ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વાળમાં આ રીતે લગાવો મેથીની પેસ્ટ

તમે ગમે તેટલા સારા શેમ્પુ વાપરો કે પછી તેલ વાપરો અમુક હદ સુધી જ રાહત મેળવી શકો છો. આ સિવાય આજે વાળ પર વિવિધ જાતના પ્રયોગો થવા લાગ્યા છે જેમ કે હેર સ્ટ્રેઇટનીંગ, વાળ પર સ્પ્રેનો પ્રયોગ, હેર કર્લીંગ, હેર સ્ટાઇલીંગ આ બધા જ પ્રયોગોથી વાળને નુકસાન થતું રહે છે. પણ જો વાળની યોગ્ય રીતે માવજત કરવામાં આવે તો આપણે આ બધી જ સ્ટાઇલો અપનાવ્યા છતાં પણ વાળને સુરક્ષિત રાખી શકીએ છીએ.

વાળની સમસ્યાઓમાં જો સૌથી વધારે કોઈ સમસ્યા સ્ત્રી-પુરુષને નડતી હોય તો તે છે સતત ખરતા રહેતા વાળ. ખરતા વાળ પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે જેમકે તમારા ભોજનમાં વિટામિન્સવાળા ખોરાકની કમી, શરીર માટે યોગ્ય પ્રમાણમાં પ્રોટીનની ઉણપ. એક સ્વસ્થ યુવાન શરીરને દિવસ દરમિયાન 45થી 55 ગ્રામ સુધી પ્રોટીનની જરૂર રહે છે. શરીરમાં ફોલિક એસિડની ઉણપ હોવાથી પણ વાળ સમય પહેલાં જ ઉતરવા લાગે છે. તો ચાલો જાણીએ મેથી દ્વારા વાળને કેવી રીતે ઉતરતા રોકી શકાય.

જો તમે ખુબ જ સરળ રીતે વધારે પડતી માથાકુટ કર્યા વગર તમારા ખરતા વાળને અટકાવવા માગતા હોવ તો તમારે રાત્રે સુતા પહેલાં એક નાનકડી વાટકીમાં મેથીના દાણા પલાળવા મુકી દેવા. સવારે આ પલળેલા મેથીના દાણાની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને માથા પર લગાવતા પહેલાં તમારે તમારા વાળ ધોઈ લેવા અને ભીના વાળમાં જ મેથીની તૈયાર કરેલી પેસ્ટ સરસ રીતે લગાવી લેવી.

વાળના મૂળિયાથી શરૂઆત કરવી. મેથી દરેક વાળના મુળ સુધી પહોંચે તે માટે તમારે પાંથીએ પાંથીએ મેથીની પેસ્ટ લગાવતા જવી. હવે તેને એક કલાક તેમજ રાખી મુકવું. અને ત્યાર બાદ તમે રેગ્યુલર જે રીતે શેમ્પુથી વાળ ધોતા હોવ તે રીતે વાળ ધોઈ લેવા. પણ અહીં એક સલાહ છે કે તમારે શેમ્પુ ક્યારેય ડાયરેક્ટ વાળ પર ન લગાવવું. તેના કરતાં શેમ્પુને પાણીમાં ડાઈલ્યુટ કરીને પછી તેનાથી વાળ ધોવા.

આમ કરવાથી શેમ્પુમાં રહેલા કેમિકલની અસર ઓછી થઈ જશે અને તમારા વાળ પણ સ્વચ્છ થઈ જશે અને સાથે સાથે શેમ્પુનો બગાડ પણ નહીં થાય. જો તમે ઇચ્છતા હોવ કે તમારા વાળ મજબૂત બને અને ઘેરા અને લાંબા થાય તો તેના માટે આ ઉપાય એકદમ સચોટ છે. જો તમારા માથામાં ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ હશે તો આ પ્રયોગથી ટાલ પડતી અટકી જશે અને ધીમે ધીમે વાળનો ગ્રોથ વધી જશે.

તેના માટે તમારે રાત્રે સુતા પહેલાં ત્રણ ચમચી મેથીના દાણા પલળવા મુકી દેવા. સવારે ઉઠીને આ દાણા વાટીને તેની પેસ્ટ બનાવી લેવી. હવે તે પેસ્ટમાં એક ચમચી લીંબુને રસ ઉમેરવો અને સાથે જ અરધી વાટકી નાળીયેરનું દૂધ ઉમેરવું. હવે તેને બરાબર મિક્સ કરીને એકરસ કરી લેવું. હવે આ તૈયાર થયેલી પેસ્ટને વાળની પાંથીએ પાંથી એ લગાવી લેવી. હવે તેને તેમ જ અરધોથી એક કલાક રાખવું. ત્યાર બાદ માથુ ધોઈ લેવું. જો તમે જલદી જ વાળમાં સુધારો જોવા માગતા હોવ તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ પ્રયોગ ચોક્કસ કરવો.

જો તમને વાળ ખરવાની સાથે સાથે વાળમાં ખોડો થવાની સમસ્યા હોય તો આ પ્રયોગથી તે કાયમી ધોરણે દૂર થઈ જશે. આ પ્રયોગમાં તમે મેથીની ભાજીનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તે ન હોય તો મેથીના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે મેથીના દાણાનો ઉપયોગ કરવા માગતા હોવ તો તેનો પાવડર બનાવી લેવો અને જો ભાજીનો ઉપયોગ કરવા માગતા હોવ તો તેને ઉકાળીને તેમાંથી મેથીના પાન તારવીને તેની પેસ્ટ બનાવી લેવી. હવે પાઉડર કે ભાજીની પેસ્ટને તમારે દહીંમાં મિક્સ કરી લેવી.

હવે આ તૈયાર થેયલા પેકને તમારે વાળના મૂળિયા પર વ્યવસ્થિત લગાવી લેવી. હવે તેને અરધાથી પોણા કલાક સુધી તેમજ લગાવી રાખવું અને ત્યાર બાદ માઈલ્ડ શેમ્પુથી ધોઈ લેવું. આ પ્રયોગ કરવાથી ખોડો દૂર થશે વાળ શાઇની બનશે, વાળનો ગ્રોથ વધશે, અને વાળ પણ ખરતા બંધ થઈ જશે.

મેથીનો વાળ માટેનો આ સૌથી ચોખ્ખો ઉપયોગ છે આમાં તમારા હાથ નહીં બગડે. તેના માટે તમારે એક નાની તપેલીમાં એક ગ્લાસ પાણી અને બે ચમચી મેથીના દાણા ઉકાળી લેવા. પાણી બરાબર ઉકળી જાય અને ઠંડુ થઈ જાય પછી તે પાણીથી વાળમાં મસાજ કરવું. મસાજ કર્યા બાદ 15-30 મિનિટ તેમજ રહેવા દેવું અને ત્યાર બાદ વાળ ધોઈ લેવા આ પ્રયોગથી વાળ શાઈની તેમજ સ્ટ્રોંગ બનશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer