેનાના એકના એક ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો. કોઈએ ઉપાય સૂચવ્યો કે સૂર્ય ઊગે એ પહેલાં પાતળરાજા પાસેથી અમૃતકુંભ લઈને આવો તો જીવ બચી શકે. આવડ માતાની આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા ગયા.

સવારે સૂર્ય ઊગવાની થોડીક જ વાર હતી જાનબાઈ ન આવતાં આવડ માતાથી બોલાઈ ગયું કે જાનબાઈ ક્યાંક ખોડાઈ તો નથી ગયા ને. એટલું બોલ્યા ત્યાં જાનબાઈ આવ્યા ને તેમનો પગ ખોડાઈ ગયો. અને એ રીતે જાનબાઈનું નામ પડ્યું ખોડિયાર. મગરની સવારી કરીને આવેલા ખોડિયાર માતાએ અમૃતકુંભથી ભાઈને સજીવન કર્યો. 

સૌનાં દુ:ખ હરતી અને સૌનું સાંભળતી ખોડિયાર માતાજીને અનેક જ્ઞાતિના લોકો પૂજે છે. લોકો અહીં ચાલીને આવવાની માનતા પણ રાખે છે.  અહીં ચૈત્રી અને આસો નવરાત્રિ ઉપરાંત અષાઢી બીજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 

વરખડીના ઝાડ નીચે આવેલું માતાજીનું મંદિર મુખ્ય આકર્ષણ છે. અહીં એક ત્રિશૂલ દર વર્ષે એક ઈંચ જેટલું વધતું હોવાની પણ માન્યતા છે. આ ઉપરાંત માટેલ ગામમાં મંદિરમાં પ્રવેશ થતાં પહેલા માટેલ ધરો આવે છે. ભક્તો દર્શન બાદ ધરાનું પાણી માથે ચડાવવાનું પણ નથી ભૂલતા. માટેલિયા ધરામાં ભરઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. પાણીને ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. લોકવાયકા મુજબ ધરામાં મોતાજીનું સોનાનું મંદિર પણ આવેલું છે.  

લોકવાયકા મુજબ ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર માઇભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે. ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે. જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે. ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે.

માટેલમાં ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. થોડોક ઢોળાવ ચડીને મંદિરે જવાય છે. મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે. જૂના સ્થાનકમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના-ચાંદીના છત્ર ઝૂમે છે. બાજુમાં ખોડિયાર માતાજીની આરસ પથ્થરની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં ભક્તો ચાંદલો અને ચૂંદડી અર્પણ કરે છે. 

Leave a reply:

Your email address will not be published.

Site Footer